અમદાવાદ : જસદણમાં જાણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ હોય એ પ્રકારે ભારે ઉત્તેજના અને ઉત્સાહ વચ્ચે જસદણ વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવશે. ભારે ઉત્તેજના અને રસાકસીભર્યા માહોલ વચ્ચે જસદણ વિધાનસભા બેઠકની મતગણતરી હાથ ધરવામાં આવશે. કુલ ૧૯ રાઉન્ડમાં થનારી આ મતગણતરીમાં બપોર સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઇ જશે તેવી શકયતા ચૂંટણી પંચના સૂત્રોએ વ્યકત કરી હતી.
આ સાથે જ જસદણના પરિણામોને લઇ ભાજપ અને કોંગ્રેસમાં હાઇવોલ્ટેજ ડ્રામા અને ભારે ટેન્શનભર્યો માહોલ છવાયો છે કારણ કે, ભાજપના કુંવરજી બાવળિયા અને કોંગ્રેસના અવસર નાકીયા બંને માટે આ ફાઇટ ટુ ફીનીશનો જંગ છે. જે હારશે તેનું રાજકીય ચિત્ર પૂરું થઇ જાય તેવો ઘાટ છે. એટલું જ નહી, જસદણની ચૂંટણીના પરિણામોની અસર અને વર્તારો આગામી લોકસભાની ચૂંટણી પર સ્પષ્ટ રીતે પડે તેમ હોઇ બંને પક્ષમાં સ્વાભાવિક ટેન્શન અને ઉત્તેજનાનો માહોલ છવાયેલો છે. જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની આજે મત ગણતરી યોજાનાર છે. આ પેટા ચૂંટણીમાં પોસ્ટલ બેલેટ ન હોવાથી સીધી મત ગણતરી શરૂ થનાર છે. જેમાં ૧૪ ટેબલ પર કુલ ૧૯ રાઉન્ડમાં મત ગણતરી કરવામાં આવશે અને અંદાજીત ચારેક કલાકમાં તમામ પરિણામો જાહેર થઈ જશે. ત્યારબાદ અંદાજે ૧૨ વાગ્યા આસપાસ ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા અને કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા બંનેમાંથી જે વિજેતા ઉમેદવાર બને તેમના દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવે તેવી શક્યતા છે.
રિટર્નીંગ ઓફિસર એ.એચ.ચૌધરીના જણાવ્યા મુજબ, આ પેટા ચૂંટણીમાં કુલ ૨૬૨ મતદાન મથકો હતા. જેમાં ૨,૩૨,૧૧૬ મતદારોમાંથી ૧,૬૫,૩૨૫ મતદારોએ મત આપ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચની જોગવાઇ મુજબ મત ગણતરી કેન્દ્રમાં ૧૪ ટેબલ ગોઠવવામાં આવશે અને મત ગણતરીમાં એકસાથે ૧૪ ઇવીએમમાં પડેલા મતોની ૧૮+૧ એમ ૧૯ રાઉન્ડમાં ગણતરી થશે. દરેક ટેબલ પર મત ગણતરી માટે માઇક્રો ઓબ્ઝર્વર, કાઉન્ટિંગ સુપરવાઇઝર અને એક કાઉન્ટીંગ આસીસ્ટન્ટ મુકવામાં આવનાર હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. મતગણતરીને લઇ તંત્ર દ્વારા લોખંડી સુરક્ષા બંદોબસ્ત પણ તૈનાત કરી દેવાયો છે. તો, બીજીબાજુ, ઉમેદવારો અને તેમના અધિકૃત એજન્ટો પણ મતગણતરી સ્થળે પરિણામની એકેએક ગતિવિધિ પર નજર રાખતા બેઠા હશે. તો, મતગણતરી કેન્દ્રની બહાર ઉમેદવારોના સમર્થકો અને ટેકેદારો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડશે.
તાજેતરમાં તા.૨૦મી ડિસેમ્બરે જસદણ વિધાનસભાની યોજાયેલી પેટા ચૂંટણીમાં ૭૩ ટકાની આસપાસ મતદાન નોંધાયું હતું. જસદણની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાએ છકડો રિક્ષા ચલાવી પોતાના ગામ આસલપુરમાં કુળદેવીના દર્શન કર્યા હતા અને બાદમાં આસલપુરની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. તો, ભાજપના કેબિનેટ મિનિસ્ટર એવા ઉમેદવાર કુંવરજી બાવળિયાએ પોતાની માતાના આશીર્વાદ લઇને વીંછીયા ખાતે અજમેરા પ્રાથમિક શાળાના મતદાન કેન્દ્ર ખાતે મતદાન કર્યું હતું. ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન અને ઇજ્જતનો સવાલ બનેલી જસદણની ચૂંટણી એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી. આ સાથે જ ભાજપના કુંવરજી બાવળિયા અને કોંગ્રેસના અવસર નાકિયાના ભાવિ ઇવીએમમાં સીલ થયા હતા. હવે તા.૨૩મી ડિસેમ્બરે આ ચૂંટણીનું પરિણામ જાહેર થતાંની સાથે ગુજરાતના રાજકારણની તાકાતનો પરચો આ બંને પક્ષમાંથી ગમે તે એકનો જાવા મળશે. આ સાથે જ કુંવરજી બાવળિયા અને અવસર નાકિયાના ભાવિનો ફૈંસલો પણ થઇ જશે. ગુજરાત સહિત દેશભરના રાજકીય નિષ્ણાતોની નજર જસદણના પરિણામો પર છે.