બેંગ્લોર : કર્ણાટકમાં એચડી કુમારસ્વામી કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યા બાદ કોંગ્રેસમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. સરકારમાંથી બહાર કરવામાં આવેલા મંત્રીએ પાર્ટી છોડવાની ધમકી આપી દીધી છે. મંત્રીમંડળમાં આઠ નવા મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા હતા. બે મંત્રી કોંગ્રેસના રમેશ જારકિહોલી અને અપક્ષ ધારાસભ્ય આર શંકરને મંત્રીમંડળમાંથી બહાર કરવામાં આવ્યા છે. મંત્રીમંડળમાંથી બહાર કરવામાં આવ્યા બાદ કોંગ્રેસના રમેશ જારકિહોલીએ પાર્ટી છોડી દેવાની ધમકી આપી છે. બીજી બાજુ પૂર્વ મંત્રી રામાલિંગા રેડ્ડી સહિત અનેક કોંગ્રેસી ધારાસભ્ય કેબિનેટમાં જગ્યા ન મળવાના કારણે નાખુશ થયેલા છે. રામાલિંગાના સમર્થકોએ આજે જારદાર વિરોધ પ્રદર્શન કર્યો હતો.
કેન્દ્રીયમંત્રી અને કર્ણાટકના ભાજપના દિગ્ગજ નેતા સદાનંદ ગૌડાએ કહ્યું છે કે, તેમની પાર્ટી કોંગ્રેસના બળવાખોરોનું સ્વાગત કરશે. ભાજપની આ રાજકીય પહેલથી કર્ણાટકમાં રાજકીય પારો ઉપર પહોંચી ગયો છે. કેબિનેટમાંથી બહાર કરવામાં આવ્યા બાદ એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં જારકિહોલીએ કહ્યું હતું કે, તેઓ કોઇપણ સમયે ધારાસભ્ય પદથી રાજીનામુ આપી શકે છે.
કોંગ્રેસના અન્ય ધારાસભ્યો તેની સાથે છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા રમેશે કહ્યું હતું કે, તેઓ હજુ સંખ્યા અંગે માહિતી આપશે નહીં. એક સપ્તાહમાં જવાબ આપશે. છેલ્લા ત્રણ મહિનાથી આના માટે રાજીનામાને લઇને વિચારી રહ્યા હતા. તેમનું આગામી પગલું રાજ્યની જનતાના હિતમાં રહેશે. સુત્રોના કહેવા મુજબ શ્રીમંત પાટિલ સહિત કોંગ્રેસના અન્ય એક ધારાસભ્ય અને એમએલસી પાર્ટીમાંથી રાજીનામુ આપી શકે છે. બેંગ્લોરમાં પૂર્વમંત્રી રામાલિંગા રેડ્ડી, પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી જી પરમેશ્વર પર તેમને કેબિનેટથી દૂર રાખવાના આક્ષેપ થયા છે.