યુગપત્રી
મિત્રો, ગઈ યુગપત્રીમાં આપણે જોયું કે જ્યારે આપણે પોતાને ઓળખી લઈએ ત્યારે જ્ઞાનનો સુર્યોદય થાય છે અને આપણને જીવનમાં કંઈક કરી છુટવાની તમન્ના જાગે છે હવે જોઈએ આગળ,
જ્યારે માણસ પોતાને ઓળખી લે એટલે એની નજર સામે જીવનનું પરમ ધ્યેય પ્રગટ થાય છે.એ પરમ ધ્યેયને પામવા માટેની મહેનત ચાલુ કરે છે. ઘણી વખત એવું બને છે કે આ દુનિયાના કહેવાતા કામો વચ્ચે આપણે એટલા બીઝી થઈ જઈએ છીએ કે આપણને જીવનનું પરમ સત્ય અને પરમ ધ્યેય જાણવાનો સમય પણ નથી મળતો. ક્યારેક લોકો શું કહેશે એવો ડર આપણને ઘેરી લે છે. તો ક્યારેક અસફળ થવાની બીકના લીધે આપણે જીવનના પરમ સત્ય અને આપણા ધ્યેયથી દૂર રહેતા હોઈએ છીએ. પણ જ્યારે માણસ પોતાની જાતને સમજતો થઈ જાય છે એટલે એના મનમાં એક વાત તો સ્પષ્ટ થઈ જાય છે કે ઈશ્વરને રાજી કરવા સહેલા છે પણ આ દુનિયાને જલ્દી રાજી નહીં કરી શકાય.એટલા માટે આ દુનિયા જે બોલે એને સાંભળીને પોતાના લક્ષ્ય તરફ ગતિ કરવી જોઈએ. એટલા માટે જ્યારે એને પોતાનું ગમતું કામ કે પોતાનું સપનું ઘણા વર્ષો પછી પાછું મળે છે ત્યારે એને પામવા માટે એ એડીચોટીનું બળ લગાડી દે છે.
આ અંતરાના શરૂઆતના શબ્દો છે કે जो गुमशुदा सा ख्वाब था
આપણને એમ થાય કે ગુમશુદા નો અર્થ તો ખોવાઈ ગયેલું એવું થાય. સપનું એ થોડું કાઈ કોઈ વસ્તુ છે કે એ ક્યાંય ખોવાઈ જાય.!? પણ અહીં દુનિયાની ભીડમાં અને બીજા શુ કહેશે એ ડરના લીધે માણસ પોતાના સપનાને મનના કોઈ ઊંડા ખુણામાં ધકેલી દે છે,એને વિસરી જાય છે.આમ દુનિયાની સાથે ચાલવા માટે એનું સપનું ક્યાંક એ પોતે જ મનમાં અવળે હાથે મુકી દે છે. ત્યાર બાદ એની પર સમયની ધૂળ જામી જાય છે. પણ જ્યારે એને પોતાનો સક્ષાત્કાર થાય છે ત્યારે ફરી એ ધૂળ ઉડી જાય છે અને એની સામે પ્રગટ થાય છે એનું લક્ષ્ય. જ્યારે આ લક્ષ્ય પ્રગટ થાય છે ત્યારે જેવી રીતે વહેલી સવારના પહોરમાં કળી પર સૂર્યના કિરણો પડે અને એ ખીલી ઉઠે એવી રીતે એ માણસ ખીલી ઉઠે છે. કારણકે ગમતું કામ જ માણસને સાચી ખુશી આપી શકે છે માટે એવું લખાય કે
जो गुमशुदा-सा ख्वाब था,
वो मिल गया वो खिल गया,
એકવાર પોતાની જાત સાથે સંવાદ થઈ જાય અને એનું ગમતું કામ કે એનું ખોવાયેલુ સપનું એને મળી જાય પછી શું થાય તો કે..!?
આ દુનિયા શું કહેશે એ ડર અને કહેવાતી બધી માન્યતાઓનું લોખંડ ઓગળી જાય છે. હા,સમયની સાથે માણસના મનમાં અમુક પૂર્વગ્રહો અને માન્યતાઓ લોખંડની જેમ મજબૂત રીતે સ્થાપીત થઈ ગઈ હોય છે એ બધી માન્યતાઓ અને પૂર્વગ્રહો ઓગળી જાય છે દૂર થઈ જાય છે.અને ત્યારે બાદ મનુષ્ય પોતાના લક્ષ્ય પ્રતિ દોટ મુકે છે અને મહેનતના રંગે રંગાઈને,ખંતના મશીનમાં ખેંચાઈને એની ખોટી માન્યતાઓ બધી મચકોડાઈને બનાવે છે સિતાર,જીવનવીણા,જેમાંથી સતત આનંદના સુર રેલાય છે.
આપણે બધા જાણીએ છીએ કે વાંસળી અંદરથી સાવ ખાલી હોય છે એટલે જ એમાંથી સુર નીકળે છે.એવી રીતે જ્યારે માણસ પોતાના ખોખલા પુર્વગ્રહો અને માન્યતાઓથી ભરેલા જીવનને સાવ ખાલી કરી નાખે છે પછી એના જીવનમાં પણ એક સંગીત ઉતપન્ન થાય છે.ગમતું કામ કાર્યનો સંતોષ એના જીવનમાં એક લય,એક તાલ ઉત્પન્ન કરે છે.જેનો આનંદ માણે છે માટે એવું લખાય કે,
वो लोहा था पिघल गया,
खिचा खिचा मचल गया,
सितार मे बदल गया,
પણ સવાલ એમ થાય કે આવું થાય ક્યારે…!?
તો એનો એક જ જવાબ છે કે જ્યારે આપણે જ્ઞાનની રોશની મેળવીએ અને આપણી જાતને અજવાળીએ….ત્યારે….
વધુ આવતા શુક્રવારે…..
કોલમિસ્ટ :- યુગ અગ્રાવત