ગીતા દર્શન
” ક્રોધાદભવતિ સંમોહ: સંમોહાત્સ્મૃતિવિભ્રય: ।
સ્મૃતિભ્રંશાદ્ બુધ્ધિનાશો બુધ્ધિનાશાત્પ્રણચ્યતિ॥૨/૬૩ ॥
અર્થ:-
” ક્રોધથી સંમોહ થાય છે, તેથી કાર્ય કર્યાનો વિચાર નાશ પામે છે. સ્મૃતિનો નાશ થવાથી બુધ્ધિનો નાશ થાય છે. બુધ્ધિનો નાશ થવાથી મનુષ્ય સંપૂર્ણ નાશ પામે છે. ”
આ શ્ર્લોકમાં ક્રોધનું પરિણામ કેટલું ખતરનાક હોય છે તે સમજાવવામાં આવ્યું છે. જ્યારે-જ્યારે મનુષ્યને ક્રોધ આવે છે ત્યારે ત્યારે એનું મગજ બહેર મારી જાય છે. મગજમાં જાણે કે એક પ્રકારની શૂન્યતા અનુભવાય છે. તમે જ્યારે જ્યારે ગુસ્સે થયા હોવ ત્યારની ક્ષણોને એકાંતમાં બેસીને યાદ કરી જૂઓ. તમને પોતાને એ ક્ષણોને યાદ કરતાંની સાથે જ એ વખતે તમારી બુધ્ધિ, તમારું જ્ઞાન જાણે કે ક્યાંક અદ્શ્ય થઈ ગયુ હતું તેવો અહેસાસ થશે. હું પોતે મારા જીવનમાં જ્યારે જ્યારે ક્રોધે ભરાયેલ તે ક્ષણોને સંભારું છું તો મને પણ આવી જ અનુભૂતિ થાય છે. ખરેખર મનુષ્યને ક્રોધ ચઢે છે ત્યારે એ સારા નરસાનું ભાન ભૂલી જાય છે. તેની બુધ્ધિ બહેર મારી જાય છે.પોતે શું બોલી રહ્યો છે કે શુંકરી રહ્યો છે ને તેનું શું પરિણામ આવશે તેનો પણ તેવિચાર નથી કરતો. ઘડીભરને માટે તે જાણે કે વિચારશૂન્ય બની જાય છે. તેણે ગમે તેટલું જ્ઞાન મેળવ્યું હશે પણ જો એ ક્રોધ પર નિયંત્રણ નહિ રાખી શકે તો એનું બધુ જજ્ઞાન વ્યર્થ થઈ જશે.અરે એટલું જ નહિ તેણે જીવનમાં જે જે સારાં કર્મ કરેલ છે અને સત્કર્મો દ્વારા પૂણ્યનું જે ભાથું બાંધ્યુ છે તેનો પણ તે નાશ નોતરે છે.ક્રોધ આવતાંની સાથે જ માનવીની સ્મૃતિ અને બુધ્ધિનો નાશ થઈ જાય છે. મનુષ્ય મૂઢ બની જાય છે.વળી જ્યારે બુધ્ધિનો નાશ થાય છે ત્યારે માનવી ન કરવાનાં કામ કરે છે, ન બોલવાના શબ્દો બોલવા લાગે છે જે તેનું પતન નોતરે છે.આ પતનથી તેણે અગાઉ મેળવેલ યશ-કિર્તી-માન ઇજ્જત બધાયનો નાશ થઈજાયછે. આવી અધોગતિમાંથી પાછા ફરવાનું ઘણીવાર મુશ્કેલ અને અશક્ય બની જાય છે. તેણે પોતાનું ખોવાયેલુ માન સંમાન પરત મેળવવા મોટું પ્રાયશ્ચિત કરવું પડે છે. આ પ્રાયશ્ચિત ખૂબ જ અઘરુ હોય છે. એટલે આવું ન થાય તેને માટે મનુષ્યે સ્વભાવમાંથી ક્રોધના તત્વને જડમૂળથી નાબૂદ કરી દેવાની જરૂર છે. ક્રોધ ન આવવાથી ભલે ને કોઇ આપણને નબળા ગણે તો ગણે, ક્રોધ નહિ આવે તો સૌજન્યતા નમ્રતા વિવેક ખૂબ જ વધી જશે જે સામેના મનુષ્યને પણ પોતાના વર્તનમાં અભિગમમાં ફેરફાર કરવાની પ્રેરણા આપશે.
ટૂંકમાં ક્રોધનો પહેલેથી જ ત્યાગ કરી દેવામાં આવે તો તેનાથી આવનારાં ખરાબ પરિણામોથી બચી જવાય છે અને જીવનમાં લાંબાસમય માટેની શાંતિ અને આનંદનીઅનુભૂતિ થયા જ કરે છે થયા જ કરે છે……
અસ્તું.
- અનંત પટેલ