હેપ્પી વેલેન્ટાઈન ડે દોસ્તો….
દર વર્ષે ફેબ્રુઆરીની સાતમી તારીખ આવે એટલે પ્રેમી પંખીડાઓનો ઉજવણીનો પર્વ ચાલુ થઈ જાય જે ચૌદમી તારીખે વેલેન્ટાઈન ડેના દિવસે પૂરો થાય. ધીમે ધીમે પીળા, કેસરી, ગુલાબી અને લાલ રંગના ફૂલોથી બજારો ઊભરાતી દેખાય. ગિફ્ટ આર્ટિકલોની દુકાનોમા ભીડ ભીડના ભડાકા દેખાય અને આશિકોની પોતાના પ્રેમી પંખીડાઓને રાજી કરવા અને પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે ગિફ્ટ લેવાની પડાપડી થતી જણાય ત્યારે મારા મનમાં એક વિચાર આવે કે….
શુ પ્રેમની અભિવ્યક્તિ એક જ દિવસ પૂરતી હોઈ શકે?
શા માટે આ એક જ દિવસને પ્રેમને વ્યક્ત કરવા મહત્વ આપવામાં આવે છે?
તાજેતરમાં જ મારી પાસે મારા મિત્રવર્તુળમાંનું એક યુગલ કાઉન્સેલિંગ માટે આવ્યું હતુ પણ તેઓ તેમની સમસ્યા નહિ, તેમનું આંતરિક સમાધાન શેયર કરવા આવેલા હતા. તેઓની સમસ્યા કઈંક આવી હતી. બહેને સવારમાં પોતાના પાડોશમાં રહેતા એક ભાઈને પોતાની પત્નીને ગુલાબનું ફૂલ અને ગિફ્ટ આપતા જોયા અને એ જોઈને તેમને એવી ઈચ્છા થઈ કે તેમના પતિ પણ તેમને એવી કઈં ગિફ્ટ આપે. હવે એ ભાઈને સવાર સવારમાં કોઈ જોબ પર જવામાં ઉતાવળ હશે તો તેઓ થોડા ચિડાઈ ગયા અને વેલેન્ટાઈન ડે ના એ સપરમા દિવસે બહેને આખો દિવસ ગુસ્સામાં કઈં ખાધુ પીધુ નહિ. બહેનને બ્લડ પ્રેશરની તકલીફ હોવાથી તેમની તબિયત થોડી ખરાબ થઈ ગઈ. સાંજે ભાઈ આવ્યા ત્યારે તેમને તેમની પત્નીની સવારની ઈચ્છા યાદ હતી તેથી તેઓ પોતાના પત્ની માટે ગુલાબ અને એક નાનકડી ગિફ્ટ લઈને આવ્યા પરંતુ આ શુ….. ઘેર આવ્યા ત્યારે તો પત્નીની તબિયત ખરાબ હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે મેડમે ગુસ્સામાં કંઈ ખાધું ન હતું. તેથી એ ભાઈએ પોતાની પત્ની કપાળે ચૂમતા કહ્યું,
“તુ આરામ કરી લે. આ ગુલાબની સુગંધ માણ. હું જમવાનું બનાવી લઉં છું.”
અને… બહેને એ પછી જે વાક્ય કહ્યું એ સાંભળીને ખરેખર મને સાચા પ્રેમની એક નવી વ્યાખ્યા જાણવા મળી.
એમના શબ્દો હતા,
“અને એ ગુલાબથી પણ વધુ સારી સુગંધ… મને એમના તરફથી કપાળ પર મળેલા ચુંબનમાં માણવા મળી.”
કહેવાનો અર્થ એ છે કે સાચો પ્રેમ કોઈ ચોક્કસ દિવસનો મોહતાજ નથી હોતો. વ્યક્તિ પોતાના રોજિંદા જીવનમાં પણ નાના નાના કાર્યોમાં પણ પોતાના પ્રિય પાત્રને મદદ કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કરી શકે છે. જે દિવસે આપણે આ કેલેન્ડરની તારીખોને મહત્વ આપવાનું બંધ કરી દઈશું એ દિવસે આપણો પ્રેમ જિંદગીરૂપી પર્વતના શિખરો પર નવી ઊંચાઈઓ સર કરવા માંડશે.
- આદિત શાહ