અમદાવાદ : ઉત્તરાયણ પર્વેની ઉજવણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ફરસાણની દુકાનોમાં ઊંધિયા અને જલેબીના કોમ્બો પેકના ભાવના લિસ્ટ લાગી ગયા છે. પતંગરસિયાઓનું મનપસંદ ઊંધિયું બનાવવા માટે ઉપયોગમાં લેવાતાં શાકભાજી શિયાળાની સીઝન હોઇ પ્રમાણમાં ઘણાં સસ્તાં છે, તેમછતાં ઉંધિયાનો ભાવ તેનાથી ત્રણ ગણો એટલે કે રૂ. ૪૦૦થી ૬૦૦ પ્રતિકિલોએ વેચાણ થઈ રહ્યું છે. જા કે, સ્વાદના શોખીન અમદાવાદીઓ તેમની ટેવ પ્રમાણે દર વર્ષની જેમ આ ઉત્તરાયણના તહેવારમાં હોંશે હોંશે હજારો કિલો ઊંધિયું તથા જલેબી ઝાપટશે. શાકભાજી સસ્તાં હોવાના કારણે ઊંધિયું પ્રમાણમાં સસ્તું મળવું જોઈએ, તેના બદલે રૂ. ૪૦૦ના ભાવે મળી રહ્યું છે.
જલેબીના ભાવમાં પણ ભારે વધારો થયો છે. ઊંધિયાના સ્વાદના રસિયાઓ પતંગબાજી સાથે સપરિવાર ખાણી-પીણીની મન મૂકીને મોજ માણશે. ઉત્તરાયણ પર્વ પર પતંગબાજીના પેચ લડાવવાની સાથે-સાથે ઊંધિયા તથા જલેબીની માગ વધુ હોય છે. ચાલુ વર્ષે લીલાં શાકભાજીના ભાવ પ્રમાણમાં ઘણા ઓછા છે, છતાં ઊંધિયાના ભાવમાં ગત વર્ષની તુલનાએ કોઈ ઘટાડો થયો નથી. જલેબીના ભાવમાં ૧૫ થી ર૦ ટકાનો વધારો થતાં સ્વાદ રસિકો માટે કડવો બનશે. તેમ છતાં અમદાવાદીઓ મોંઘવારીને એક બાજુએ મૂકીને ઊંધિયું-જલેબી ઝાપટશે. સ્વાદ રસિયાઓ ઊંધિયા-જલેબી સાથે શેરડી, બોર, જમરૂખ અને તલસાંકળીનો સ્વાદ પણ માણશે. પતંગનો પેચ લગાવવાની સાથે-સાથે ઉંધિયા-જલેબીની જયાફત મન મૂકીને માણવાનો ક્રેઝ છેલ્લાં કેટલાંક વર્ષથી વધી રહ્યો છે. ઉત્તરાયણના દિવસ દરમિયાન ઊભી થતી માગને પહોંચી વળવા ફરસાણની દુકાનના વેપારીઓથી માંડીને કેટરિંગ સર્વિસવાળા સહિત સિઝનલ ધંધો કરનાર લોકો એક-બે દિવસ પૂર્વે જ તેનું આયોજન કરી લેતા હોય છે. બટાકા, શક્કરિયાં, વટાણા, સુરતી પાપડી, રતાળું, તુવેર, વાલોર, રીંગણ, ગાજર સહિત અન્ય શાકભાજી પૂરતા પ્રમાણમાં મિક્સ કરી ઊંધિયું તૈયાર કરવામાં આવે છે.
આ તમામ શાકભાજીના ભાવ હાલમાં રૂ.ર૦ થી ૬૦ સુધીના છે. ઉત્તરાયણના દિવસે એક બાજુ પતંગ અને દોરામાં તોતિંગ ભાવવધારો થયો છે. આ ઉત્તરાયણમાં આ વખતે ચીકી, તલના લાડુ, જામફળ, શેરડી, બોર વગેરે ચીજવસ્તુઓના સતત ભાવ વધતા રહ્યા હતા, જે જામફળ રૂટિન દિવસોમાં ૬૦ રૂપિયે કિલો વેચાતાં હતાં. જલેબીનો ભાવ કિલોએ ૪૦૦થી ૬૦૦ રૂપિયા છે. તહેવારોમાં ઘરે ઊંધિયું બનાવવાની કડાકૂટ હાલના સમયમાં ઓછા લોકો કરે છે. બજારમાં અનેક પ્રકારનાં ઊંધિયાં મળે છે. ઊંધિયું, માટલા ઊધિયું, કાઠિયાવાડી ઊંધિયું, સુરતી ઊંધિયું, પંજાબી ઊંધિયું, ખાટિયું, ઉંબાડિયું, ડ્રાય ફ્રૂટ ઊંધિયું, કઠોળ ઊંધિયું આવા અનેક પ્રકારના વિવિધ સ્વાદિષ્ટ ઊંધિયા માર્કેટમાં ઉપલબ્ધ છે. જે રૂપિયા ૪૦૦થી લઈને રૂપિયા ૭૦૦ રૂપિયે કિલોના ભાવે વેચાય છે. લોકો રૂપિયા ખર્ચીને પણ તહેવારોની મોજ માણે છે. પતંગ-દોરીના ભાવ તો ઊંચા છે જ પણ સાથે ખાવાના શોખીન અમદાવાદીઓ મોંઘા ભાવે પણ ઊંધિયું-જલેબીની જયાફત ઉડાવવા તત્પર બન્યા છે.