અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે સમગ્ર રાષ્ટ્રને એકતા અને અખંડિતતાના તાંતણે બાંધનાર સરદાર સાહેબ સમગ્ર દેશ અને વિશ્વ માટે એકતાના પ્રતિક સમાન છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે સરદાર સાહેબ ન હોત તો આજે ભારતનો નકશો કંઇક અલગ જ હોત. રાષ્ટ્રશિલ્પી સરદાર સાહેબે આગવી કુનેહ અને દિર્ઘદ્રષ્ટિથી રાષ્ટ્રનું એકીકરણ કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સરદાર જન્મભૂમિ નડીઆદ ખાતે રાજયવ્યાપી એકતાયાત્રાનું સમાપન કરાયું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આઝાદી બાદ કાશ્મીર સિવાય દેશી રાજયોને ભારતમાં સમાવવાનું કામ સરદાર સાહેબને સોંપવામાં આવ્યું હતું. જે તેમણે સુપેરે પાર પાડયું હતું. સરદાર સાહેબને કાશ્મીર રાજયની જવાબદારી સોંપવામાં આવી હોત તો આજે કાશ્મીરની સમસ્યા ન હોત તેમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે દેશની પ્રગતિનો આધાર સમાજીક એકતા અને સમરસતા પર છે. એકતા ભાવથી ભારતમાતા પ્રત્યેનો ભાવ જાગૃત કરી સૌને રાષ્ટ્રહિત માટે કામ કરી ભારત માતાને પરમ વૈભવના શિખરે પહોંચાડવા તેમણે આહ્વવાન કર્યું હતું. એકતા યાત્રાના માધ્યમથી સરદાર સાહેબનો એકતા અને અખંડિતતાનો સંદશો જન-જન સુધી પહોંચાડયો છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. કેવડીયા ખાતે નિર્માણ થયેલ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર રાષ્ટ્ર સહિત વિશ્વમાં એકતાનો સંદેશાનો પર્યાય બની એક-નેક અને પ્રગતિ વિકાસ માટે સંદેશો ફેલાવશે તેમ જણાવતાં મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે ગુજરાતે સમગ્ર દેશને વિવિધ ક્ષેત્રોમાં દિશા બતાવી છે ત્યારે દેશની એકતા અને અખંડિતતા માટે સરદાર સાહેબ કંડારેલી કેડી પર આપણે સૌ ચાલીશું તો તેમને સાચી શ્રધ્ધાંજલિ આપી ગણાશે. ચરોતર પ્રદેશ સમગ્ર ગુજરાતમાં સરદાર સાહેબના એકતાના મંત્રને સાકાર કરવા કટિબધ્ધ બનશે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે સરદાર પટેલે તેમની કુનેહ અને દીર્ઘદ્રષ્ટીથી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતુ. સરદાર પટેલના આદર્શો અને એકતા અખંડિતતા નો ભાવ જન-જન સુધી પહોંચે તે જરૂરી છે. મુખ્યમંત્રીએ સરદાર પટેલે ૫૬૨ રજવાડાઓને એક કરીને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યું તેનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, દેશની એકતાના ભોગે કંઈ નહીનો સંકલ્પ લઈએ. રાષ્ટ્રહિતને સર્વોપરી બનાવી ભારત માતાના ઉત્કર્ષ માટે જીવવાનો અને એકતાનો ભાવ જન-જનમાં જગાવવા માટે આ એકતા યાત્રાનું આયોજન કરાયું હતું. તેમણે ઉમેર્યું કે, ભાવિ પેઢી પણ સરદાર પટેલના આદર્શોમાંથી પ્રેરણા લે અને ભારતવાસીઓ એકતા-અખંડિતતા માટે કટિબધ્ધ બને તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાયું છે.
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાની સૌએ નોંધ લીધી છે એટલું જ નહીં વિદેશોમાં પણ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ચર્ચા થઇ રહી છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતુ કે, જો સરદાર પટેલ ન હોત તો ? આજે આપણે સોમનાથના દર્શન કરવા કે જૂનાગઢના સિંહ જોવા પણ વિઝા લેવા પડત. પણ સરદાર પટેલની કુનેહના કારણે આપણે હૈદરાબાદ, જૂનાગઢ – સોમનાથ કે દેશ આખામાં વિહાર કરી શકીએ છીએ. મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, દેશ માટે સમર્પિત થનારા મહાપુરુષોનું સમર્પણ દેશની ભાવિ પેઢી જાણે તે જરૂરી છે. પૂ.ગાંધીજી , સરદાર સાહેબ, ડા. આંબેડકર, વિર સાવરકર, ડા. શ્યામજી કૃષ્ણ વર્મા જેવા રાષ્ટ્ર પુરૂષોના ત્યાગ – બલિદાન- સમર્પણને ઈરાદાપૂર્વક વિસારે પાડવાના કે હાંસિયામાં ધકેલવાના પ્રયાસો કદી સફળ થવા નહી દઈએ તેવો દ્રઢ નિર્ધાર અમારી સરકારે કર્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહાપુરુષોના બલિદાન સમર્પણને વિશ્વ સમક્ષ ઉજાગર કર્યા છે એમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ સ્વ.વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇજીની યે દેશ ભૂમિ કા ટુકડા નહીં, જીતા જાગતા રાષ્ટ્રપુરૂષ હૈ… કવિતાનું સ્મરણ કર્યું હતું.