અમદાવાદ : ગુજરાતમા વધુ એક ખેડૂતે આર્થિક સમસ્યા સામે હારી ગયો, અને તેણે મોત વ્હાલુ કર્યું. સુરેન્દ્રનગર સાયલા તાલુકાના સાંગોઇ ગામના ખેડૂતે કપાસનો પાક નિષ્ફળ જતા ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. છેલ્લા ૧૫ દિવસમાં સાયલા તાલુકામાં પાક નિષ્ફળ જતાં બીજા ખેડૂતે આત્મહત્યા કરી છે. છેલ્લા ત્રણ મહિનામાં જાઇએ તો, ૧૭થી વધુ ખેડૂતોએ રાજયમાં આત્મહત્યા કરી છે. આમ, રાજયભરમાં એક પછી એક ખેડૂતોની આત્મહત્યાને પગલે ભારે ચકચાર મચી ગઇ છે.
બીજીબાજુ, પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ભાજપ સરકાર વાયબ્રન્ટ અને અંગત પ્રસિÂધ્ધ પાછળ કરોડો રૂપિયાના તાયફા અને ખર્ચા કરવામાં પડી છે અને બીજીબાજુ, ખેડૂત પાક અને પાકવીમાની નિષ્ફળતાની ગર્તામાં ધકેલાઇ આત્મહત્યા કરવા મજબૂર બની રહ્યો છે તેમછતાં ગુજરાતની આ સંવેદનહીન સરકારના પેટનું પાણી હાલતું નથી. સત્તાના નશામાં કૃષિવિરોધી નીતિ થકી ખેડૂતોને આત્મહત્યા કરવા પ્રેરી રહેલી ભાજપ સરકારને ખેડૂતોની હાય લાગશે. આગામી લોકસભાની ચૂંટણીમાં ખેડૂતો અને સમગ્ર ગુજરાતની જનતા ભાજપની સરકારને જારદાર જવાબ આપશે તે નક્કી છે. ખેડૂતની આત્મહત્યા અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના સાંગોઇના મનસુખ કરસનભાઇ નામના ખેડૂતે આપઘાત કરીને મોત વ્હાલુ કર્યું હતું. ખેડૂતને સંતાનોમાં ૩ દિકરી અને બે પુત્ર છે. સાત વીઘા જમીનમાં કપાસનો પાક નિષ્ફળ જતા ખેડૂતે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. ખેડૂતના મૃતદેહને પીએમ અર્થે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતો. આ ઘટનાને પગલે ખેડૂત પરિવારમાં અને સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી.
બીજીબાજુ,સાંગોઈના અન્ય ખેડૂતો પણ ચિંતામાં ડુબ્યા હતા કારણ કે, છેલ્લા ૧૫ દિવસમાં ખેડૂતના આત્મહત્યા કરવાની આ બીજી ઘટના છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૩ મહિનામાં ૧૭ થી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. જેનું કારણ પાકમાં મળતી નિષ્ફળતા છે. રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં પાણીની સમસ્યાને લઈને ખેડૂતોને રડવાનો વારો આવી રહ્યો છે. આ મામલે અનેક ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો છે. તાજેતરમાં જ સુરેન્દ્રનગર પંથકમાં ખેડૂતોએ રવિ પાક માટે સિંચાઈનું પાણી આપવાની માંગ કરી હતી. લખતર તાલુકાના ખેડૂતોએ મામલતદાર કચેરીમાં હોબાળો કર્યો હતો. જગતના તાતને હવે પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે, ખેતીવાડી છોડીને તેમણે સરકારી ઓફિસોના ચક્કર લગાવવા પડી રહ્યાં છે. એક પછી એક ખેડૂત આત્મહત્યા કરી રહ્યા હોઇ હજુ સુધી ભાજપ સરકાર દ્વારા કોઇ જ નક્કર સંતોષકારક જાહેરાત કરાઇ નથી તેને લઇને પણ ખેડૂતઆલમમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. એટલું જ નહી, ભાજપ સરકારના આ સંવેદનહીન વલણને લઇ ખેડૂતઆલમમાં ઉગ્ર આક્રોશની લાગણી ફેલાયેલી જાવા મળી રહી છે.