નવસારી : નવસારી કૃષિ યુનિવર્સિટીના એકઝામ હોલ ખાતે હોર્ટિકલ્ચર સોસાયટી ઓફ ગુજરાત, દિલ્હી અને કૃષિ યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે ત્રિદિવસીય રાષ્ટ્રીય સેમિનારનો પ્રારંભ થયો છે. આ સેમિનારમાં ૩૫૦ ભારતના વિવિધ રાજયોના અને નેપાળના કૃષિ તજજ્ઞો ભાગ લઇ રહયા છે. શાકભાજીની રક્ષિત ખેતી અને ટેકનોલોજીના ઉપયોગ અંગે યોજાયેલા સેમિનારમાં રક્ષિત ખેતીની શકયતા, પડકારો અને સફળતાઓ ઉપર કૃષિ તજજ્ઞો વિચારોનું આદાન-પ્રદાન કરી, સંશોધન પેપરો રજૂ કરી, એક સચોટ નિષ્કર્ષ કરશે.
નવસારી ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇએ રાષ્ટ્રીય સેમિનારનો પ્રારંભ કરાવી, નવસારીમાં ઓર્ગેનિક ફાર્મિંગ સોસાયટી બનાવવામાં આવી છે, તેવી જ રીતે શાકભાજીના ઉત્પાદનને વધારો કરી, ખેડૂતોને આર્થિક ઉપાર્જનમાં લાભદાયી નીવડે તે માટે વેજીટેબલ ફેડરેશન બનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે ખેડૂત સાથે કૃષિ તજજ્ઞોનો વાર્તાલાપ યોજી સારા-નરસા બન્ને પાસાંઓને સરકારમાં રજૂ કરી શકાય તેવું આયોજન કરવા પણ સુચન કર્યું હતું.
દિલ્હી ફોર્મર ડીઆરડીઓ ડાયરેકટર પદમશ્રી બ્રહ્મા સિંઘે આજના ટેકનોલોજીના યુગમાં રક્ષિત ખેતીની ખુબ જ આવશ્યકતા હોવાનું જણાવ્યું હતું. તેમણે કહયું હતું કે, પોલી હાઉસમાં ખરાબ હવામાનમાં પણ સારી ખેતી થઇ શકે છે. આજના બદલાતા ગ્લોબલાઇઝેશનના યુગમાં ઓછા ખર્ચે તેમજ વધુ શાકભાજીની ઉપજ કેવી રીતે કરી શકાય તેની તાતી આવશ્યકતા છે. રક્ષિત ખેતીના પડકારો, તેના ઉપાયોના સંશોધન એ આ સેમિનારનો મુખ્ય આશય છે.
તેમણે શાકભાજીની રક્ષિત ખેતી માટે ખેડૂતોને તાલીમબધ્ધ કરવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, મોટા પોલીહાઉસ કે ગ્રીનહાઉસ બનાવવા પુરતા સિમિત ન રહી, તેઓને તાંત્રિક માર્ગદર્શન, તાલીમ વગેરે આપવામાં આવે તો જરૂર શાકભાજીની રક્ષિત ખેતીમાં સફળતા મળશે.
રક્ષિત ખેતી સંદર્ભે ર્ડા.બ્રહ્મા સિંઘે લદાખના ખેડૂતોનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, લદાખમાં રક્ષિત ખેતીને અનુકૂળ વાતાવરણ ઊભું કરીને શાકભાજીની ખેતી કરવામાં આવે છે. ત્યારે વધુ સમય માટે બરફ છવાયેલો હોય છે, પરંતુ કૃષિ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને જયાં ફકત ત્રણ પ્રકારની શાકભાજી થતી હતી, ત્યાં આજે અનેકવિધ શાકભાજી ઉપરાંત ખેતી થાય છે. તેમણે પોલીથીંગનો ઉપયોગ કરીને જમીનને ઢાંકી, ટનલ બનાવીને ખુબ સારી રીતે રક્ષિત ખેતી કરી શકાય છે. ખેડૂતોને જાગૃત કરવાની જરૂરિયાત છે.
નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ર્ડા.સી.જે.ડાંગરીયાએ જણાવ્યું હતું કે, કૃષિ યુનિવર્સિટી ખાતે શાકભાજીની રક્ષિત ખેતી અંગે ખેડૂતોને તાલીમ અને માર્ગદર્શન પણ આપવામાં આવે છે. આજના આધુનિક યુગમાં ઉત્પાદન વધારવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. મોબીલાઇઝ ની જરૂરિયાત છે. ભારતના હવામાનમાં રક્ષિત ખેતીને કેવી રીતે આગળ વધારી શકાય તે માટે કૃષિ યુનિવર્સિટી પ્રયાસ કરે છે.
ઇન્ડિયન એગ્રીકલ્ચર રીસર્ચ ઇન્સ્ટીટયુટ ન્યું દિલ્લ્હીના ર્ડા. પ્રિતમ કાલિયાએ કૃષિ વિજ્ઞાનિકોને શાકભાજીની રક્ષિત ખેતી સંદર્ભે સંશોધનમાં મહેનત કરીને, ખેડૂતોને ઉપયોગી બને તેવી ટેકનોલોજીને નાનામાં નાના ખેડૂતો સુધી ઓછા ખર્ચે પહોંચાડવા અનુરોધ કર્યો હતો.
ગુજરાત હોટિસ્કલ્ચર સોસાયટીના પ્રમુખ ર્ડા. એન.એલ.પટેલે ભારતમાં રક્ષિત ખેતી માટે મહેનતની જરૂરિયાત પર ભાર મુકયો હતો. તેમણે જણાવ્યું હતું કે, 1પ જેટલા દેશોમાં રક્ષિત ખેતી મોટા પ્રમાણમાં થાય છે. ભારતમાં ખુબ જ ઓછા પ્રમાણમાં શાકભાજી ઉપરાંત રક્ષિત ખેતી થાય છે. સાઉથ કોરિયા, જાપાન, ઇટાલી વગેરે દેશો રક્ષિત ખેતીમાં ખુબજ આગળ છે. વાતાવરણના બદલાવ વચ્ચે પણ બારેમાસ રક્ષિત ખેતી કરી શકાય છે. જેનાથી રોજગારી પણ વધુ મળી રહે છે.
નવસારી કૃષિ યુનિવર્સિટી યોજાયેલા સેમિનાર દરમિયાન સજીવ ખેતી, રક્ષિત ખેતી અંગે પ્રદર્શની પણ યોજાઇ હતી. કુલપતિ ર્ડા.સી.જે.ડાંગરીયાએ પ્રદર્શનને ખુલ્લુ મુકયું હતું. પ્રદર્શનમાં કૃષિ ઉત્પાદિત ચીજવસ્તુઓનું વેચાણ -પ્રદર્શન છે.
અસ્પી કોલેજના ડીન ર્ડા. બીએન.પટેલે સૌને આવકાર્યા હતા. જયારે આભારવિધિ ઓર્ગનાઇઝર સેક્રેટરી ર્ડા.સંજીવ કુમારે આટોપી હતી.