અમદાવાદ : સાગરખેડૂઓના સુરક્ષા કૌશલ્યો વધારવા તથા આપત્તિ અને કટોકટીનો સામનો કરવા માટે તેમને સજ્જ કરવા ભારતીય નાવિક સેના યુનિયને મુંબઇમાં મેયર હોલ ખાતે સેફ્ટી મેનેજમેન્ટ વિષય પર એક મહત્વના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ-કોંકણ ડિવિઝનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર નીતિન નાઇક, યુનાઇટેડ નેશન્સના સભ્ય ડો. નિહાલ મયુર, હોમિયોપેથીના નિષ્ણાંત ડો. રૂચિ સક્સેના અને એરવોટ ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ ડો. સંતોષ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
સેફ્ટી મેનેજમેન્ટ પરના આ અગત્યના સેમીનાર મારફતે અકસ્માત, દુર્ઘટના સહિતના મુદ્દે જાગૃતિ અને તેના નિવારણના પગલાં અને સાવધાની સહિતના મામલે ચર્ચા વિચારણા હાથ ધરાઇ હતી અને સામાજિક જાગૃતિનો અનોખો પ્રયાસ પણ કરાયો હતો. આ પ્રસંગે બીએનએસયુના વર્કિગ પ્રેસિડેન્ટ રવિન્દ્ર બેઇંગે જણાવ્યું હતું કે, અસુરક્ષિત કામગીરી જીવન અને મિલકત બંન્ને માટે જોખમી છે. અવિચારી રીતે રાઇડ કરતાં ટુ-વ્હીલર રાઇડર માત્રો પોતાનું જીવન જ નહીં, પરંતુ માર્ગ ઉપર અન્ય વ્યક્તિઓ માટે પણ જોખમી બને છે.
સાગરખેડૂઓને સુરક્ષા અંગે સંબોધન કરતાં એમટીએમ શિપ મેનેજમેન્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના કેપ્ટન જયદીપ ધામનકરે જણાવ્યું હતું કે, અકસ્માત અને દુર્ઘટના અણધાર્યા સંજોગો છે, જે કોઇપણ વ્યક્તિ અને સમુહને કોઇપણ સમયે અસરકર્તા હોય છે. મોટાભાગના અકસ્માતોને ટાળી શકાય છે, પરંતુ વ્યક્તિની નિષ્કાળજી અથવા બેદરકારીને કારણે ગંભીર ઇજા અને નુકશાન થઇ શકે છે. કામના સ્થળે સર્જાતા અકસ્માતને કારણે કામદારોની ક્ષમતા અને આરોગ્યને ગંભીર રીતે અસર થઇ શકે છે. જેની સૌથી શ્રેષ્ઠ ઉપાય સતત સાવધાની અને જાગૃતિ કેળવવી જ રહી. આજના મહત્વના સેમીનાર દરમ્યાન બીએનએસયુના જનરલ સેક્રેટરી સુરેશ સાલસકરે કાર્યક્રમનું સંકલન કર્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં ભારતીય નાવિક સેના યુનિયનના હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતા.