અમદાવાદ : રાજકોટના જસદણનો જંગ પ્રતિષ્ઠા અને રાજકીય તાકાતનો પરચા સમાન બની રહ્યો છે ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના નેતાઓ જસદણના કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાની તરફેણમાં પ્રચારાર્થે ઉતર્યા હતા. જેમાં સ્થાનિક દલિત સંમેલન દરમ્યાન વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ એક તબક્કે ભાજપ પર આકરા પ્રહાર અને ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, જસદણ માટે ભાજપે રૂ.૨૦ કરોડનો કોથળો ખુલ્લો મૂકયો છે. જસદણ જંગ પૈસા જારે જીતવા ભાજપ રીતસરના હવાતિયા મારી રહ્યું છે પરંતુ જસદણની જનતા કોંગ્રેસને જ જીતાડવાની છે તે નક્કી છે. જસદણ પેટાચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા એક દલિત સંમેલન યોજાયું હતું.
જેમાં વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, અને કોંગ્રેસના અગ્રણી સિદ્ધાર્થ પટેલ સહિતના દિગ્ગજો હાજર રહ્યા હતા. જેમાં પરેશ ધાનાણીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે, ભાજપના લોકો એવું માને છે કે, માત્ર રૂપિયાના જોરે ચૂંટણીઓ જીતી શકાય છે. જેને લઈને કમલમમાંથી ૨૦ કરોડ રૂપિયાનો કોથળો જસદણ પહોંચ્યો છે. જા કે, જસદણની જનતા સાથે દ્રોહ કરનાર અને કોંગ્રેસ પક્ષ સાથે વિશ્વાસઘાત કરનાર કુંવરજી બાવળિયાને જાકારો આપી જસદણની પ્રજા ભાજપને જડબાતોડ જવાબ આપશે. રાફેલ મામલે સુપ્રિમ કોર્ટને ભાજપ સરકાર દ્વારા અપૂરતા દસ્તાવેજ અપાયા હોઈ આ પ્રકારનો ચુકાદો આવ્યો હોવાની સ્પષ્ટતા પણ ધાનાણીએ કરી હતી.
દરમ્યાન ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે પણ આજે ભાજપર પર ચાબખા વરસાવ્યા હતા અને જણાવ્યું હતું કે, ખેડૂતો, અનામત બધાનું સોલ્યુશન અમે આપી દઈશું. કોંગ્રેસ પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે સદાય તત્પર છે. ભાજપ સરકાર બહાનાબાજી અને પ્રજાને ગેરમાર્ગે દોરવાનું છોડી દે. જા ભાજપ સરકાર બરોબર રીતે ચલાવી ન શકતી હોય તો સત્તા છોડી દે જેથી પ્રજાનું હિત સાચવી શકાય. કોંગ્રેસ પ્રજાની સમસ્યાઓનું સમાધાન કરવા સક્ષમ છે. આજના દલિત સમંલેન કાર્યક્રમ દરમિયાન ભરવાડ સમાજના ૨૦૦થી વધુ યુવાનો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા. આ માટે માલધારી અગ્રણી રણજીત મૂંધવા સહિતના આગેવાનોએ છેલ્લા ૧૫ દિવસથી ભારે જહેમત ઉઠાવી હતી. એકસાથે ૨૦૦ યુવાનો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં કેસરિયો છોડી પંજા સાથે જોડાતા જસદણનું સ્થાનિક રાજકારણ ગરમાયુ છે.