અમદાવાદ : વડોદરાની પીએફ ઓફિસના એન્ફોર્સમેન્ટ ઓફિસરને આજે રૂપિયા પાંચ લાખની લાંચ લેતા ગાંધીનગર સીબીઆઇની ટીમ દ્વારા રંગેહાથ ઝડપાઇ જતાં સરકારી અધિકારીઓ અને વર્તુળમાં ભારે ચકચાર મચી ગઇ હતી. અગાઉ આ જ આરોપી અધિકારી રજનીશ તિવારીના પત્ની પારૂલ તિવારી કે જે પણ આ જ પીએફ ઓફિસમાં ફરજ બજાવતા હતા તે પણ ત્રણ મહિના પહેલાં જ હજુ એક લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા અને હવે તેમના પતિ લાંચના છટકામાં આબાદ ઝડપાયા છે. ઝડપી લેવામાં આવ્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાની એક કંપનીનાં સર્વે માટે વડોદરાની પીએફ ઓફિસના એન્ફોર્સમેન્ટ ઓફિસર રજનીશ તિવારી આજે શુક્રવારે રૂપિયા પાંચ લાખની લાંચ લેતા ઝડપાયા હતા. ગાંધીનગર સ્થિત સીબીઆઇની ટીમ દ્વારા વડોદરામાં આ છટકું ગોઠવી કામગીરી પાર પાડવામાં આવી હતી.
એન્ફોર્સમેન્ટ ઓફિસર રજનીશ તિવારીએ એક કંપનીના સંચાલક પાસેથી સર્વેની કામગીરી માટે ૨૦ લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જો કે સંચાલક લાંચ આપવા માગતા ન હોવાથી અને એન્ફોર્સમેન્ટ ઓફિસર રજનીશ તિવારી કેન્દ્ર સરકારના કર્મચારી હોવાથી આ મામલે ગાંધીનગર સ્થિત સીબીઆઇ ઓફિસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
જેથી સીબીઆઇની ટીમ દ્વારા આજે છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં પીએફ ઓફિસના એન્ફોર્સમેન્ટ ઓફિસર રજનીશ તિવારી પાંચ લાખની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, રજનીશ તિવારીની પત્ની પારુલ તિવારી પણ આ જ પીએફ ઓફિસમાં નોકરી કરતા હતા અને લગભગ ત્રણ મહિના પહેલા પારુલ તિવારી પણ એક લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા. આમ પત્ની બાદ પતિ પણ લાંચ લેતાં ઝડપાતાં પીએફ વર્તુળમાં ભારે ચકચાર મચી ગઇ હતી.