મુંબઈ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન સેંસેક્સની ટોચની ૧૦ કંપનીઓ પૈકીની છ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૩૮૧૫૨.૮૬ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન સૌથી વધારે નુકસાન થયું છે. જ્યારે ટીસીએસ, એચડીએફસી, હિન્દુસ્તાન યુનિલીવર, આઈટીસી, એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં પણ ઉલ્લેખનીય ઘટાડો થયો છે. ઇન્ફોસીસ, એસબીઆઈ, કોટક મહિન્દ્રા અને આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. સમીક્ષા હેઠળના ગાળા દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડી ૧૬૯૫૫.૬૫ કરોડ રૂપિયા ઘટીને ૬૯૬૬૩૯.૬૪ કરોડ રૂપિયા થઇ ગઇ છે. હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડી ૮૬૨૬.૧૨ કરોડ રૂપિયા ઘટીને ૩૮૫૩૬૧.૬૩ કરોડ થઇ ગઇ છે.
ટીસીએસની માર્કેટ મૂડી ૮૧૯૮.૯૬ કરોડ રૂપિયા ઘટીને ૭૦૩૧૭૮.૧૩ કરોડ રૂપિયા થઇ ગઇ છે. એચડીએફસીની માર્કેટ મૂડી અને આઈટીસીની માર્કેટ મૂડી ક્રમશઃ ઘટીને ૩૩૮૯૩૩.૫૮ કરોડ અને ૩૪૩૮૩૨.૧૭ કરોડ રૂપિયા થઇ ગઇ છે. બીજી બાજુ એસબીઆઈની માર્કેટ મૂડી તથા ઇન્ફોસીસની માર્કેટ મૂડી ક્રમશઃ ૨૭૨૨ કરોડ રૂપિયા અને ૧૩૭૬.૧૨ કરોડ રૂપિયા વધી ગઈ છે. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન સેંસેક્સમાં ૩૮૧ પોઇન્ટનો ઉલ્લેખનીય ઘટાડો થયો હતો.
આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં શેરબજારમાં જુદા જુદા પરિબળોની અપેક્ષા વચ્ચે ઉતારચઢાવની સ્થિતિ રહેવાની શક્યતા છે. કંપનીઓ વચ્ચે માર્કેટ મૂડીને લઇને સ્પર્ધા જામે તેવી શક્યતા છે. ટીસીએસ માર્કેટ મૂડીની દ્રષ્ટિએ ફરીએકવાર પ્રથમ સ્થાન ઉપર છે. તે પોતાની સ્થિતિને વધુ મજબૂત કરે તેવી શક્યતા છે. કારણ કે, વૈશ્વિક પરિબળોની અસર જાવા મળી રહી છે.