ગમતાનો કરીએ ગુલાલ
” દેહ જો ના હોત એની થાત ઓળખ કઇ રીતે,
હું હંમેશા દોસ્ત ઇશ્વર દેહમાં જોતો રહ્યો. ”
-શ્રી રાજેશ વ્યાસ ” મિસ્કીન “
આત્મા સો પરાત્મા. આત્મા એ જ પરાત્મા છે. દરેક આત્મામાં પરમાત્મા સક્ષાત રહેલો છે તેમ આપણે માનીએ તો કોઇપણ વ્યક્તિ માટે આપણે કશું પણ ખરાબ વિચારીશું નહિ કે કશું ખરાબ કરતાં પણ અચકી જઇશું. હવે આત્મામાં પરાત્મા છે તો તેની અનુભૂતિ કઇ રીતે કરવી ? આત્મા તો ઇશ્વરની જેમ નિરાકાર છે પણ તે જે દેહ ધારણ કરે છે તેને આપણે તે સ્વરૂપે જોઇએ છીએ. અહીં શાયરે કહ્યું છે કે જો માનવદેહ ન હોત તો હું ઇશ્વરને કઇ રીતે ઓળખત ? દેહ નાશવંત છે એ ખરું પણ આત્માની અનુભૂતિ અને તેના દ્વારા ઇશ્વરને પામવા કે ઓળખવા હોય તો દેહરૂપી માધ્યમની જરૂર અવશ્ય પડે છે. કવિ કહે છે કે એ ઇશ્વરને મનુષ્યના દેહમાં જ જોતા રહ્યા છે. દેહ પોતાનો કે અન્યનો હોઇ શકે છે.
આમ મનુષ્ય દેહની પણ કિંમત ઓછી આંકી શકાય નહિ ભલે દેહ નાશવંત છે પરંતુ તેના દ્વારા અથવા તેનામાં રહીને જ આત્મા બીજા દેહમાં રહેલા આત્મામાં વસેલાપરત્માને પામી શકે છે, અને તે રીતે મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે.. દેહ વિના આત્મા ભક્તિ ભજન કશું જ કરવા સમર્થ નથી. જો દેહ જ ન રહે અથવા દેહ નબળાઇ ધારણ કરી લે તો પછી તે નબળાઇ તેમાં રહેલા આત્મારૂપી તત્વને ધ્યાનની સમાધિ લગાડી શક્તો નથી. જીવને કે ઇશ્વરને કશું ક કરવું હોય તો દેહ રૂપી માધ્યમની જરૂર અવશ્ય પડે છે. આમ મનુષ્ય દેહનું મહત્વ કવિશ્રીએ આ શેરમાં વ્યક્ત કરેલ છે.
- અનંત પટેલ