અમદાવાદ : કિશોરાવસ્થા એ બાળપણથી પુખ્તાવસ્થા વચ્ચેનો તબક્કો છે. આ જ ગાળામાં પુખ્તતા અનુભવવામાં આવે છે. એમાં ટીનેજર્સ, ખાસ કરીને કિશાર છોકરીઓમાં ઘણાં માનસિક અને શારીરિક ફેરફારો આવે છે. જા કે, કિશોરાવસ્થામાં લાગણી જાહેર નહી કરી શકાતાં છોકરીઓમાં ડિપ્રેશનનું પ્રમાણ વધુ નોંધાયું છે. કશોરાવસ્થામાં પોતાની લાગણીઓને જાહેર કરવાની અક્ષમતાને કારણે સ્વાસ્થ્ય સંબંધિત આ સમસ્યાને નજરઅંદાજ કરવામાં આવે છે અને કિશોરો સાઇકિયાટ્રિકની મદદ લેવા ઇચ્છતાં નથી.
પરંતુ ડિપ્રેશન વિશે શરમ છોડીને વાત કરવાથી અને આ સ્થિતિનાં ચિહ્નો અને લક્ષણો વધુ સારી રીતે સમજીને આ સમસ્યાને અટકાવી શકાય છે એમ અત્રે માનસિક સ્વાસ્થ્ય વિશે વધારે જાગૃતિ લાવવા માટે નારાયણા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનાં કન્સલન્ટ સાઇકિયાટ્રિસ્ટ ડો.ગોપાલ ભાટિયાએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓમાંની એક સમસ્યા ડિપ્રેશન છે. વર્ષ ૨૦૧૭નાં ડબલ્યુએચઓનાં રિપોર્ટ મુજબ, ૧૩થી ૧૫ વર્ષની વયજૂથમાં ચાર બાળકોમાંથી એક બાળક ડિપ્રેશનથી પીડિત છે. એવું જોવામાં આવ્યું છે કે, આ વયજૂથમાં છોકરાઓ કરતા છોકરીઓમાં આ સમસ્યા વધુ છે, કારણ કે તેઓ પોતાની લાગણીઓને દબાવી રાખે છે. ઘણીવાર ડિપ્રેશન કે ચિંતાનાં ચિહ્નો અસ્પષ્ટ હોય છે એટલે એનું મોડેથી નિદાન થાય છે. જો વહેલાસર નિદાન થાય, તો જરૂરી સારવાર મેળવી શકાશે એટલે ચિહ્નોને ઓળખવા અને તેને સમજીને સારવાર કરાવવી મહત્વપૂર્ણ છે. ઘણીવાર સમયસરની સારવાર માઠા પરિણામોથી બચાવી લેતી હોય છે એમ ડો.ગોપાલ ભાટિયાએ ઉમેર્યું હતું.