નવીદિલ્હી : જેની ઉત્સુકતાપૂર્વક કારોબારીઓ અને કોર્પોરેટ જગતમાં રાહ જોવામાં આવી રહી છે તે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આજે વિધીવતરીતે શરૂઆત થઇ હતી. નયા ભારતનું શમણું સાકાર કરવાની નેમ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો શુભારંભ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ સમિટનો શુભારંભ કરતાં કહ્યું કે, વાયબ્રન્ટ ગુજરાત સમિટ હવે સાચા અર્થમાં વૈશ્વિક ફોરમમાં પરિવર્તિ થઇ ગઇ છે. આ સમિટ પરિણામદાયી, ફળદાયી અને આનંદદાયી બની રહે એવી શુભકામનાઓ સાથે તેમણે કહ્યું કે, ભારતની હવામાં જ પરિવર્તનની અનુભૂતિ થાય છે. અહીં ઓછા શાસન અને મહત્તમ સંચાલન (મીનીમમ ગવર્નમેન્ટિ મેકસીમમ ગવર્નન્સએ)માં અમે માનીએ છીએ.
તેમણે કહ્યું કે, ગવર્નમેન્ટ એટલે રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ અને પુનઃપરફોર્મ ભારત આજે સૌથી વધુ તેજ ગતિએ વિકાસ પામતા અર્થતંત્રનો દેશ બન્યું છે. ભારતના વિકાસની દિશા વધુ સ્પષ્ટ અને ગતિ વધુ તીવ્ર બની છે. તેમણે કહ્યું કે, વિશ્વના વિવિધ દેશોના વડાઓ અને નીતિ નિર્ધારકોની ઉપસ્થિતિથી ગર્વની અનુભૂતિ થાય છે. ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચેક રિપબ્લિક ડેન્માર્ક, ફ્રાન્સ, જાપાન, મોરોક્કો, નોર્વે, પેલેન્ડો, સાઉથ આફ્રિકા, સાઉથ કોરિયા, થાઇલેન્ડ, નેધરલેન્ડ, યુ.એ.અઈ. અને ઉઝબેકીસ્તાન આ ૧૫ પાર્ટનર દેશોના વડા અને ૧૧ પાર્ટનર સંગઠનો પ્રતિ આભારની લાગણી વ્યકત કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દ્વિપક્ષીય સહકારની ભાવના સાથે યોજાતી આવી આંતરરાષ્ટ્રી ય સમિટ હવે માત્ર રાષ્ટ્ર ની રાજધાની પુરતા મર્યાિદત રહ્યા નથી, તેનો લાભ રાજ્યોને પણ મળી રહ્યો છે. ભારતના ૮ રાજ્યો આ સમિટમાં સહભાગી થઇને પોતાના રાજ્યોમાં પણ વેપાર-વાણિજ્યની સંભાવના વધે તે હેતુથી આ ફોરમનો ઉપયોગ કરી રહ્યા છે. ભારત વ્યોપાર-વિકાસ માટે આ પૂર્વે કયારેય નો’તું એટલું સજ્જ અને સુસજ્જ છે એમ તેમણે ઉમેર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ સમિટની નવમી શ્રૃંખલાને પૂર્ણરૂપે વૈશ્વિક સમીટ ગણાવી જણાવ્યું હતું કે, આ સમિટ માત્ર ગુજરાતની જ નહીં ભારત દેશ માટે ‘‘ટ્રાન્સ્ફોર્મેશન જર્ની’’ છે.
આ સમિટ માત્ર ભારતીયો માટે જ નહીં વિશ્વ સમુદાયના વિકાસનું ચિંતન છે એટલે જ અમારી સાથે આ સમિટમાં ૧૫ જેટલા પાર્ટનર કન્ટ્રીઝ અને ૧૧ જેટલા વિશ્વભરના પાર્ટનર ઓર્ગેનાઇઝેશન જોડાયા છે. તેમણે આ સમિટ ઉદ્યોગ સાહસિકોમાં વિશ્વાસ નિર્માણનું અને સરકારી તંત્રમાં ક્ષમતા નિર્માણનું માધ્યમ બની રહી હોવાનું જણાવ્યું હતું. ભારત જેવા વિકાસશીલ દેશો માટે વિકાસ પ્રક્રિયા સામેના પડકારોને જાણવા જરૂરી હોવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્દવ પડકારોમાં પ્રાદેશિક વિકાસ, વંચિતોનો વિકાસ જેવી સમસ્યા અને સમક્ષિતિજ પડકારોમાં ગુણવત્તાલક્ષી જીવન, સેવા ક્ષેત્ર, આંતરમાળખાકીય સુવિધાનો સમાવેશ થાય છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આ પડકારોનો ઉકેલ વિકાસ સાથે જોડાયેલો છે એટલે જ દેશની સિદ્ધિ સીધી માનવ વિકાસને જ સ્પંર્શે છે.
