નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે. કે, ખેડુતોના હિતને વરેલી રાજ્ય સરકારે રવિ સિઝન અંતર્ગત ખેડુતોને સિંચાઇ માટે પાણી આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. તે મુજબ ૧૨ નવેમ્બર થી દૈનિક ૧૯૯૨૦ ક્યુસેક પાણી મુખ્ય નહેર મારફત તમામ ૩૯ શાખાઓમાં છોડવામાં આવી રહ્યુ છે. પટેલે ઉમેર્યુ કે ચાલુ સાલે સરદાર સરોવર યોજનાના કમાન્ડ વિસ્તારની તમામ શાખા નહેરોમાં રવિ સિંચાઇ માટે પાણી આપવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું હતું તે મુજબ પાણી આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. હાલમાં ડેમમાંથી મુખ્ય નહેર મારફતે ૧૯૯૨૦ કયુસેકસ પાણી યોજનાની તમામ ૩૯ શાખા નહેરોમાં સિંચાઇ માટે છોડવામાં આવી રહ્યુ છે. જે છેવાડા વિસ્તાર સુધી પંહોચી ગયુ છે.
બાકી રહેતી ૧૦૦ કિ.મી.કરતાં વધુ લંબાઇ ધરાવતી ૬ શાખા નહેરોમાં પણ સત્વરે પાણી પહોંચાડવાના પૂરતા પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, હક્ક ધરાવતા ખેડૂતોને સમયસર પાણી આપી શકાય તે માટે શાખા નહેરો અને વિશાખા નહેરોમાં ગેરકાયદેસર/બિનઅધિકૃત રીતે પાણી લેતા વ્યક્તિઓ વિરૂદ્ધ કડકાઇથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને નહેર, દરવાજા જેવી સરકારી મિલકતને નુકસાન પહોંચાડી ગેરકાયદેસર રીતે પાણી લેતા વ્યક્તિઓ વિરૂદ્ધ ૩૭ જ્ગ્યા પર પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.
ધાંગ્રધા શાખા નહેરમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાના વેગડવાવ ગામે સાયફોન પાસેથી બિનઅધિકૃત પાણી લઇ ખારી નદીમાં પાણી વહેવડાવી પાણીનો બગાડ કરતા વ્યક્તિઓ વિરૂદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.