અમદાવાદ : આજથી અમદાવાદ સહિતની રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાયોમેટ્રિક સિસ્ટમથી હાજરી ફરજિયાત કરાઈ હતી. સેન્ટ્રલ અટેન્ડન્સ સીસ્ટમ આજથી લાગુ કરવામાં આવી છે. તેથી હવે ચાલુ ફરજ પર ગુલ્લી મારતા શિક્ષકોનું હવે આવી બનશે. તગડો પગાર લઈને શિક્ષકો શાળાઓમાં અનિયમિત તથા વારંવાર ગેરહાજર રહેતા હોવાનું ધ્યાને આવતાં રાજય સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. સરકાર હવે શિક્ષકોની હાજરીને લઇ ગંભીર બની છે અને તેથી આ નવતર સીસ્ટમથી બાજ નજર રાખવાનો નિર્ણય કર્યો છે. શાળાઓમાં ફીંગરપ્રિન્ટથી જ હાજરી પુરવાની કામગીરી શરૂ થતાં હવે શિક્ષકોનાં ડીંડક બંધ થશે એટલું જ નહીં, શાળામાં રોજ કેટલા વિદ્યાર્થીઓ આવે છે તેની માહિતી પણ રોજેરોજ સરકારને મળશે.
તેથી નામ માત્રના ચોપડે રહેતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ હવે છાની રહેશે નહીં. રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષકની ગુણવત્તા સાથે શિક્ષકોની અનિયમિતતા અંગે વારંવાર અને વ્યાપક ફરિયાદો ઊઠતી હતી. દૂર-દૂરના ગામોની શાળાઓ તો ઠીક, પરંતુ શહેરી વિસ્તારની શાળાઓના રેઢિયાળ તંત્રથી શિક્ષકો માટે વારંવાર વાલીઓ દ્વારા ફરિયાદો વિભાગને મળતી હતી આ સમસ્યાથી છુટકારો મેળવવા હવે શિક્ષણ વિભાગે રાજ્યભરની સરકારી શાળાઓમાં શિક્ષકોની હાજરી પૂરવા ફિંગર પ્રિન્ટ મશીનો મૂકવાનો નિર્ણય કર્યો હતો, જેનો આજથી અમલ શરૂ કરાયો હતો. દરેક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજરી આપશે તેની પૂરેપૂરી માહિતી સરકાર રોજેરોજ મેળવશે. તેથી શાળાઓમાં ચાલતી લાલિયાવાડી દૂર થશે. સેન્ટ્રલ અટેન્ડન્સ સિસ્ટમ અનુસાર તમામ શિક્ષકોએ બાયોમેટ્રિક મશીનમાં તેમની અટેન્ડન્સ ભરવી પડશે. સમગ્ર મહિના દરમિયાન એકત્ર થયેલો ડેટા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ મોકલાશે. ડેટાનું સમયાંતરે મોનીટરરિંગ થશે અને ગુલ્લી મારતા શિક્ષકો સામે કાર્યવાહી થશે. શાળાઓમાં બાયોમેટ્રિક હાજરી ઉપરાંત શાળાઓના આચાર્યોને સ્માર્ટ ફોન આપવામાં આવ્યો છે. આ સ્માર્ટ ફોનથી આચાર્ય શિક્ષણ વિભાગ તથા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી સાથે સંપર્કમાં રહેશે. આ ઉપરાંત સરકારે એક એપ્લિકેશન બનાવી છે, જેના માટે દરેક શાળામાં એક શિક્ષકને જવાબદારી સોંપાઈ છે, જે આ એપ્લિકેશના માધ્યમથી શાળામાં કેટલા વિદ્યાર્થીઓ આવ્યા અને કેટલા શિક્ષકો આવ્યા તેની એન્ટ્રી પાડીને અપલોડ કરશે.
આ એન્ટ્રીની પછીથી વિભાગ દ્વારા ખરાઈ પણ કરશે. આ સિસ્ટમનો સંપૂર્ણ અમલ થતાં એક મહિના જેટલો સમય લાગશે તેવું પ્રાથમિક શિક્ષણ નિયામક એમ. આઈ. જોશીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે આ સિસ્ટમના કારણે લાંબા સમય સુધી ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓની જાણકારી મળશે. કયા શિક્ષકે કેટલી રજા લીધી તે પણ જાણવા મળશે. તેથી સરકારી શાળામાં નોંધાયેલા હોય પણ શાળાએ ન જતા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટશે. શાળાઓમાં નિયમિત પણે સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવશે. આ નિર્ણયથી સરકારી પ્રાથમિક શાળાઓમાં નિયમિતતા અને ચોકસાઇ વધશે તે નક્કી છે.