૧૪મી ગુજરાત વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યએ આજે નવા ચૂંટાયેલા ધારાસભ્યોને અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા બાદ શપથવિધિ માટે આમંત્રણ આપ્યું હતું. સ્વર્ણિમ સંકુલ-૧ના સાબરમતી ખંડમાં કાર્યરત વિધાનસભામાં સૌ પ્રથમ મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ ધારાસભ્યપદ અને કર્તવ્યના શપથ લીધા હતા. ત્યાર બાદ નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલે શપથ લીધા હતા. વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ગણપતસિંહ વસાવા અને ત્યાર બાદ કેબિનેટકક્ષાના મંત્રીશ્રીઓએ શપથ લીધા હતા. કેબિનેટ મંત્રીઓ પછી વિપક્ષના નેતા પરેશભાઇ ધાનાણી અને ત્યારબાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ શપથ લીધા હતા. ત્યાર બાદ રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓએ, મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ, નાયબ મુખ્ય દંડક આર.સી.પટેલ, દંડક ભરતસિંહ ડાભીએ શપથ લીધા હતા. ત્યાર બાદ વિધાનસભાના મહિલા ધારાસભ્યશ્રીઓએ અને પછીથી વિધાનસભાની બેઠકોના ક્રમાનુસાર ધારાસભ્યશ્રીઓએ શપથ લીધા હતા.
બપોરે ૧૨-૦૦ વાગ્યે વિધાનસભા ગૃહની કાર્યવાહીનો આરંભ થતાં કાર્યકારી અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યએ ધારાસભ્યોને શપથ માટે આહવાન કરતાં જણાવ્યું હતું કે, ચૂંટણી કમિશનરશ્રી પાસેથી ચૂંટાયેલા સહુ સભ્યોની યાદી મળી છે, અને કાયદાથી સ્થાપિત પ્રણાલિકા પ્રમાણે સહુ સભ્યોને સોગંદ લેવા માટે હું આમંત્રણ આપું છું. તેમણે સહુ સભ્યોનું હાર્દિક સ્વાગત કરીને અભિનંદન-શુભકામનાઓ પાઠવ્યા હતા.
મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલ, કેબિનેટ મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ સહિત તમામ ધારાસભ્યોએ શપથ લીધા હતા કે, ‘‘વિધાનસભાના સભ્ય ચૂંટાવાથી સોગંદ લઉં છું કે, કાયદાથી પ્રસ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને જે કર્તવ્ય હું સ્વીકારી રહ્યો છું તે નિષ્ઠાપૂર્વક બજાવીશ’’
ધારાસભ્યોએ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષામાં પણ શપથ લીધા હતા. ધારાસભ્યોએ શપથ લીધા પછી કાર્યકારી અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય સાથે હસ્તધૂનન કરીને અભિવાદન કર્યું હતું અને ત્યાર બાદ શપથ પર હસ્તાક્ષર કર્યા હતા.