લઘુ કથા..
‘આપણા સૈનિકોને સલામ’
“હું તમારી પત્ની, હું તમારી પ્રિયતમા..! અહીં જુઓ મને..! નિહાળો મને..! ભરપૂર ચાહો મને..! ઉઠો હવે!!
જુઓ, આ આપણાં લગ્નનું મંડપ. તેમાં કપડાથી ગૂંથાયેલું ગોળ ગુંબજ. આસપાસ આવતી સુંદર ફૂલોની સુગંધ અને તેમાં મારી સખીઓ અને તમારા મિત્રો કરતા હસી મજાક. હજી હમણાંજ તમે ઘોડાની સવારીમાં રજવાડી શેરવાની પહેરીને આવ્યા છો. તમારો આ સાફો જુઓને મારી સાડીના પાલવ સાથે એક રંગ થાય છે. જુઓ તો ખરા સામૈયું દ્વારા તમને કેટલા લાડકોડથી પોખાય છે. અરે! આ શોર બકોર આ દેકારો તમને નથી સંભળાતો.? આ મારી ને તમારી સગી થતી બૈરીઓ સામસામે ખીજવીને ફટાણા ગાય છે.! અને, મારી બહેનપણી સમાન ભાભીઓ જુઓને અણવર બનીને મારી દેખભાળ ઓછી ને મારી મજાક વધારે કરે છે.! હજી યજ્ઞકુંડ માં ઘી ખૂટયું નથી..! હજી અગ્નિ બુજાણી નથી.! હજી ગોર મહારાજ ના મંત્રો પુરા નથી થયાં.! હજી મારુ કન્યાદાન નથી થયું..! હસ્તમેળાપ ની વાર છે.! મારા માટે લાવેલું પાનેતર મારા માટે લાવેલો હાથનો ચુડલોને, મંગળસૂત્ર બાજોટ માંજ પડ્યા છે. ! હજી મારી માંગ નથી ભરી તમે? હજી સપ્તપદીના સાત ફેરા નથી ફર્યા.! મારા સાહેબ ઉભા થાવ આમ જુઓ તો ખરી! તમારી પરણેતર હજી તમારાં દ્વારે નથી પ્રવેશી.! કળશ પર પગ નથી મુક્યો.! ઉભા થાવ હજી તાજી તાજી હું તમારી ધર્મપત્ની રૂપે તમને પગે લાગીને ઉઠાડું છું.! ઉભા થાવ..! આ ઢોલ ને શરણાઈ જુઓ કેવું માદક ને મધુર સુર રેલાવે છે. મારી પીઠીનો રંગ જબરદસ્ત ઊઘડયો છે. હું તમને કેટલી ચાહતી હોઈશ? મારા હાથની રંગેલી આ મહેંદી તો જુઓ હજી તેનો રંગ પાક્કો પકડાયો છે. ઉભા થઈને જરા તેમાંથી તમારું નામ તો શોધી બતાવો?
આ મહેમાનોનું ટોળું વળ્યું છે. જમણવારની તૈયારી છે. કોઈ જમતું નથી..! ઉભા થાવ, સાંજ પડી છે. ઉઠી જાવ હવે સાહેબ ઉભા થાવ..!!
“હે..! રામ! આ બાઈને, કોક છાની રાખો? અને તેને રોતી બંધ કરો! અને, હવે કર્નલ હરપાલસિંહની લાશને બહાર કાઢો. તેને જવાનો સલામી આપીને દફનાવાના છે. બધા રાહ જુએ છે. વીર જવાનની શહીદી પર તેને સલામી આપવા માટે..!
વીરગતિ પ્રાપ્ત કરનાર જવાનને રથમાં લઈ જાય છે. આગળ સૈન્યદળ પરેડ કરતા કરતા સલામી આપે છે..
- લેખિકા: વૈશાલી. એલ. પરમાર
”વૈદેહી”
અમરેલી