નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ખેડુતોની સમસ્યાને વહેલી તકે ઉકેલવા માટે નાણાંકીય પેકેજની જાહેરાત કરી શકે છે તેવા અહેવાલ વચ્ચે કેન્દ્રિય કૃષિ મંત્રાલય કેટલાક નવા પગલા લેવાની તૈયારીમાં છે. ટોપ ફોર્મ્યુલાથી ખેડુતોની આવકને વધારી દેવા માટે ખાસ યોજના તૈયાર કરવામાં આવી રહી છે. ટોપ એટલે કે ટામેટા, ડુંગળી અને બટાકા માટે ૨૪ ક્લસ્ટરની સ્થાપના કરીને આ ત્રણ ઉચ્ચ પ્રાથમિકતાવાળી કૃષિ પેદાશો માટે ખાસ ટ્રેડ મેપ શરૂ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવનાર છે. આની પાછળનો હેતુ એ છે કે ખેડુતોને ટુંક સમયમાં જ બગડી જતચી આ ત્રણ પેદાશોની યોગ્ય કિંમત મળી શકશે.
આના માટે ખેડુતોને સ્થાનિકની સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારની સાથે પણ જોડી દેવામાં આવનાર છે. એક અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે મંત્રાલય ટોપના ટ્રેડ મેપને તૈયાર કરવામાં વ્યસ્ત છે. આમાં તમામ પ્રકારની વિગત વેરાઇટીઝ, પ્રાઇસ, વિક્રેતા, ખરીદારી અને પ્રોસેસર્સ સામેલ છે. જેના કારણે મુલ્ય અને માંગની આગાહી પણ કરી શકાશે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ખરીદારો અને ઉત્પાદકો સાથે જાડાયેલા આંકડા માટે અમે સ્કોટલેન્ડ અને બીજા દેશો સાથે સંપર્કમાં છીએ.
અધિકારીઓએ કહ્યુ છે કે આ પ્રકારના પગલાના લીધે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગુજરાત, ઉત્તરપ્રદેશ, બિહાર અને બંગાળના ખાસ ટોપ ક્લસ્ટરના લાખો ખેડુતોને સીધો ફાયદો થશે. કેન્દ્રિય પ્રધાન રાધા મોહન સિંહે કહ્યુ હતુ કે ટોપ સ્કીપ હેઠળ કૃષિ પ્રોસેસિંગ માટે ટામેટા, ડુંગળી અને બટાકાના ક્લસ્ટર સ્થાપિત કરવામાં આવશે. મુલ્ય અને માંગની ભવિષ્યવાણી પર ધ્યાન કેન્દ્રિત કરીને ખેડુતો આ બાબત નક્કી કરી શકશે કે વધુમાં વધુ ફાયદા માટે કયા પાક તેમના માટે લાભકારક રહેશે. છેલ્લા ચાર વર્ષથી સરકાર ખેડુતોની સમસ્યાને લાંબા ગાળા માટે ઉકેલી દેવા માટે સમાધાન પર કામ કરી રહી છે.