શાહીબાગ : છરીની અણીએ વાહન ચાલકને લૂંટી લેવાયો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ :  શહેરનાં શાહીબાગ વિસ્તારમાં બે દિવસ પહેલાં મોડી રાતે એક વિદ્યાર્થીને છરી બતાવીને ૮પ હજારની લૂંટ ચલાવતા ત્રણ શખ્સો વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઇ છે. કારમાં આવેલા લૂંટારુઓએ વિદ્યાર્થીનું એકટીવા આંતરી લીધું હતું અને સોનાની ચેઇન તેમજ વીંટી બળજબરીપૂર્વક કઢાવી લીધાં હતાં, સનસનાટીભરી લૂંટ બાદ ત્રણેય આરોપીઓ ત્યાંથી નાસી છૂટયા હતા. જા કે, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને સ્થાનિક રહીશો અને વિદ્યાર્થીઓ તેમ જ વાલીઓમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ નિરંજન સોસાયટીમાં રહેતા અને બીએસસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતા પ્રિયંક પટેલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ કરી છે. બે દિવસ પહેલાં પ્રિયંક તેના બે મિત્રો સાથે કેમ્પ સદર બજાર ખાતે આવેલી એક રેસ્ટોરાંમાં જમવા માટે આવ્યાં હતાં. જમીને બહાર નીકળ્યા ત્યારે એક કારમાં ત્રણ-ચાર લોકો આવ્યા હતાં અને તારે મરવું છે, જોઇને ચાલ તેમ કહીને બબાલ કરવા લાગ્યા હતા.

પ્રિયંક તેના મિત્રો સાથે નીકળી ગયો હતો, જો કે કારચાલકે તેમનો પીછો કર્યો હતો. શાહીબાગ સર્કલ પાસે કારચાલકે પ્રિયંકનું એક્ટિવા આંતરી લીધું હતું અને તેઓ ચપ્પુ તેમજ ધોકા લઇને બહાર નીકળ્યાં હતાં. ચપ્પુ જોઇને પ્રિયંકનાં મિત્રો સંતાઇ ગયા હતાં જ્યારે અન્ય શખ્સોએ પ્રિયંકની ચેઇન તેમજ વીંટી લૂંટી લીધાં હતાં. લૂંટારુઓ પ્રિયંકના હાથમાં દંડો મારીને વીંટી કાઢી લઇને નાસી ગયા હતાં. કારમાં આવેલા ત્રણેય શખ્સોએ પ્રિયંક પાસેથી ૮પ હજારની લૂંટ કરી હતી. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. શાહીબાગ પોલીસે વિદ્યાર્થીની ફરિયાદના આધારે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

 

 

 

Share This Article