અમદાવાદ : સંસ્કારીનગરી વડોદરામાં આવેલા નયનરમ્ય આજવા ગાર્ડન ખાતે આધુનિક અનેક સુવિધાઓથી સજ્જ ‘આતાપી વંડરલેન્ડ થીમ પાર્ક’નો ૨૫મી ડિસેમ્બરના રોજ સાંજે પાંચ વાગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે શુભારંભ થશે એમ પ્રવાસન નિગમની યાદીમા જણાવાયું છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા પ્રવાસન મંત્રી ગણપત વસાવા અને ઉર્જામંત્રી સૌરભ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહેશે.
વડોદરાના સંસદસભ્ય રંજનબેન ભટ્ટ તથા વડોદરા મહાનગરપાલિકાના મેયર ડા. જિગીષાબેન શેઠ અને ગુજરાત પ્રવાસન નિગમના પૂર્વ અધ્યક્ષ કમલેશ પટેલ અતિથી વિશેષ પદે રહેશે. રાજ્યના પ્રવાસન વિભાગના અગ્ર સચિવ એસજે હૈદર આઇએએસ તથા વડોદરા મ્યુનિસીપલ કમિશનર અજય ભાદુ આઇએએસ અને પ્રવાસન નિગમના એમડી જેનુ દેવન આઇએએસ તથા જિલ્લા કલેક્ટર શાલીની અગ્રવાલ ચઆઈએએસૃ પણ ઉપસ્થિત રહેશે. આ ‘આતાપી વંડરલેન્ડ થીમ’ પાર્કનું નિર્માણ રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા પીપીપી મોડથી કરવામાં આવ્યું છે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા એનું સંચાલન થનાર છે.
આજવા ગાર્ડન ખાતે આકાર પામેલ આ પ્રોજેક્ટ પાછળ આશરે ૧૫૦ કરોડના ખર્ચે વિવિધ નાગરિક સુવિધાઓ સાથે મનોરંજન માટેની વિવિધ રાઈડ્સ અને અન્ય આકર્ષણો ઉભાં કરવામાં આવ્યાં છે. આતાપી વંડરલેન્ડ થીમ પાર્કમાં કુલ પચાસ જેટલી વિવિધ રાઈડ્ઝ ઉન્હે કરવામાં આવી છે. આ થીમ પાર્કના પ્રારંભ દ્વારા વડોદરા શહેર અને એની આસપાસના વસતા ગામોના નગરજનો તથા વડોદરાની મુલાકાતે આવનાર પ્રવાસીઓ માટે એક મહત્વનું સ્થળ નિર્માણ પામ્યું છે. જેમાં પ્રવાસીઓના આકર્ષણ માટે રાઈડસ, ગેમ્સ, મલ્ટી મીડીયા શો, વૈવિધ્યસભર વૃંદાવન ગાર્ડન અને માત્ર રાતના સમયે વિવિધ લાઈટથી ઝળહળ થનાર ગ્લોબ ગાર્ડન પણ બનાવવામાં આવ્યો છે. જે આ થીમ પાર્કનું અનેરું આકર્ષણ બની રહેશે.
આ થીમ પાર્કમાં જે સુવિધાઓ અને વિવિધ કેટેગરીમાં રાઈડ્સ રાખવામાં આવી છે એમાં, વાટર લેસર શો, પેન્ડુલમ રેઈન, રોલર કોસ્ટર, ધ લોસ્ટ વર્લ્ડ, ગો કાર્ટિસ્ટ, જાયન્ટ સ્વીંગ, બાઉન્સિંગ મશીન, ગ્લો ગાર્ડન, સ્પીડ વિન્ડમિલ, ઝિપલાઇન, સુપરમેન ઝિપલાઇન, ટર્બલાઇન, રોપ કોર્સ, રેઈન ડાન્સ, ર્સફિંગ, કિડ્સ ડ્રાઇવિંગ સ્કૂલ, રીવર્સ બંજી, સ્પિનિંગ કોસ્ટર, ટાગડા, ટિ્વસ્ટ ટાવર, સુમો ફાઈટ, બમ્પર બોટ, ક્રિકેટ, બબલ સોકર, બટરફ્લાય, હારર હાઉસ, વોટર ફ્લુમ રાઇડ, ઝોડિયા મેપિંગ, હ્યુમન સ્વીંગ, સ્લિંગ શોટ, પારા જમ્પ, ટ્યૂબી જમ્પ પાર્ક, વોટર ર્ઝોબિંગ, કિડ્સ ફ્લુમ રાઇડ, કેરોયુઝલ, મિની ગોલ્ફ, ફુટ બિલિયર્ડ, અલીબાબા રાઈડ, રોટેટિંગ બબલ, બોલબાઉન્સિંગ, કિડ્સ સોફ્ટપ્લે, ફેરિસ વ્હીલ, ટ્રેડીશનલપ્લે, એડલ્ટ બમ્પર કાર, કિડ્સ બમ્પર કાર, છોટા ભીમ હાઉસ, છોટા ભીમ કેરેક્ટર હાઉસ, મુવી વિથ છોટા ભીમ, હંગ્રી હુપ્સ, ફ્લાઇંગ, જગ્ગુ, માઝ એરિયાનો સમાવેશ થાય છે એમ યાદીમાં વધુમાં જણાવાયું છે.