ચંદ્રીકાને સાસરે આવે ચાર વર્ષ વીતી ગયાં હતાં તે છતાં તે હજુ એનાં સાસુ સસરાથી જૂદા રહેવાની વાત જ કરતી નહોતી કે એ બાબતે કદી એને સાસુ સસરા સાથે ય વાદ વિવાદ કે બોલા ચાલી થઇ હોવાનું કોઇ અડોશીપડોશીના કાને પણ પડ્યુ ન હતું. તે તેનો પતિ અમર અને તેનો બે વર્ષનો બાબો તેનાં સાસુ સસરા સાથે આનંદથી જીવન જીવતાં હતાં. કોઇ ઘરમાં સાસુ વહુ વચ્ચે ઝઘડો કે બોલા ચાલી ન થાય તે પણ તેમની પડોશમાં રહેતી કેટલીક બહેનોને ગમતું હોતુ નથી. કેટલીક સ્ત્રીઓને ક્યાંક માથાકૂટ કરવવામાં જ રસ પડતો હોય છે..
– એમને થતું હોય છે કે કેમ આ બે જણ કદી ઝઘડતાં જ નથી ?
– શું ચંદ્રિકામાં કશી ખામી હશે જ નહિ ? શું એનાથી કોઇ ભૂલ થતી જ નહિ હોય ?
– હરવા ફરવા જવા કે વ્યવહારિક બાબતોમાં કોઇ પ્રશ્ન જ કેમ ઉભો નહિ થતો હોય ?
આવા બધા જાત જાતના તર્ક વિતર્ક તેમની પડોશણો ના મનમાં પ્રગટતા અને પછી એમને એમ શમી જતા હતા. તે છતાં એક જમના ડોશી થી રહેવાયું નહિ, એમણે એક દિવસ ચંદ્રિકા એના ઘરમાં એકલી હતી ત્યારે તેમણે એના ઘરમાં ઘૂસ મારી….ને ચંદ્રિકા પાસે બેસીને એ બોલ્યાં,
“ ઓહો.. અલિ ચંદ્રિકા તું તો ભઇ નવરી જ પડતી નથી હોં..!! તું તારી સાસુથી બીવે છે કે શું ? તે કદી ઘરની બહાર અમારી જોડે સુખ દુ:ખની વાતો કરવા ય આવતી નથી , ના ના કોક દિવસ તો અવાય હોં..!! એમાં તને કોઇ ના ન પાડે…”
“ ના રે માશી, એવું તે હોય ? મને તો મારાં સાસુ કશાની ના જ નથી પાડતાં, પણ મારો સ્વભાવ જ એવો છે ને કે મને બહુ લપનછપન કરવાનું ગમતું જ નથી….” ચંદ્રિકાએ કહ્યું. જમના ડોશી આ સાંભળી થોડાં પાછાં પડ્યા પણ તો ય પછી બોલ્યાં,
“ અલિ પણ તને તો કંઇ ખબર જ પડતી નથી હોં… આ તો હારુ છ તે તારા જેઠને બહાર નોકરી છે તે અહીં બહુ રહેતાં નથી, નકર તારી જેઠાંણી કાંઇ તારી જેમ મૂંગી ના બેહી રે, એ તો તારી હાહુને ફટાફટ જવાબ આપી દે બોલ….. ?? હશે ભઇ, આ તો મારો થોડો જીવ તારા માટે બળતો હતો એટલે વાત કરવા આવી, બાકી તારી મરજી… પણ જો જે, બે વરહ પછી આ છોકરાને ભણવા નહિ મૂકવો પડે ? અહીં આ ગાંમડાંની નિશાળમાં તો કુણ હવે હારુ ભણાવે છે ? ને એ વખતે તું જૂદા જવાની વાત કરે તો કોઇ નંઇ માને એના કરતાં તો અત્યારથી જ અમરભાઇને થોડું થોડું હમજાવતી રહે જે હોં ….”
ત્યાં તો બહારથી ચંદ્રિકાનાં સાસુનો આવવાનો અવાજ સંભળાતાં એ એમની વાત અટકાવીને ઉભાં થતાં બોલ્યાં,
“ લે આ તારાં સાસુ તો આઇ જ્યાં, ને મારે તો હજુ મંદિરમાં જવાનું ય બાકી છે, લે હેંડ તારે હું તો જાઉં…. “ કહી એ જતાં હતાં ત્યારે ચંદ્રિકાનાં સાસુએ એમને જોઇને કહ્યું,
“ ઓહો હો, આજ તો કાંઇ જમનાબા આયાં છ ન ?? તમારાં પગલાં તો બા મારા ઘરે હમણાંનાં ચ્યમ પડતાં જ નથી ?? “
આ સાંભળી એ બોલ્યાં,
“ અલિ બોન, મને તો ચાં ટાઇમ જ મલે છે ? આ તો આજે થયું કે લાય, આ અમરિયાના બાબલાને જરા રમાડી આવું…”
“ તે બેહો ને ,જરા ચા બા તો પીને જાઓ..”
ચંદ્રિકાનાં સાસુએ વિવેક કર્યો.. પણ જમનાબા રોકાયાં નહિ ને જતાં રહ્યાં. એમના ગયા પછી ચંદ્રિકા એનાં સાસુને હસતાં હસતાં કહેવા લાગી,
“ મમ્મી આ ડોસીમા તો બહુ જબરાં છે હોં, આપણા ઘરની ઇમને શું કાંમ પંચાત કરવી પડે ? મને સમજાવવા આયાં’તાં કે તું તારી સાસુથી જૂદી થઇ જાને… પણ પછી મેં તો એમને ચોખ્ખુ પરખાવી જ દીધું કે મને ઝાઝી લપન છપન ગમતી જ નથી..”
આ સાંભળી એનાં સાસુ બોલ્યાં,
” બેટા એ તો મને ખબર જ છે ને કે કોઇ તને કે મને કંઇ આડુ અવળુ હમજાવી શકવાનું જ નથી….. એં ભલે ને એ એમ બોલીને રાજી થતાં , આપણે શું લેવા દેવા ? ” બોલતાં એ તો એમના કામે વળગ્યાં.
ચંદ્રિકા એની સાસુને અને એનાં સાસુ એમની વહુને બરાબર ઓળખી ગયાં હતાં એટલે કોઇ એમનું કશું બગાડી શકે એમ જ ન હતું,,,,,
- અનંત પટેલ