ગમતાનો કરીએ ગુલાલ
” વતનનીધૂળથી માથું ભરી લઉં આદિલ,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે, ”
-શ્રી આદિલ મનસુરી
કવિએ આ શેરમાં પોતાનો વતન પ્રત્યેનો પ્રેમ આદર વ્યક્ત કર્યો છે. અહીં વતન શબ્દ બે જૂદાજૂદા અર્થમાં લેવો પડે તેમ છે. આપણે આઝાદ થયા તે પછીના અરસામાં ઘણાં ગામોમાંથી લોકો ધંધા રોજગાર અર્થે મુંબઇ ગયા હતા અને અજે ય તે લોકો ત્યાં સારી રીતે સેટલ થયેલા છે. આવો લોકો ઉનાળામાં કે દિવાળીના અરસામાં ગામડે આવે ત્યારે પોતે વતનમાં કે દેશમાં પાછા અવ્યા છે તેવો શબ્દ પ્રયોગ કરતા. જો કે આજે હવે આવો શબ્દ પ્રયોગ ઘટી ગયો છે કેમ કે એ વખતે વાહનવ્યવહારની ઓછી સુવિધાને લીધે મુંબઇઘણુ દૂર દેશાવર જેવું લાગતું.
આજે ય મુંબઇ તો જ્યાં હતું ત્યાં જ છે પણ હવે પહેલાંના કરતાં ઓછા સમયમાં ત્યાં પહોંચી જવાય છે અને અવાય પણ છે. જે લોકો વતનથી દૂર જતા હોય છે તેમને પોતાના ગામના વસવાટની, ઘરની , ખેતરની નદી કે તળાવની ખૂબ યાદ આવતી હોય છે. આવા લોકો પોતાના વતનને સાથે કઇ રીતે લઇ જઇ શકે તેની એક સુંદર કલ્પના કવિએ કરી ને જણાવ્યું છે કે તે પોતાના વતનનીધૂળને માથે ચઢાવી લેવા માગે છે કેમ કે પછી કદાચ પોતાની ધંધાકીય વ્યસ્તતાને લીધે વતનમાં પાછા ન પણ આવી શકે તો પોતે વતનને ગુમાવી દીધું છે તેવો દુ:ખભર્યો અહેસાસ ન થાય.વતનની ધૂળ તેને ઘણો બધો અહેસાસ સતત કરાવ્યા જ કરવાની છે.
વતન માટે બીજો અર્થ ભારત દેશને છોડીને કાયમ માટે બીજા દેશમાં ચાલ્યા જતા લોકો માટે અને કદાચ દેશને માટે યુધ્ધ્ભૂમિમાં જઇને પોતાના પ્રાણની આહુતિ આપનારા સૈનિકો માટેનો પણ છે. તેમને પણ પોતાના વતનની મિટ્ટી પોતાના માથે ચઢાવવાનું થાય એ પણ એટલું જ સ્વાભાવિક છે. પોતાની જન્મ્ભૂમિ કોઇને સદાને માટે છોડવી પડે તો સ્વાભાવિક છે કે તે પોતાના વતનની માટી( સંસ્મરણો વગેરે)ને તો કમસે કમ પોતાના શિરે ધારણ કરી લે.
- અનંત પટેલ