હૈદરાબાદઃ વિધાનસભાની ચૂંટણીમાં મોટી જીત હાથ લાગ્યા બાદ તેલંગાણા રાષ્ટ્રીય સમિતિના પ્રમુખ અને પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે ૨૦૧૯ લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલમાં કેસીઆર એક તીરથી બે નિશાન લગાવી રહ્યા હતા. પ્રદેશની ૧૭માંથી ૧૬ લોકસભા સીટો ઉપર જીતની સાથે જ કોંગ્રેસ મુક્ત તેલંગાણાના એજન્ડા સાથે કેસીઆર હવે આગળ વધી રહ્યા છે.
ટીઆરએસ કોંગ્રેસના ધારાસભ્યોને પોતાની ટીમમાં લાવવાના પ્રયાસ કરી રહ્યા છે. ટીઆરએસના પ્રયાસ છે કે, વિધાનસબામાં કોંગ્રેસ પાર્ટી મુખ્ય વિરોધ પક્ષ તરીકે પોતાનો દરજ્જો ગુમાવી દે. હકીકતમાં પાંચ લોકસભા સીટો નિઝામાબાદ, કરીમનગર, હૈદરાબાદ, સિકંદરાબાદ અને મહેબુબનગરમાં કોંગ્રેસ એક પણ વિધાનસબા સીટો જીતી શકી નથી.
ટીઆરએસના એક નેતાએ કહ્યું છે કે, મુખ્ય વિપક્ષી પાર્ટીનો દરજ્જો હાંસલ કરવા માટે વિધાનસભાની ૧૧૯ સીટો પૈકી કોંગ્રેસને ૧૨ ધારાસભ્યોની જરૂર છે. કોંગ્રેસ પાસે હાલ ૧૯ ધારાસભ્યો છે. ટીઆરએસ જો ૮ ધારાસભ્યોને પોતાની ટીમમાં લાવવામાં સફળ થાય છે તો સૌથી જુની પાર્ટી તરીકે રહેલી કોંગ્રેસ પાર્ટી વિપક્ષી પાર્ટીનો દરજ્જો ગુમાવી દેશે.
ટીઆરએસના ઉચ્ચ સ્તરીય સુત્રોએ કહ્યું છે કે, પાર્ટી કોંગ્રેસના એક ડઝન જેટલા ધારાસભ્યોના સંપર્કમાં છે. ટીઆરએસ ટીડીપીના બે ધારાસબ્યોના પણ સંપર્કમાં છે. છેલ્લા દિવસોમાં કોંગ્રેસના ચાર એમએલસી સત્તારુઢ ટીઆરસીમાં સામેલ થઇ ચુક્યા છે.
કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે, કેસીઆરની સત્તા ભુખ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ટીઆરએસના નેતાઓનું કહેવું છે કે, કિસાનહિતમાં તેમની યોજનાને જોઇને વિપક્ષના નેતા ટીઆરએસની તરફ આકર્ષિત થઇ રહ્યા છે. તેલંગાણામાં કોંગ્રેસને ખતમ કરવા માટે કેસીઆર સજ્જ થયા છે.