‘પોલિયોમુક્ત ભારત પોલિયોમુક્ત ગુજરાત’ના ધ્યેયને સાકાર કરવા ૧૦૦ ટકા પોલિયોમુક્તિ માટે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગરમાં મંત્રીમંડળ નિવાસસંકુલના કોમ્યુનિટી સેન્ટર ખાતેથી ભુલકાંઓને પોલિયો રસીના બે ટીંપાં પીવડાવ્યા હતા. આ વેળાએ આરોગ્ય રાજ્યમંત્રી કિશોર કાનાણી (કુમાર) તથા આરોગ્ય કમિશનર
ડૉ. જયંતિ રવિ ઉપસ્થિત રહ્યા હતા.
પાંચ વર્ષની વય સુધીના ૮૪ લાખ બાળકોને આ રસીકરણ અભિયાનમાં આવરી લેવાશે. ગુજરાતમાં ૩૮ હજાર ઉપરાંત બુથ આ માટે ઉભા કરવામાં આવ્યા છે. ૭૪,૬૪૮ રસીકરણ ટીમ અને ૧,૫૮,૮૬૧ કર્મયોગીઓ આ સેવા અભિયાનમાં જોડાયેલ છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતનું પાંચ વર્ષની વય સુધીનું એક પણ બાળક પોલિયો રસીના ટીંપાંથી વંચિત ન રહી જાય તે માટે આરોગ્ય વિભાગના સઘન આયોજનની સરાહના કરી હતી. ગુજરાતને પોલિયોમુક્ત કરવા સરકારની સંકલ્પબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી.