લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી તેની છાવણીમાં કેટલાક નવા પક્ષોને સામેલ કરવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. આમાં તેને સફળતા મળી શકે છે. કારણ કે આના માટેની તમામ પ્રકારની વાતચીતનો દોર ઉચ્ચસ્તર પર ચાલી રહ્યો છે. કોઇ પણ પ્રકારના જોખમ લીધા વગર ચૂંટણી મેદાનમાં ઉતરી જવાની તેની યોજના છે. પાર્ટીના લોકોના કહેવા મુજબ બાજપ તમિળનાડુ જેવા દક્ષિણ ભારતના રાજ્યો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આના ભાગરૂપે તમિળનાડુમાં પાર્ટી દ્ધારા નવા પક્ષોની શોધ ચાલી રહી છે. આ ઉપરાંત વિરોધી પાર્ટીના શક્તિશાળી નેતાઓને પોતાની તરફેણમાં કરવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વિરોધી પાર્ટીઓને લીડ લેતા રોકવટ્ઠા માટે ભાજપ દ્વારા પણ અંતિમ રણનિતી પર કામ ચાલી રહ્યુ છે.
ભાજપના લોકોનુ કહેવુ છે કે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી એક સાથે આવ્યા બાદ પ્રિયંકા વાઢેરાની પણ એન્ટ્રી થઇ રહી છે. આવી સ્થિતીમાં ભારતીય જનતા પાર્ટીને ચોક્કસપણે ઉત્તરપ્રદેશમાં નુકસાન થનાર છે. આ નુકસાનની ભરપાઇ દક્ષિણી રાજ્યોમાં કરવા માટે પાર્ટી તમામ પાસા પર વિચારી રહી છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં પાર્ટી વધારે આક્રમક ઇરાદા સાથે મેદાનમાં ઉતરી રહી છે. તમિળનાડુમાં દિગ્ગજ નેતાઓ હવે રહ્યા નથી. જેથી તમામ ક્ષેત્રીય પાર્ટીના લોકો શક્તિશાળી તરીકે ઉભરી આવવા માટે સજ્જ છે. પાર્ટી નવા સાથીઓને લઇને મંથન કરી રહી છે. ભાજપના લોકો કહે છે કે એનડીએને મજબુત કરવા માટે પાર્ટી તમિળનાડુમાં ક્ષેત્રીય પાર્ટીની શોધ કરી રહી છે. તમિળનાડુમાં પાર્ટી કોઇ આધાર ધરાવતી નથી. આવી સ્થિતીમાં પાર્ટી એવા ઉમેદવાર પણ નજર રાખી રહી છે જે જીતી શકે છે. આવા ઉમેદવારને પાર્ટી પોતાન તરફેણમાં કરવા માટે ઇચ્છુક છે. જાણકાર લોકો કહે છે કે અન્નાદ્રમુકના બંને મોટા જુથની સાથે કેટલીક નાની પાર્ટીને પણ સાથે લઇ શકે છે. મહારાષ્ટ્રમાં શિવસેનાને મનાવી લેવાના પ્રયાસ પણ ચાલી રહ્યા છે. શિવ સેનાના લોકો છેલ્લા કેટલાક સમયથી ભાજપથી નારાજ છે. જેડીયુ બિહારમાં ભાજપની સાથે આવવાથી ચોક્કસપણે ફાયદો થનાર છે.
ભારતીય જનતા પાર્ટીની સેન્ટ્રલ લીડરશીપની સાથે સાથે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ફડણવીસ શિવ સેનાના નેતા ઉદ્ધવ સાથે નિયમિત વાતચીત કરી રહ્યા છે. લોકસભા ચૂંટણી આડે કેટલાક મહિનાનો સમય રહ્યો છે ત્યારે હાલમાં જેટલા પણ સર્વે આવ્યા છે તેમાં ભાજપના નેતૃત્વમાં એનડીએને વર્ષ ૨૦૧૪ કરતા ખુબ ઓછી સીટ મળી રહી છે. અલબત્ત તે સરકાર બનાવવા અને સૌથી મોટા ગઠબંધન તરીકે ઉભરી આવવાની સ્થિતીમાં છે પરંતુ એકલા હાથે સરકાર બનાવે તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. આવી સ્થિતમાં પહેલાથી જ આયોજન કરવામાં આવી રહ્યાછે. મોદીના નેતૃત્વમાં ફરી સરકાર બને તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી નજીક આવશે ત્યારે હજુ પણ નવા સમીકરણ વિવિધ રાજ્યોમાં જાવા મળી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી પ્રમુખ અમિત શાહની ચિંતા હાલના વિધાનસભા ચૂંટણી પરિણામથી વધી ગઇ છે. કારણ કે તેમના હાથમાંથી ત્રણ હિન્દી પટ્ટાના રાજ્યો નિકળી ગયા છે. જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તિસગઢનો સમાવેશ થાય છે.
અલબત્ત ત્રણેય રાજ્યો પૈકી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની ખુબ જ સાંકડી હાર થઇ છે. આવી સ્થિતીમાં આ રાજ્યોમાં પાર્ટી લોકસભા ચૂંટણીમાં શાનદાર દેખાવ કરી શકે છે. કોંગ્રેસ પાર્ટી બહુમતિની નજીક પહોંચી શકી છે. જ્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી બહુમતિના આંકડાની બિલકુલ નજીક પહોંચીને સત્તાથી વંચિત રહી ગઇ છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં પાર્ટી તેની સ્થિતીને મજબુત કરવા માટેના તમામ પ્રયાસો કરી રહી છે. આના માટે વડાપ્રધાન મોદી પોતે લાગેલા છે. મોદી વારંવાર દક્ષિણ ભારતના રાજ્યોની મુલાકાત લઇ રહ્યા છે. મતદારોમાં પ્રભાવ જગાવવા માટે મોદી સતત પ્રયાસ કરી રહ્યા છે. તમિળનાડુ માટે કેટલીક કલ્યાણ યોજના પણ જાહેર કરવામાં આવી ચુકી છે. મોદી ઝંઝાવતી પ્રચાર કરી શકે છે.