અમદાવાદ : મુંબઇના નિવૃત્ત ચીફ ઇન્કમટેક્સ કમિશનર વિજય સિંઘલ સરળ ભાષામાં સમજી શકાય તે પ્રકારે ભગવદ્ ગીતા લખી છે. જેનું વિમોચન તાજેતરમાં જ બોલીવુડ સ્ટાર અક્ષયકુમારે દિલ્હી ખાતે કર્યું હતું. દરમ્યાન અમદાવાદમાં ભગવદ્ ગીતાના આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. ભગવદ્ ગીતના કેટલાય પુસ્તકો અત્યારસુધીમાં પ્રસિધ્ધ થયા છે પરંતુ આ પુસ્તકમાં ભગવદ્ ગીતાનું મૂળ સ્વરૂપ, સત્વ અને મર્મ જાળવી રખાયા છે, તેમાં કોઇ બિનજરૂરી ઉમરો કે મનસ્વી અર્થઘટન કરાયું નથી એમ ભગવદ્ ગીતા-સેઇંગ ઇટ સિમ્પલ વે પુસ્તકના જાણીતા લેખક અને મુંબઇના નિવૃત્ત ચીફ ઇન્કમટેક્સ કમિશનર વિજય સિંઘલે જણાવ્યું હતું. પૂર્વ બ્યુરોક્રેટ અને આધ્યાત્મિક્તા, ફિલોસોફી, સાઈકોલોજી, ધર્મ અને સંસ્કૃતિના ક્ષેત્રે અગ્રણી લેખક વિજય સિંઘલ દ્વારા લિખિત અને સહલેખક અતુલ ભારદ્વાજની ઉપસ્થિતિમાં ભગવદ્ ગીતા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જાણીતા લેખક વિજય સિંઘલે જણાવ્યું હતું કે, તેમણે ભગવદ્ ગીતાનું આ પુસ્તક હિન્દી અને અંગ્રેજી ભાષામાં સરળ, સ્પષ્ટ અને સમજવામાં આસાન એવી ભાષામાં લખ્યું છે. આ પુસ્તક સમકાલીન સ્ટાઈલમાં રજૂ કરાયું છે અને વધુ તો તે સેલ્ફ હેલ્પ બૂક છે અને તેમાં વ્યવહારૂ ડહાપણ તથા દરેક શ્લોકનો બે ભાષાઓમાં અનુવાદ કરાયો છે જેથી વાચકોને તે સમજવામાં આસાની રહે છે. અમે મુશ્કેલ શબ્દો પર પણ ધ્યાન આપ્યું છે અને કૌંસમાં ટૂંકા વર્ણન સાથે શ્લોકની સાથે વિચારો વિશે સમજૂતી આપી છે. આ કરવામાં શ્લોકોનો ખરો અર્થ જળવાય તેની પૂરેપૂરી કાળજી લેવામાં આવી છે અને સાથે શ્લોકોના મૂળ ઉદ્દેશને યથાવત્ રખાયો છે. વિજય સિંઘલ સાથે કેટલાક પુસ્તકો લખનારા અતુલ ભારદ્વાજે કહ્યું હતું, આ પુસ્તક એ રીતે રજૂ કરાયું છે કે તેમાં દરેક શ્લોક માટે વધારાની કોમેન્ટરી કે વર્ણન નથી કે લાંબા લખાણની જરૂર નથી. આમ, વિવિધ કોમેન્ટેટર્સના વ્યક્તિગત મંતવ્યોથી પ્રેરાવાના સ્થાને વાચક ખુદ જ આ પવિત્ર પુસ્તકના વિચારોને સમજવા કોશિશ કરી શકે છે.
એક પાના પર માત્ર બે શ્લોકો (હિન્દી અને અંગ્રેજી અનુવાદ સાથે) રખાયા હોવાથી પુસ્તક વાંચવામાં સરળતા રહે છે. પુસ્તકમાં મૂકાયેલી તસવીરો અને મોટાભાગની કુદરતી દૃશ્યોની તસવીરો પુસ્તમાં ભારે આકર્ષણ જમાવે છે. લેખક વિજય સિંઘલે ખાસ ભાર મૂકયો હતો કે, આજનું વિશ્વ ગળાકાપ હરિફાઈમાં વ્યસ્ત છે, એવામાં ભગવદ ગીતાનો ઉપદેશ ખૂબ ઉપયોગી છે કેમકે તેના ફિલોસોફીકલ અસ્તિત્વના સત્યને ગ્રાફિકલી રજૂ કરવામાં આવી છે અને જીવનનો મૂળ હેતુ શું છે એ સમજાવે છે એટલું જ નહીં તે ભૌતિક સફળતા અને આધ્યાત્મિક સંપૂર્ણતાનો અર્થ સમજાવે છે. જ્યારે અર્જુનને તેની ફરજ કોઈ આત્મસ્વાર્થ વિના બજાવવાનો સંદેશો ભગવાન કૃષ્ણ આપે છે ત્યારે તેઓ તેને કર્મ યોગ, જ્ઞાન યોગ, ધ્યાન યોગ જેવા આત્મજાગૃતિના અર્થ સમજાવે છે. પરંતુ તેમણે એ સમયે કહ્યું હતું કે આ બધામાં સૌથી સરળ માર્ગ ભક્તિ યોગનો છે. સંપૂર્ણ અને બીનશરતી શરણાગતિ જ્યારે સર્વોચ્ચ શક્તિ સમક્ષ કરવામાં આવે ત્યારે મનની શાંતિ પ્રાપ્ત થાય છે. ગીતાનો ઉપદેશ દરેકને લાગુ પડે છે અને તે કોઈ જાતિ, લિંગ કે સમુદાયનો ભેદ રાખતો નથી.ગીતામાં આત્મજાગૃતિના માર્ગો દર્શાવાયા છે. કૃષ્ણ તેમાં કહે છે કે એ તમામ માર્ગો તેમના સુધી પહોંચે છે. વ્યક્તિના સ્વભાવ અને સંજોગો અનુસાર તેમાંથી કોઈની પસંદગી કરી શકે છે. કૃષ્ણ અંતમાં અર્જુનને કહે છે (શ્લોક ૧૮.૬૩)- આ ઉપદેશ મેં તને આપ્યો છે. જે તમામ રહસ્યોમાંનું સૌથી વધુ રહસ્ય છે. તેના પર ગંભીરતાથી વિચાર અને પછી તને જે ઈચ્છા હોય તે કર.’ આમ, જાગૃત, સંતુલિત, સક્રિય અને સમર્પિત જીવન જેવો મંત્ર કૃષ્ણએ માનવજાત માટે આપેલો છે. ભગવદ્ ગીતાનું આ પુસ્તક દરેકને જીવનમાં સાચો પથ બતાવશે.