અમદાવાદ : રાજસ્થાનમાં પાંચ ટકા અનામતની માગણીને લઇ ગુર્જર સમાજનું ઉગ્ર આંદોલન આજે પાંચમા દિવસે પણ યથાવત્ છે. આંદોલન હજુ પણ મચક ન આપતું હોવાથી રેલવેતંત્ર દ્વારા હજુ તા. ૧૯ ફેબ્રુઆરી સુધી કેટલીક ટ્રેન રદ કરવાનો નિર્ણય લેવાયો છે. દિલ્હી મુંબઈ રેલ વ્યવહારને સવાઇ માધોપુર પાસે ટ્રેક પર નુકસાન થયું છે, જે રિપેર થતાં હજુ સમય લાગશે. આમ, હજુ તા.૧૯મી ફેબ્રુઆરી સુધી દિલ્હી તરફનો ટ્રેન વ્યવહાર ખોરવાયેલો રહે તેવી પૂરી સંભાવના છે. રેલ્વે તંત્ર દ્વારા અત્યારે પ્રીમિયમ ટ્રેન ડાઇવર્ટ કરીને ચલાવવામાં આવે છે. દિલ્હીથી મુંબઈ ટ્રેન હજુ આવતી નથી. રાજસ્થાનના સવાઈ માધોપુર પાસે રેલવે ટ્રેક પર જ ધરણાં કરી રહેલા ગુર્જરોએ રેલ વ્યવહાર બાનમાં લીધો છે, જેના કારણે રેલવેતંત્ર દ્વારા નાગરિકોને ઓનલાઈન તપાસ કરીને તેમજ હેલ્પ ડેસ્કની મદદથી અન્ય વિકલ્પ પસંદ કરવા જણાવાયું છે.
આજે પણ આ રૂટ પર આવતી-જતી પેસેન્જર અને ફાસ્ટ ટ્રેન સહિતની કુલ ૧૦૭ ટ્રેન રદ કરવામાં આવી હતી. આજે પણ મુંબઇ-દિલ્હીનો ટ્રેન વ્યવહાર ખોરવાયેલો રહેતાં રદ કરાયેલી ટ્રેનના પગલે હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે દિલ્હી તરફથી ૧૪ ટ્રેન ડાઇવર્ટેડ રૂટ ઉપર ચાલી રહી છે. ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશન ક્યારે પહોંચશે તેનો ચોક્કસ ટાઇમ આપી શકાતો નથી. ગઈકાલે એક જ દિવસમાં ૮૦ હજારથી વધુ રેલ પ્રવાસીઓ અટવાયા હતા.
આ પરિસ્થિતિ આજે પણ યથાવત રહેતા પ્રવાસીઓ ભારે હાલાકીમાં મૂકાયા હતા. ગુજરાતભરમાંથી વસંતપંચમીનું શાહી કુંભસ્નાન કરવા ગયેલા શ્રદ્ધાળુઓ પણ અત્યારે અન્ય રાજ્યના રૂટ પરથી પરત થઈ રહ્યા છે. રેલ વ્યવહાર ક્યારે પૂર્વવત્ થશે તે જાહેર કરવાનું આજે પણ તંત્ર માટે મુશ્કેલ છે અને મુસાફરોમાં રોષ છે. ગુર્જર આંદોલનના પગલે પેસેન્જરને હેરાનગતિ ન થાય તે માટે અમદાવાદ, વડોદરા, સુરત સહિત તમામ મુખ્ય સ્ટેશન ઉપર હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવી છે, જ્યારે કેન્સલ થતી ટ્રેનના પેસેન્જરને ઝડપથી રિફંડ મળી રહે તે માટે વિશેષ કાઉન્ટર પણ રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યાં છે. જા કે, હજુ એકાદ સપ્તાહ સુધી રેલ વ્યવહારમાં અનિશ્ચિતતાભરી સ્થિતિ ચાલુ રહે તેવો અંદાજ છે. અલબત્ત, રેલ્વે તંત્ર જરૂરી તમામ પ્રયાસો કરી રહ્યું છે કે જેથી મુસાફરોને શકય એટલી ઓછી હાલાકી પડે.