અમદાવાદ: ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને વૈશ્વિક નજરાણું બનાવવા માટે વિવિધ આકર્ષણો ઉભા કરી રહેલી રાજ્ય સરકારને આજે સ્થાનિક આદિવાસીઓના રોષનો અનુભવ કરવો પડ્યો હતો. હરિયાણાના મુખ્યમંત્રીના હસ્તે હરિયાણા ભવન નિર્માણના યોજાયેલા ખાતમૂહર્ત સમારોહ વખતે જ આદિવાસી ભાઈબહેનોએ પથ્થરમારો કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેમાં આ આદિવાસીઓએ નર્મદા યોજના માટે સંપાદન કરાયેલી જમીન બાદ પડતર રહેલી તેમની જમીન પાછી આપવામાં નહિ આવે તો જાન આપી દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આદવાસી ભાઇ-બહનોએ ઉગ્ર આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે, મોત વ્હાલુ કરીશું પરંતુ અમારી બાપદાદાઓની જમીન નહી આપીએ.
આદિવાસીઓના આજે આક્રમક અને લડાયક મિજાજને જાઇ સમગ્ર મામલો ગરમાયો હતો. નર્મદા ડેમ નજીક બનાવાયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આજે આદિવાસીઓએ પથ્થરમારો કરી ઉગ્ર રોષ વ્યકત કર્યો હતો. છેલ્લા એક અઠવાડિયાથી કેવડીયા કોલોની ખાતે ઉગ્ર રજુઆતો સાથે આંદોલન કરી રહેલા સ્થાનિક આદિવાસી ભાઈબહેનો દ્ધારા તેમની જમીન પાછી આપવા સાથે સ્થાનિક લોકોને રોજગારી આપવાની માંગણી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્ધારા વર્ષ ૧૯૬૧માં નર્મદા યોજના માટે સ્થાનિક લોકોની જમીન સંપાદન કરવામાં આવી હતી. આ પછી પડતર રહેલી જમીન સ્થાનિક આદિવાસીઓને પરત આપવાના બદલે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આકર્ષણ વધારવા માટે ૩૩ રાજ્યોના વિવિધ ભવનો બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જે અંતર્ગત આજે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અહી નિર્માણ પામનારા ભવનનું ખાતમૂહર્ત યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે રજૂઆત કરવા આવેલા સ્થાનિક આદિવાસી લોકોએ હરિયાણા સરકાર પછી જાય..ના ઉગ્ર સુત્રોચ્ચાર સાથે જોરદાર વિરોધ કરી પડતર રહેલી પોતાની જમીન પાછી આપવા માંગણી કરી હતી. જેમાં સ્થાનિક આદિવાસી લોકોએ વારંવાર રજુઆતો કરવા છતાં કોઈ ઉકેલ નહિ આવવા સાથે આજે ભૂમિપૂજન કરવામાં આવતા પથ્થરમારો કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. જેના કારણે પોલીસે બળ વાપરી એક તબક્કે આ આંદોલનકારીઓની ધરપકડ કરી હતી. રાજ્ય સરકારની આ નીતિરીતીનો વિરોધ કરતા આદિવાસીઓએ કહ્યું કે, અમે મોતને ભેટીશું, પરંતુ અમારી જમીન નહિ આપીયે… તેમણે કહ્યું કે, આ સમસ્યાઓનો ઉકેલ નહિ આવે તો અમે કાયમી પોલીસ સ્ટેશનમાં જ રહીશું. આદિવાસીઓના આજના વિરોધને લઇ ફરી એકવાર સ્થાનિક રાજકારણ ગરમાયું હતું