” મારો અભાવ મોરની માફક ટહુકશે,
ઘેરાશેવાદળો ને હું સાંભરી જઇશ “
—શ્રી મનોજ ખાંડેરીયા
આ શેરમાં વ્યક્તિની યાદ ક્યારે કઇ રીતે આવશે તેની વાત ખૂબ જ રોમાંચક રીતે કહેવાઇ છે. કોઇની ગેરહાજરી મોરનો ટહુકો બનીને સંભળાય, એ ટહુકાની સાથે જ જાણે કે આકાશમાં વાદળો ઘેરાઇ ગયેલાં દેખાય અને આવા સુંદર નયનરમ્ય ટાણે એ ગેરહાજર વ્યક્તિ જાણે કે આપણી આસપાસ હાજર હોવાનો અહેસાસ થઇ જાય !!!! .અહા, કેટલી અદભૂત કલ્પના કવિએ કરી છે ? આપણું પ્રિયજન જીવનમાંથી ચાલી જાય તે પછી આપણને તે ડગલે ને પગલે યાદ આવતું હોય છે.
દરેક જીવંત વ્યક્તિને લાગણી હોય છે. આ લાગણી જ માનવીને સંવદનશીલ બનાવે છે, આ સંવેદના જ જીવનને – જીંદગીને જીવવા જેવી બનાવે છે. નિષ્ઠુર હ્રદયના માણસો તો ખૂબ ઝડપથી ભૂલાઇ જાય છે. જીંદગીને એવી ભરપુર રીતે જીવવી જોઇએ કે આપણે ન હોઇએ ત્યારે પણ આપણા જીવનમાં સથે રહેલાં તમામ પાત્રોને માટે આપણે એક મીઠું સંભારણું બની જઇએ . આપણું અસ્તિત્વ અન્યને માટે ઉનાળાનો તાપ બનવાને બદલે રણમાં મળી આવતી મીઠી વીરડી જેવું બની રહેવું જોઇએ. આવું જીવન જીવીએ તો આપણી ગેરહાજરી ક્યારેક ને ક્યારેક તો કોઇના જીવનમાં મોરના ટહુકા જેવી બની જાય છે. અને એ ટહુકારની સાથે જ જાણે કે એના જીવનના આકાશમાં શ્યામ શ્યામ વાદળો ઘેરાઇ જાય છે. વીજળીના ઝબકારા જાણે કે થવા લાગે છે. મેઘનીગર્જનાઓ થતી હોવાનો અહેસાસ થાય છે અને આપણે તે વ્યક્તિને સાંભરી આવીએ છીએ. આ શેરમાં કવિએ વીજળીના ઝબકારા, મેઘનીગર્જનાઓ, વર્ષાનાં ફોરાં અને લીલીછમ વનરાજીને જાણે કે છૂપાવેલી રાખી છે, તે શબ્દોથી વ્યક્ત થઇ નથી પણ મોરનાટહુકાની સાથે આકાશમાં વાદળોનું ઘેરાવું ને તુરત જ પ્રિયજનની યાદ આવી જાય તો એમાં વીજળી ય ઝબૂકતી જ હોય. મેઘ ગરજતો હોય ને થર થર કરતો પ્રેમરૂપી વરસાદ પણ વરસી પડે !! આપણા જીવનમાં આવતી દરેક વ્યક્તિ અને તે દરેક વ્યક્તિના જીવનમાં આપણી યાદ આવી રીતે પ્રગટે તો જીવેલું સાર્થક બની જાય– ધન્ય ધન્ય થઇ જાય….
- અનંત પટેલ