અમદાવાદ : અમદાવાદમાં દોડનારી મેટ્રો ટ્રેનનાં કોચ આજે વિશાળ જહાજ દ્વારા મુન્દ્રા પોર્ટ ખાતે આવી ગયા હતા. દક્ષિણ કોરિયાથી દરિયાઈ માર્ગે મેટ્રો ટ્રેનનાં કોચ મુંદ્રા પોર્ટ ખાતે લાવવામાં આવ્યા હતા. હવે મેટ્રો ટ્રેનનાં આ ચાર નવા કોચ(ડબ્બા) મુન્દ્રા પોર્ટથી આવતીકાલે સાંજ સુધીમાં અમદાવાદ લાવવામાં આવશે. બીજીબાજુ, આગામી તા.૧૫ જાન્યુઆરીથી મેટ્રો ટ્રેનનો પ્રથમ ટ્રાયલ રન શરૂ કરવામાં આવે તેવી પણ શકયતા છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૧૭મી જાન્યુઆરીએ ટ્રાયલ રનનું ઉદ્ઘાટન કરવા આવે તેની પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
હાલના તબક્કે મેટ્રો ટ્રેનનો આ ટ્રાયલ રન કુલ છ કિલોમીટરનો હશે. ૨.૫ મહિના સુધી મેટ્રો ટ્રેનનાં ૩ કોચનું પરિક્ષણ કરવામાં આવશે. દરમ્યાન આ અંગે મેગાનાં મેનેજિંગ ડાયરેક્ટર આઈ.પી.ગૌતમે જણાવ્યું હતુ કે, આગામી દસથી બાર દિવસમાં મેટ્રો ટ્રેન પાટા પર દોડતી થઇ જાય તે પ્રકારની તૈયારીઓ અને આયોજન ચાલી રહ્યું છે. શરૂઆતના અઢી મહિના સુધી મેટ્રો ટ્રેનના ત્રણ કોચનું પરીક્ષણ કરવામાં આવશે. ત્યારબાદ આગળનો નિર્ણય લેવાશે. મેટ્રો ટ્રેનના રૂટનું ઇસ્ટ ઝોનનું કામ સાડા ત્રણ વર્ષમાં પૂર્ણ થયું છે. ત્રણ કોચની આ ટ્રેનમાં ૯૦૦ લોકો મુસાફરી કરી શકશે. એક કોચની કિંમત ૧૦.૫૦ કરોડ રૂપિયા છે.
તેમણે ઉમેર્યું હતું કે, મેટ્રો ટ્રેનના પ્રોજેકટને લઇ અમદાવાદની જનતાનો સારો એવો સાથ અને સહકાર પ્રાપ્ત થયા તે વાતનો અમને આનંદ છે. મેટ્રોના વર્તમાન પ્રોજેક્ટમાં આગામી ૩૦થી ૪૦ વર્ષના સમયગાળાને ધ્યાનમાં રાખીને સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. ૪૦ કિમીની અંદર આવા ૯૬ કોચ જોઇએ. મેટ્રોનાં એક કોચની અંદર ૪૦ લોકોની સીટિંગ કેપિસિટી સાથે ૩૦૦ લોકો સવાર થઈ શકશે. ૧૦ વર્ષ સુધી ત્રણ કોચની ટ્રેન દોડાવવામાં આવશે, ત્યારબાદ છ કોચની ટ્રેન દોડાવાશે. અમદાવાદની જનતા મેટ્રો ટ્રેનની મુસાફરીનો આનંદ માણે તે પહેલાં મોટે ભાગે તા.૧૭મી જાન્યુઆરી ૨૦૧૯ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલના ટ્રાયલ રનનો પ્રારંભ કરાશે તેમ મેગા કંપનીના ટોચના સૂત્રો જણાવી રહ્યા છે.
મેટ્રો એક્સપ્રેસ લીંક ફોર ગાંધીનગર અમદાવાદ (મેગા) કંપનીના સૂત્રો કહે છે કે, વડાપ્રધાનના હસ્તે ટ્રાયલ રનના પ્રારંભ બાદ માર્ચ-૨૦૧૯ સુધીમાં મેટ્રો ટ્રેન મુસાફરોની સેવા માટે ખુલ્લી મુકાશે. જુદી જુદી એજન્સીઓ મેટ્રો ટ્રાયલ રનનું સંચાલન કરવાની છે. એપરલ ડેપોમાં દસથી વધુ ટ્રેક તૈયાર છે જ્યાં ૧૬ ટ્રેન રાખવામાં આવશે. પ્રથમ તબક્કામાં વસ્ત્રાલથી એપરલ પાર્ક છ સ્ટેશનોને આવરી લેવામાં આવશે, જેમાં વસ્ત્રાલ ગામ, નિરાંત ક્રોસ રોડ, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાઈવાડી અને એપરલ પાર્કનો સમાવેશ થાય છે. હવે મેટ્રોના નવા કોચ આવી ગયા છે ત્યારે નગરજનોમાં મેટ્રો ટ્રેનની મુસાફરીને લઇ હવે ભારે ઉત્સુકતા અને આતુરતા જાવા મળી રહી છે.