અમદાવાદ : પોલીસ પર થતા કસ્ટોડિયલ ટોર્ચરના આરોપ તેમજ આરોપી પર ટોર્ચર ના થાય તે માટે ગુજરાત હાઇકોર્ટે રાજ્યનાં તમામ પોલીસ સ્ટેશનમાં હાઇડેફિનેશન ધરાવતા સીસીટીવી કેમેરા લગાવવા માટેના આદેશ કર્યા હતા. હાઇકોર્ટે કરેલા આદેશ બાદ રાજ્યનાં મોટા ભાગનાં પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે, પરંતુ અમદાવાદ શહેરમાં પશ્ચિમના વાસણા પોલીસ સ્ટેશન અને પૂર્વમાં એરપોર્ટ પોલીસ મથકમાં હજુ સુધી સીસીટીવી કેમેરા લાગ્યા નથી. વાસણા પોલીસમથકની સ્થાપનાને દોઢ વર્ષ ઉપરાંતનો સમય થયો અને એરપોર્ટ પોલીસ સ્ટેશનને પાંચ મહિનાથી વધુ સમય વીત્યો હોવાછતાં ત્યાં સીસીટીવી કેમેરા લાગ્યા નથી. આ મામલે સત્તાધીશો બચાવ કરી રહ્યા છે કે, ટેન્ડર પ્રકિયા બાદ ટૂંક સમયમાં જ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.
થોડાક દિવસ પહેલાં વટવામાં આવેલ મગદુમનગરના સાજિદ રો-હાઉસમાં રહેતા ૪પ વર્ષીય સરમુદ્દીન અબ્દુલહનીફ શેખ અને તેના સાગરીતની વરલીમટકાનો જુગાર ચલાવતા હોવાથી વટવા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કવોડની ટીમે ધરપકડ કરી હતી. સાંજે ૬.૪૦ વાગ્યે પોલીસ સરમુદ્દીનની ધરપકડ કરીને પોલીસ સ્ટેશનમાં લાવી હતી જ્યાં પીએસઓમાં એન્ટ્રી કર્યા વગર તેને સર્વેલન્સ સ્કવોડની ઓફિસમાં લઇ જવામાં આવ્યો હતો. રાતે ૯.ર૦ વાગ્યે પોલીસ કર્મચારીઓ સરમુદ્દીનને ઊંચકીને હોસ્પિટલ લઇ ગયા હતા, જ્યાં તેનું મોત થયું હતું. સરમુદ્દીનના કસ્ટડીમાં થયેલા મોતના મામલે પોલીસ પર ઘણા ગંભીર આરોપ થયા છે. વટવા પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા હોવા છતાંય તેમના પર પરિવારજનોએ આરોપ મૂક્યા હતા. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ર૬ પોલીસ સ્ટેશન આવેલાં છે જ્યારે પૂર્વમાં રર પોલીસ સ્ટેશન આવેલાં છે. આ તમામ પોલીસ સ્ટેશનમાં બે એવા પોલીસ સ્ટેશન છે, જેમાં હજુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી. પશ્ચિમમાં આવેલ વાસણા પોલીસ સ્ટેશન અને પૂર્વમાં આવેલ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં હજુ સુધી કેમેરા લગાવ્યા નથી. તા.પ મે, ર૦૧૭ના રોજ વેજલપુર પોલીસ સ્ટેશનનું વિભાજન કરીને વાસણા પોલીસચોકીની જગ્યાએ પોલીસ સ્ટેશન ઊભું કરીને તેમાં અમુક વિસ્તાર વહેંચી દેવામાં આવ્યો છે.
જા કે, વાસણા પોલીસ સ્ટેશનને દોઢ વર્ષ થઇ ગયું છતાં હજુ સુધી અહીંયાં સીસીટીવી કેમેરા લાગેલા નથી. આ મામલે સેક્ટર-૧ના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસે જણાવ્યું કે, નવું પોલીસ સ્ટેશન હોવાથી આવનારા દિવસોમાં સીસીટીવી કેમેરા લગાવી દેવાશે. આ જ પ્રકારે જુલાઇ-ર૦૧૮માં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરિસરમાં એરપોર્ટ પોલીસ સ્ટેશનનું ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જા કે, ઉદ્ઘાટનના પાંચ મહિના બાદ પણ અહીં હજુ સીધી સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી. ઝોન-૪ના ડીસીપી નીરજ બડગુર્જરે આ અંગે જણાવ્યું હતું કે, સીસીટીવી કેમેરા લગાવવા માટે ટેન્ડરની પ્રકિયા ચાલુ છે, જે થઇ ગયા બાદ સીસીટીવી લગાવી દેવાશે.