પ્રકાશના મનમાં જુદાજુદા વિચારો ચાલતા હતા,
– “ આવતી કાલે અમારી લગ્નની પાંચમી વર્ષગાંઠ છે તો વાઇફને કશીક સરપ્રાઇઝ તો આપવી જ જોઇએ…
– “ આ વખતે તો એને ખરેખર ખુશ કરી જ દઉં ..”
– “ કોઇ હોટલમાં એક રૂમ બુક કરાવી કાલની સાંજ ધીમું પણ સુંદર સંગીત સાંભળતાં સાંભળતાં ગાળવાનું ગોઠવું તો એને મઝા આવી જશે…”
બીજી તરફ એની પત્ની સીમા તેની ફ્રેન્ડઝ સાથે હસી મજાકમાં જ સદા વ્યસ્ત રહેતી હતી. એ કાયમ ફરિયાદ કર્યા કરતી કે પ્રકાશને તો કશું યાદ જ રહેતું નથી. ત્યારે એની ફ્રેન્ડ્ઝ એને ટકોરતી,
– “ હોય યાર એવું, કામની ધમાલમાં એ ભૂલી પણ જાય તો તારે એને યાદ કરાવી લેવું….”
– “ ના હો પ્લીઝ, બર્થ- ડેકે પછી મેરેઝ એનિવર્સરી ની તારીખ યાદ કરાવવી પડે એ તો મને ના જ ગમે ! પતિ જો એ ભૂલી જતા હોય તો એ આપણને બહુ મહત્વ નથી આપતા એવું જ ગણાય… ને વળી કશું યાદ કરાવી ને પાર્ટીકે ગિફ્ટ લેવાની શું મઝા ?”
તો વળી બીજી આવો અભિપ્રાય પણ આપે.
ખરેખર તો સ્ત્રીઓને તેમના પતિ કે બાળકો પાસેથી શાની અને કેવા પ્રકારની અપેક્ષા હોય છે એ બાબતેએ પોતે જ નક્કી નથી હોતી. તમે એની બધી વાતમાં હા પાડો તો એ ય એને અમુક સમય પછી નથી ગમતું….પુરુષ જો બધી વાતમાં ના પાડે એ તો એને ગમે જ નહિ… પુરૂષે ક્યારે હા પાડવી અને ક્યારે ના પાડવીએ એક ગંભીર સમસ્યા હોય એવું લાગે છે. એટલે તો મોટાભાગના પુરુષો સ્થિતપ્રજ્ઞ અવસ્થા જ પસંદ કરે છે. હા પણ ના કહેવી અને ના પણ ના કહેવી.
પ્રકાશે મેરેજ એનિવર્સરી ની સવાર પડી ત્યારે જાણે તેને આજની તારીખ યાદ નથી એવું વર્તન કર્યું ને નાહી ધોઈ ઝડપથી તૈયાર થઇને એ એની ઓફિસે ચાલ્યો ગયો.. સાંજે છ વાગે એને હોટેલ પરથી ફોન કરીને સીમાને ટેક્ષી મોકલી બોલાવી દીધી. સીમાને હોટેલમાં બુક કરેલા રૂમમાં એ લઇ ગયો. બુકે આપીને તેનું દિલથી સ્વાગત કર્યું.. રૂમ અગાઉથી સજાવીને તૈયાર કરાવેલ હતો… સીમા રાજી રાજી થઇ ગઇ. બંનેએ તે રાત સંગીતના સૂર માણતાં માણતાં ખૂબ જ સુંદર રીતે ત્યાં જ ગાળી…
અહીં કહેવાનો મતલબ એટલો જ છે કે પતિ પત્નીના સંબંધોમાં પરસ્પરને એ જેવાં છે એવાં સ્વીકારી લેવાની ટેવ પાડવામાં આવે તો કોઇ પ્રશ્ન રહેશે નહિ. ક્યારે ય કોઇ ઝઘડો પણ થશે નહિ. બાકી હું એને સુધારી દઉં તો જ ખરી કે ખરો એવો ભાવ કાઢી નાખવાથી જ સુખી થઇ શકાશે. પ્રસન્ન દાંપત્ય માણી શકાશે.
- અનંત પટેલ