અમદાવાદ: રાજ્યભરમાં ચકચાર મચાવનાર બીએમડબ્લ્યુ હિટ એન્ડ રન કેસનો આરોપી વિસ્મય શાહ, તેની પત્ની પૂજા શાહ સાથે મળી મિત્રો સાથે દારૂ-હુક્કાની મહેફિલ માણતાં રંગેહાથ ઝડપાઇ જવાના ચકચારભર્યા પ્રકરણમાં વિસ્મય શાહની જામીનઅરજીની સુનાવણી આજે ગુજરાત હાઇકોર્ટમાં હાથ ધરાય તેવી શકયતા હતી, પરંતુ સીંગલ જજ જસ્ટિસ ઉમેશ ત્રિવેદીએ વિસ્મય શાહની જામીનઅરજીની સુનાવણી કરવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો અને આ કેસની જામીનઅરજીની મેટર નોટ બી ફોર મી કરી હતી. સીંગલ જજે જામીનઅરજીની સુનાવણી કરવાનો ઇનકાર કરતાં હવે એકટીંગ ચીફ જસ્ટિસ અન્ટ જજ સમક્ષ મેટર સુનાવણી માટે મોકલશે અને ત્યારબાદ વિસ્મય શાહના જામીનનો ફૈંસલો થશે.
આમ, ફરી એકવાર વિસ્મય શાહની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ખાસ કરીને થર્ટી ફર્સ્ટ અને ન્યુ યરનું સેલિબ્રેશન જેલમાં જ કરવું પડશે તે હવે નક્કી થઇ ગયું છે. તાજેતરમાં જ ગાંધીનગર સેશન્સ કોર્ટે વિસ્યમ શાહ સહિતના તમામ છ આરોપીઓના જામીન આકરા વલણ સાથે ફગાવી દીધા હતા. સેશન્સ કોર્ટે વિસ્મય સહિતના આરોપીઓની જામીન અરજી ફગાવી દઇ તેઓને જામીન આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. સામાન્ય રીતે પ્રોહીબીશનના કેસમાં કોર્ટ દ્વારા આરોપીઓને જામીન આપી દેવાતા હોય છે પરંતુ પ્રસ્તુત કેસમાં આરોપી વિસ્મય શાહ ચકચારભર્યા હીટ એન્ડ રન કેસમાં બે યુવકોના મોત નીપજાવવા બદલ પાંચ વર્ષની સજા પામી ચૂકયો છે અને તેની સજા સામેની અપીલ ગુજરાત હાઇકોર્ટમાં પડતર છે. એટલું જ નહી, હાઇકોર્ટે પણ તેને આકરી શરતો સાથે જામીન આપેલા છે ત્યારે તેમછતાં વિસ્મય શાહ દારૂ-હુક્કાની મહેફિલ માણતાં પકડાવાની ગુનાહિત કૃત્યોમાં પકડાતાં કોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને ભારે નારાજગી વ્યકત કરી હતી. ગાંધીનગર સેશન્સ કોર્ટે વિસ્મય સહિતના આરોપીઓની જામીનઅરજી ફગાવી દેતાં વિસ્મય શાહ આણિમંડળીએ ગુજરાત હાઇકોર્ટમાં જામીનઅરજી કરી હતી.
જા કે, હાઇકોર્ટના સીંગલ જજ જસ્ટિસ ઉમેશ ત્રિવેદીએ આ જામીનઅરજીના કેસની સુનાવણી હાથ ધરવાનો ઇનકાર કરી મેટર નોટ બી ફોર મી કરી દીધી હતી. જેને પગલે વિસ્મય શાહ અને તેના સાથીઓનો જેલવાસ વધુ લંબાઇ ગયો છે. ખાસ કરીને થર્ટી ફર્સ્ટ અને ન્યુ યર સેલિબ્રેશન જેલમાં જ કરવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. સીંગલ જજે વિસ્મય શાહની જામીન અરજીની મેટર નોટ બી ફોર મી કરતાં નિયમ મુજબ, હવે એકટીંગ ચીફ જસ્ટિસ અનંત એસ.દવે હવે અન્ય જજ સમક્ષ આ મેટર સુનાવણી અર્થે મોકલી આપશે. જેના કારણે હવે આ મેટરની સુનાવણી અન્ય જજ સમક્ષ નીકળશે. આમ હવે વિસ્મય શાહની મુશ્કેલીમાં વધારો થયો છે. વિસ્મય શાહ આણિમંડળીને હવે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અને ન્યુ યરનું સેલિબ્રેશન જેલમાં જ કરવુ પડે તે નક્કી થઇ ગયું છે. કારણ કે, આજે તો હાઇકોર્ટમાં જામીનઅરજીની સુનાવણી હવે શકય નથી અને એકટીંગ ચીફ જસ્ટિસ જે અન્ય જજને મેટર મોકલી આપે તે આવતીકાલે હીયરીંગમાં નીકળે છે કે, બુધવારે તે જાવાનું રસપ્રદ રહેશે. એટલું જ નહી, હાઇકોર્ટ પ્રાથમિક સુનાવણીના તબક્કે જ જામીન આપે તેવી પણ કોઇ શકયતા નથી કારણ કે, સામાન્ય રીતે પ્રતિવાદી પક્ષકારો એટલે કે, પોલીસ અને સરકારપક્ષને હાઇકોર્ટ નોટિસ જારી કરી તેમની રજૂઆત પણ સાંભળીને ત્યારબાદ કેસનો નિર્ણય કરતી હોય છે, તેથી તે સુનાવણીમાં પણ બે-ચાર દિવસો જાય. આમ, દારૂ-હુક્કાની મહેફિલ માણવી વિસ્મય શાહ આણિમંડળીને બહુ ભારે અને મોંઘી પડી ગઇ તે વાત પણ એટલી જ વાસ્તવિક છે.