યુગપત્રી
જીવનમાં જ્યારે જ્ઞાનનો સૂર્યોદય થાય ત્યારે જ સાચી સવાર પડે છે.
મિત્રો ગઈ યુગપત્રીમાં આપણે જોયુ કે આપણા જીવનમાં અર્થપુર્ણ ધ્યેય,સપનું અને પ્રેમ હોવો જોઈએ. હવે જોઈએ આગળ,
માણસ જ્યારે ધ્યેય નક્કી કરે છે ત્યારે એનો એટીટ્યુંડ કેવો હોવો જોઈએ એની વાત શરૂઆતમાં કરે છે. આમ તો આપણે ત્યાં સાલ્લો એવો શબ્દ જનરલી અયોગ્ય ભાષા તરીકે વર્તાય છે. પણ ક્યારેક ક્યારેક હિન્દીમાં આ શબ્દ આત્મવિશ્વાસ દર્શાવવા કે પછી પોતાનાથી કોઈ પણ કામ અશક્ય નથી એવું સાબિત કરવા માટે પણ ક્યારેક અજાણતા આપણે આ શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ.જેમ કે ” સાલ્લુ આ વખતે તો પરીક્ષામાં 70% ઉપર લાવવા જ છે.” સામાન્ય રીતે એમ કહી શકાય કે આ શબ્દ વાતને ભાર દઈને કહેવા માટે વપરાય છે. માટે આ ગીતની શરૂઆતમાં પણ આ શબ્દ જ વપરાયો છે. ગમે એમ થાય પણ આ વખતે તો ધાર્યું નિશાન પાડીને જ રહેવું છે. એ અર્થમાં અહીં આ શબ્દ વપરાયો છે કે
ए साला,
અને જ્યારે કોઈપણ માણસને પોતાની ક્ષમતાની ખબર પડી જાય છે પછી તેના માટે કોઈપણ કામ સરળ થઈ જાય છે.વ્યક્તિને જ્યારે પોતાના જીવનનું ધ્યેય મળી જાય,વ્યક્તિને જ્યારે પોતાનામાં વિશ્વાસ ઉભો થાય ત્યારે એના માટે બધું સરળ થઈ જાય છે. અને જ્યારે વ્યક્તિ પોતાને જાણી લે છે ત્યારે એને બીજું કશું જાણવાનું નથી રહેતું. વ્યક્તિને જ્યારે પોતાની જાતનો સાક્ષાત્કાર થાય છે પછી આખું બ્રહ્માંડ એની સામે પોતાના રહસ્યો ખુલા મુકી દે છે અને એ માણસને પોતાને પણ એની અંદર કૈક ચેતના જેવું અનુભવાય છે માટે એવું લખાય કે
हो..अभी अभी हुआ यकीन, कि आग है मुझ मे कही,
હા,આપણને અનુભવાયકે આપણી અંદર પણ આગ રહેલી છે.કવિ કૃષ્ણ બિહારી નૂરનો એક ખુબ સરસ અને મારો ગમતો શૅ’ર છે કે
आग है, पानी है, मिट्टी है, हवा है, मुझ में|
और फिर मानना पड़ता है के ख़ुदा है मुझ में |
શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે આપણું શરીર પૃથ્વી,અગ્નિ,જળ,આકાશ અને વાયુ આ પાંચ તત્વોનું બનેલું છે માટે આપણી અંદર પણ આગ રહેલી જ છે અને જ્યારે આપણે આ આગને ઓળખી લઈએ છીએ ત્યારે આપણે ખુદાને ઓળખી લઈએ છીએ.ઈશ્વર બીજે ક્યાંય નથી એ આપણામાં જ છે.જ્યારે વ્યક્તિને સ્વનો સાક્ષાત્કાર થાય છે પછી જ એને ઈશ્વરની અનુભૂતિ થાય છે.અને એકવાર વ્યક્તિને પોતાનામાં રહેલ પોટેન્શિયલની જાણ થઈ જાય પછી એને થાય કે હું બધું કરવાને સક્ષમ છું અને પછી પોતાના ધ્યેય તરફ ગતિ કરવાની,એને મેળવવા માટે મહેનત કરવાની શરૂઆત થાય અને માટે એવું લખાય કે,
हुई सुबह, मै चल गया,
હા,જીવનમાં જ્યારે જ્ઞાનનો સૂર્યોદય થાય ત્યારે જ આપણા માટે સાચી સવાર પડે છે.અને આપણે ગમે તેવું અઘરું કામ કરવા માટે તૈયાર થઈ જઈએ છીએ.આપણને કોઈ કામ કઠિન નથી લાગતું.આપણા માટે બધું જ સરળ થઈ જાય છે અને આપણામાં એટલો આત્મવિશ્વાસ આવી જાય કે આપણે જાણે સૂર્યને પણ ગળી જવા સમર્થ હોઈએ. હવે આપણને પ્રશ્ન થાય કે શું ખરેખર કોઈ માણસ સૂર્યને ગળી શકે..!? અરે ! સૂર્યની અંદર તો એટલી બધી શક્તિ રહેલી છે કે આપણે એને સ્પર્શી પણ ના શકીએ..! એની નજીક પણ ના જઈ શકીએ તો એને ગળવાની તો વાત જ ક્યાં કરવાની રહી..! આમ તો ખરેખર સૂર્યને ગળી જ ના શકાય ! પણ આ રૂપક દ્વારા લેખક આપણને સમજાવવા માંગે છે કે જ્યારે આપણને આપણી શક્તિનો અનુભવ થાય પછી આપણે અઘરામાં અઘરું કાર્ય કરવા માટે પણ સક્ષમ થઈ જઈએ છીએ.આમ એ અર્થમાં એવું લખાય કે,
सूरज को मै, निगल गया,
પણ સવાલ એ છે કે આ બધું થાય ક્યારે તો કે જ્યારે આપણે રોશનીની રૂબરૂ આવીએ,જ્યારે આપણે પ્રકાશની સામે આવીએ,જ્યારે આપણે સામે ચાલીને જ્ઞાનને મેળવીએ,મહેનત કરીએ ત્યારે આવું થાય.અને માટે જ એવું લખાય કે
रू-बा-रू रौशनी हेय…..
વધુ આવતા શુક્રવારે…..
કોલમિસ્ટ :- યુગ અગ્રાવત