દુબઇઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આજે પ્રતિષ્ઠિત સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી આઇસીસી ક્રિકેટર ઓફ ધ યર ૨૦૧૭ માટે ભારતીય ક્રિકેટ ટીમના સુકાની અને રન મશીન વિરાટ કોહલીના નામની જાહેરાત કરવામાં આવી છે.
વિરાટ કોહલીએ આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ પણ મેળવ્યો છે. આઇસીસી ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર માટે સ્મિથના નામની જાહેરાત કરવામાં આવી છે.
૨૧ સપ્ટેમ્બર ૨૦૧૬ થી ૩૧ ડિસેમ્બર, ૨૦૧૭ સુધી વોટીંગ કરવામાં આવ્યું હતુ અને વિજેતાઓની પસંદગી વોટીંગ એકેડમી દ્વારા કરવામાં આવી હતી, જેમાં મિડીયાના આદરણીય સભ્યો, કોમેન્ટ્ટોર્સ, ટેસ્ટ રમતા ૧૨ દેશોના ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કોહલી સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી (૨૦૦૪થી) જીતનાર ૧૩મો ખેલાડી છે. વોટિંગ ગાળા દરમિયાન તેણે ૧૮ ટેસ્ટમાં ૮ સદી અને ૩ અડધી સદીની મદદથી ૨,૦૨૩ રન બનાવ્યા હતા. ૩૧ વનડેમાં ૭ સદી અને ૯ અડધી સદીની મદદથી ૧,૮૧૮ રન બનાવ્યા હતા અને ૧૦ ટી-૨૦ મેચમાં ૧૫૨.૫૫ની સ્ટ્રાઇક રેટથી ૨૯૯ રન બનાવ્યા હતા.
આ પહેલાં પણ કોહલીએ ૨૦૧૨માં આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ મેળવ્યો હતો. કોહલી એવો પ્રથમ ખેલાડી જેણે એક જ વર્ષમાં સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી અને આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ મેળવ્યો છે.
આનંદિત વિરાટ કોહલીએ જણાવ્યું કે આ મારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે કે મે એક જ વર્ષમાં સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી માટે ક્રિકેટર ઓફ ધ યર અને આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ મેળવ્યો છે. મે ૨૦૧૨માં પ્રથમ વાર આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ મેળવ્યો હતો અને હવે પ્રથમવાર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી મેળવી છે. હું અન્ય વિજેતાઓને તેમની સિદ્ધિ માટે અભિનંદન પાઠવું છું.