અમદાવાદ : રાજ્યભરની કોલેજોમાં સેમેસ્ટર પ્રથા નાબૂદ કરવા માટે છેલ્લા એક વર્ષથી જુદી જુદી કોલેજોનાં સંગઠનો, વિદ્યાર્થી સંગઠનો દ્વારા રજૂઆતો થઇ રહી છે. તાજેતરમાં ૧૦૦ જેટલી ખાનગી કોલેજોના હોદ્દેદારો દ્વારા સેમેસ્ટર પ્રથાની નાબૂદીના અમલ માટે પરીક્ષાનો બહિષ્કાર કરવાનું એલાન કરાયું હતું, પરંતુ હજુ સુધી સેમેસ્ટર પ્રથા નાબૂદ કરવા અંગે હજુ કોઈ વિચારણા કરાઈ નથી. આમ, રાજયની કોલેજા-યુનિવર્સિટીઓમાં સેમેસ્ટર પ્રથા નાબૂદ કરવામાં હજુ વિલબં લાગી જાય તેવી પૂરી શકયતા છે.
કોઇપણ યુનિવર્સિટી સેમેસ્ટર પ્રથા રદ કરવાનો નિર્ણય લઇ શકે નહીં. જો તેવું થાય તો જે તે કોલેજ કે યુનિવર્સિટીને યુજીસીની ગ્રાંટ મળવાપાત્ર થાય નહીં. આ નિર્ણય માત્ર યુજીસી, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તેમજ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન સાથે મળીને આ નિર્ણય લઇ શકશે. આ અંગે જીટીયુના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે, સેમેસ્ટર પ્રથા નાબૂદ કરી શકાય કે કેમ તે બાબતની ચર્ચા-વિચારણા કરવા માટે અમે કાઉન્સિલ પાસે સમય માગ્યો છે.
હજુ સુધી ચર્ચા બેઠક કરવા માટેનો સમય મળ્યો નથી. પહેલાં અમે સલાહ લઇશું. ત્યારબાદ આ અંગેની દરખાસ્ત કરવી કે કેમ તે અંગેનો નિર્ણય લેવાશે. હાલમાં આ અંગે કશું કહી શકાય નહીં. જીટીયુની પરીક્ષા સમયપત્રક મુજબ જ લેવાશે. યુજીસીની ગાઇડલાઇન મુજબ કોલેજોમાં સેમેસ્ટર પ્રથા હાલમાં સેટ થયેલ છે અને તે પ્રમાણે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આ આખું ફોર્મેટ બદલવું તે સમય માગી લે તે બાબત છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થીઓ સેમેસ્ટર પ્રથા રદ કરવાની માગ કરી રહ્યા છે. તાજેતરમાં જ બે હજારથી વધુ વિદ્યાર્થીઓએ સેમેસ્ટર પ્રથા યોગ્ય ન હોવાની માગણી સાથે નારાજગી વ્યક્ત કરી પરીક્ષાનો બહિષ્કાર કરવા સુધીની બાબતનું એલાન કર્યું હતું. જેને લઇને સમગ્ર મામલો ગરમાયો હતો.