ભારત દેશ હવે વેપાર-ઉદ્યોગ માટે પહેલાં ન હતો એટલે સક્ષમ દેશ બન્યો છે, વિશ્વ બેન્કના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના માપદંડોમાં ભારતે ૬૫ ક્રમનો કૂદકો લગાવી પ્રગતિ કરી છે. આપણે વિશ્વના પ્રથમ પંદર દેશમાં પહોંચવા સખત પુરૂષાર્થ કરવાનો છે. દેશભરમાં જીએસટીના માધ્યમથી સમાન કરવેરા, વેરા સરળીકરણ અને ડીજીલાઇઝેશનને કારણે ૯૦ ટકા મંજૂરીઓ સ્વયંસંચાલિત થઇ ગઇ છે. વેપાર પ્રક્રિયા સરળ અને ઝડપી બની છે. વૈશ્વિક સમુદાય હવે ભારત તરફ નજર માંડી રહ્યો છે તેનો ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું હતું કે, ભારતમાં સીધુ વિદેશી મૂડીરોકાણ હાલ ર૬૩ બિલીયન અમેરિકી ડોલર્સે પહોંચ્યું છે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારના બિઝનેસ ફ્રેન્ડલી પ્રયાસોના કારણે જ છેલ્લા ૧૮ વર્ષમાં કુલ રોકાણના ૪૫ ટકા વિદેશી મૂડીરોકાણ આપણે મેળવી શકયા છીએ. સરકારે વિકાસ પ્રક્રિયાને ઇન્ફર્મેશન ટેકનોલોજી સાથે જોડી છે જેના કારણે સરકારના લાભો હવે સીધા લાભાર્થીના બેન્ક એકાઉન્ટમાં જમા થાય છે. આજે ભારતની વિશ્વના પ્રથમ દશ એફડીઆઇ ડેસ્ટીનેશનમાં ગણતરી થઇ રહી છે. વિકાસ માટે અમે મેન્યુફેકચરીંગ અને માળખાકીય સુવિધાના નિર્માણ ઉપર વધુ મહત્વ આપ્યું છે તેનું કારણ દર્શાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મેન્યુફેકચરીંગ સેકટર વિશાળ માત્રામાં રોજગારનું સર્જન કરે છે. જયારે આંતરમાળખાકીય સુવિધાઓના નિર્માણમાં મેઇક ઇન ઇન્ડિયા, ડિજીટલ ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા જેવા કાર્યક્રમો સહયોગી બની રહ્યા છે. અમારી આ દીર્ઘદ્રષ્ટિના કારણે જ ભારત આજે ગ્લોબલ મેન્યુફેકચરીંગ હબ બની રહ્યું છે. અમારો ઔદ્યોગિક વિકાસ કેટલાક માપદંડો પ્રસ્થાપિત કરે છે તેમ જણાવી મોદીએ ભારતની ઔદ્યોગિક વિચારધારાને વર્ણવતાં જણાવ્યું હતું કે, અમે કલીનર એનર્જી અને ગ્રીનર ડેવલપમેન્ટ તેમજ ઝીરો ડિફેકટ, ઝીરો ઇફેકટમાં માનીએ છીએ. જે કલાઇમેટ ચેન્જની આજની સમસ્યોનો ઉકેલ છે.
ભારતે વિશ્વ પર્યાવરણની ચિંતા કરી છે એટલે જ પુનઃપ્રાપ્ત ઊર્જા ઉત્પાદન ઉપર વધુ ઝોક આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત દેશ પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાન્નર કરનારો વિશ્વનો સૌથી મોટો એવો પાંચમો દેશ છે, પવન ઊર્જાના ઉત્પાદનમાં ચોથો અને સૌથી વધુ સૌર ઊર્જા ઉત્પાદનમાં વિશ્વભરમાં પાંચમો દેશ બની રહ્યો છે. દેશભરમાં રોડ-પોર્ટ-એરપોર્ટ, રેલવે, ટેલિકોમ ડીઝીટલ નેટવર્ક, ઊર્જા ઉત્પાનદન, સામાજિક વિકાસ, ઔદ્યોગિક વિકાસ, કૃષિ વિકાસ, માળખાકીય વિકાસથી માંડીને ગુણવત્તાંલક્ષી જીવન નિર્માણના ક્ષેત્રોમાં મૂડીરોકાણની અમાપ તકો રહેલી છે. ભારત આજે વીજળીની નિકાસ કરતો દેશ બન્યો છે તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે, એલઇડી બલ્બનો વપરાશ, પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદનને પ્રોત્સોહનને કારણે આ શકય બન્યું છે. મોદીએ જણાવ્યું હતું કે, અમે દેશભરમાં રોડ-રસ્તા નિર્માણની ઝડપ બમણી કરી છે. મુખ્ય પાકોનું ઉત્પાદન કૃષિ વિકાસને કારણે વધી રહ્યું છે. દેશભરમાં ૯૦ ટકા ગામડાને રસ્તાનું જોડાણ મળી ગયું છે. ભારતે રેલવે લાઇનના ગેજ પરિવર્તનની ઝડપ બમણી કરી છે. રેલવે ટ્રેકના વીજળીકરણની ઝડપ બમણી કરી છે. પબ્લીક-પ્રાઇવેટ-પાર્ટનરશીપ ધોરણે રસ્તા, ઓવરબ્રીજ જેવી માળખાકીય સુવિધાઓનું નિર્માણ અત્યંત ઝડપથી આગળ ધપી રહ્યું છે.