હિન્દુ કેલેન્ડર અનુસાર મહા મહિનાનાં શુક્લ પક્ષની એકમથી ગુપ્ત નવરાત્રિ શરુ થાય છે. એક માન્યતા અનુસાર વર્ષમાં નવ નવરાત્રિ આવે છે. જેમાં ચાર નવરાત્રિ મોટી ગણાય છે.
- મહા મહિનાની નવરાત્રિ – જેમાં મહા સરસ્વતીની ઉપાસના થાય છે.
- ચૈત્ર મહિનાની નવરાત્રિ – જેમાં મહાકાલીની ઉપાસના થાય છે.
- અષાઢ મહિનાની નવરાત્રિ – જેમાં મહા લક્ષ્મીની ઉપાસના થાય છે.
- આસો મહિનાની નવરાત્રિ – જેમાં દુર્ગાની ઉપાસના થાય છે.
આ ચાર નવરાત્રિની ઉપાસનામાં મૂળ તો સતિ એટલે કે પર્વત પુત્રી પાર્વતીનો જ મહિમા હોય છે. આ નવ નવરાત્રિનો ઉલ્લેખ શ્રી વેદ વ્યાસે દેવી ભાગવતમાં કર્યો છે. જેને ભગવતી ભાગવત પણ કહેવામાં આવે છે. જે વેદ વ્યાસ લિખિત 18 પુરાણોમાનો એક છે.
કથા અનુસાર શ્રી હરિ વિષ્ણુએ સૌ પ્રથમવાર ભુવનેશ્વરીનો યજ્ઞ કર્યો હતો. દેવીએ પ્રસન્ન થઈને વિષ્ણુને સમગ્ર કામના પૂર્ણ થાય તેવું વરદાન આપ્યું. આ જોઈને મુનીઓ અને બ્રાહ્મણોને પણ થયું કે કોઈ પણ કામના પૂર્ણ કરવા માટે દેવી ભગવતીની ઉપાસના કરવી જોઈએ. ત્યારથી લોકો ભગવતીની ઉપાસના કરવા આ ચાર નવરાત્રિ કરે છે. તેમાં વિધિવત ભગવતિ દેવીની પૂજા અને ઉપાસના કરે છે.
ચાર નવરાત્રિમાં આ નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ એટલે પણ કહેવામાં આવે છે કેમકે આ નવરાત્રિમાં મા સરસ્વતિની ઉપાસના કરવામાં આવે છે. આ ઉપાસનામાં સાધકો મંત્રો અને તંત્ર વિધિને સજાગ્રત કરીને જ્ઞાન પ્રાપ્ત કરે છે. ગુપ્ત નવરાત્રીમાં સાધકો એકાંતવાસમાં જઈને પણ મંત્ર સાધના અને તાંત્રિક વિધિ કરતા હોય છે. આમ કરીને તેઓ અસાધારણ શક્તિઓ તથા જ્ઞાન પ્રાપ્ત કરતા હોય છે. આ નવરાત્રિમાં આસામનાં કામાખ્યા દેવી, બગલામુખી, દેવી ભગવતી, ત્રિપુરાસુંદરી તથા સરસ્વતી દેવીની ઉપાસના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.
આ નવ દિવસ તમે દેવી ઉપાસના કરીને મનવાંચ્છિત ફળ મેળવી શકો છો.
આ નવરાત્રિ 18 જાન્યુઆરી 2018થી લઈ 26 જાન્યુઆરી 2018 સુધી ચાલશે.