અમદાવાદઃ જસદણની પેટા ચૂંટણીમાં ભાજપ અને તેના ઉમેદવાર કુંવરજી બાવળિયાની આસાન જીત બાદ હવે રાજકીય વિશ્લેષકોમાં એ મુદ્દો ચર્ચાની એરણે આવ્યો કે, વાસ્તવમાં આ જીત કોની ભાજપની કે બાવળિયાની? જો કે, ત્રણ રાજયોમાં ભાજપની કારમી હાર અને સત્તા ગુમાવવાના આઘાત બાદ જસદણમાં જીતવું ભાજપ માટે બહુ કપરું હતું, ખાસ કરીને કુંવરજી બાવળિયા માટે. કારણ કે, જસદણની બેઠક આમ તો કોંગ્રસનો જ ગઢ ગણાય છે અને બાવળિયા વર્ષોથી કોંગ્રેસના નિશાન પર ચૂંટાતા આવ્યા છે, પરંતુ ભાજપમાં જોડાયા બાદ બાવળિયા પહેલી વાર આ બેઠક પર ચૂંટણી લડયા હતા,તેથી આ તેમની પ્રતિષ્ઠાનો સવાલ અને કસોટી પાર કરવાનો સવાલ હતો, પરંતુ બાવળિયાએ ભાજપ કરતાં પોતાનું કદ અને પ્રભુત્વ આજે ચૂંટણી જીતીને સાબિત કરી બતાવ્યું.
કુંવરજી બાવળિયાએ આ પંથકમાં કરેલા કામો અને મતદારો સાથે રાખેલો ઘરોબો કામ કરી ગયો. આમ, બાવળિયાએ એ વાત સાબિત કરી કે, તેઓ ગમે તે પક્ષમાં હોય પણ તેમની કામગીરી અને લોકકાર્યોના કારણે જીત તો તેમની જ થાય. જસદણની પેટાચૂંટણીની વાત કરીએ તો તેનું પરિણામ ટેકનિકલી ભાજપની તરફેણમાં રહ્યું તેમ કહી શકાય. આ જીત સાથે ભાજપે વિધાનસભામાં તેના ધારાસભ્યોની સેન્ચુરી પણ પૂરી કરી છે. પરંતુ અંદરખાને સહુકોઈ જાણે છે કે, આ જીત ભાજપ કરતા કુંવરજી બાવળિયાની વધુ કહી શકાય.
બાવળિયા ૧૯૯૫માં પહેલીવાર જસદણ બેઠક પર વિજેતા બન્યા હતા અને તે વખતે તેમણે ભાજપના અરજણ રામાણી સામે ૨૧,૬૦૪ મતના વિક્રમી અંતરે જીત મેળવી હતી. ત્યારથી બાવળિયાનો જસદણ બેઠક પર દબદબો રહ્યો છે. ત્યારબાદ ૧૯૯૮, ૨૦૦૨ અને ૨૦૦૭માં પણ કુંવરજી બાવળિયા જ જસદણ વિધાનસભા બેઠક પર વિજેતા રહ્યા છે. ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં રાજકોટ બેઠક પરથી બાવળિયા જીત્યા એટલે તેમણે જસદણ બેઠક પરથી રાજીનામું આપ્યું અને ત્યારપછીની પેટાચૂંટણીમાં ભાજપના ભરત બોઘરા જીત્યા હતા. જસદણ બેઠક પરના અત્યાર સુધીના ઇતિહાસમાં ભાજપની આ પહેલી જીત હતી અને તે પણ બાવળિયા ચૂંટણી નહોતા લડ્યા તે પરિબળને કારણે. જ્યારે ૨૦૧૭માં ફરી બાવળિયા જસદણ બેઠક પર વિજેતા રહ્યા હતા. આમ, જસદણ વિધાનસભા બેઠક અને કુંવરજી બાવળિયા ૧૯૯૫થી એકબીજાના પર્યાય બની રહ્યા છે તેવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.
વિજય રૂપાણી સરકારે મતદાનના આગલા દિવસે જ ગુજરાતના ખેડૂતોના બાકી વીજબિલ માફીની જાહેરાત કરી હતી. જ્યારે રાજકોટને એઈમ્સની મંજૂરી મળ્યાનું પડીકું વહેતું કર્યું હતું. ભાજપે આચારસંહિતાનો ભંગ ન થાય તે બાબતને પણ ધ્યાને રાખીને સત્તાવાર રીતે એઈમ્સની વાતને સમર્થન નહોતું આપ્યું પણ તેના બધા નેતાઓએ એઈમ્સને આવકાર આપ્યો હતો. આમ, ભાજપનો વીજબીલ માફી અને રાજકોટને એઇમ્સનો ગેમપ્લાન કામ કરી ગયો હતો અને જસદણની બેઠક તેમની ઝોળીમાં પડી.