અમદાવાદ : મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા આજરોજ રજૂ કરાયેલા રૂ.૭૫૦૯ કરોડના ડ્રાફ્ટ બજેટમાં એનર્જી સેવીંગ અને કન્ઝર્વેશનની બાબત પર પણ ખાસ ભાર મૂકાયો હતો. સૌથી મહત્વનું અને નોંધનીય એ છે કે, અમ્યુકો દ્વારા હાલનું તેનું વીજ ઉત્પાદન જે આઠ મેગાવાટ છે, તે વધારી આગામી દિવસોમાં ૪૪ મેગાવોટ સુધી કરવાનું આયોજન કરાયું છે. હાલ અમ્યુકો દ્વારા વીન્ડ પ્લાન્ટ મારપતે ૮.૪ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરાય છે. આ જ પ્રકારે વેસ્ટ ટુ એનર્જી, એસટીપીમાંથી પણ વીજ ઉત્પાદન કરાય છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ઉમેર્યું હતું કે, રિન્યુએબલ સોર્સ ઓફ એનર્જી દ્વારા એટલે કુદરતી ઉર્જાનો ઉપયોગ કરીને અમ્યુકો તેની વીજ ઉત્પાદન ક્ષમતા વધારવા માંગે છે. વિન્ડ પાવર પ્લાન્ટ પ્રોજેકટમાં અમ્યુકોએ ૪.૨ મેગવોટના બે પ્લાન્ટ એટલે કે, કુલ ૮.૪ મેગાવોટની વીજ ઉત્પાદનનું કામ પૂર્ણ થઇ ગયુ છે. જેના મારફતે ૨.૨ કરોડ વીજ યુનિટ ઉત્પાદન કરાયું છે.
જેના મારફતે સેટ ઓફ દ્વારા રૂ.૧૪.૩૦ કરોડની વાર્ષિક બચત શકય બની છે. આ સિવાય નખત્રાણા ખાતે ૪.૨ મેગાવોટના ત્રીજા પ્લાન્ટનું કામ રૂ.૩૩ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. ૧૪મા નાણાં પંચની ગ્રાન્ટ અન્વયે ૪.૨ મેગાવોટના ૪થા પ્લાન્ટની કામગીરીની મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે, જે અંગે પણ ટૂંક સમયમાં આગળની કાર્યવાહી વેગવંતી બનાવાશે. આ જ પ્રકારે અમ્યુકો હસ્તકની હોÂસ્પટલ બિલ્ડીંગો, અન્ય કચેરીઓ અને ઓફિસ સંકુલોમાં સોલાર રૂફટોપ સીસ્ટમ લગાવવાની દિશામાં પણ મહત્વનું આયોજન હાથ ધરાયું છે.
જેમાં અમ્યુકો હસ્તકના સીસીસી બિલ્ડીંગ, પાલડી અને એસઆરએફડીસીએલ હાઉસ ખાતે કુલ અંદાજીત ૯૦ કિ.વોની સોલાર રૂફટોપ સીસ્ટમ લગાવવા અને રિમોટ મોનીટરીંગ સીસ્ટમનું આયોજન હાથ ધરાયું છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થવાની આશા છે. અત્યારસુધીમાં અમ્યુકો દ્વારા અલગ-અલગ કિસ્સામાં ૫૪૦ કિ.વો. સોલાર રૂફટોપ સીસ્ટમ દ્વારા અંદાજીત ૧૨.૦૪ લાખ વીજ યુનિટ ઉત્પાદન થકી આશરે રૂ.એક કરોડથી પણ વધુની આર્થિક બચત કરી શકાય તેવું આયોજન અમ્યુકો દ્વારા હાથ ધરાયું છે એમ પણ નહેરાએ ઉમેર્યું હતુ.