અમદાવાદ : નવા વર્ષમાં વધુ સારી રીતે ટીમ વર્કથી સાથે મળીને કામ કરીને ગુજરાતને સાચા અર્થમાં પોષણયુક્ત બનાવવા સંકલ્પબદ્ધ બનીએ તેમ, મહિલા અને બાળ વિકાસ મંત્રી ગણપત વસાવાએ ગાંધીનગર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આયોજિત નવ વર્ષ સંકલ્પ મિલન સમારોહમાં ઉપસ્થિત મહિલા અધિકારીઓને અનુરોધ કર્યો હતો. મંત્રીએ કહ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહિલાઓ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે રાજ્યમાં વર્ષ ૨૦૦૨માં મહિલા અને બાળ વિકાસ વિભાગ અલગ કરવામાં આવ્યો હતો.
જેનાં પરિણામે આજે આ વિભાગ માટે અલગથી બજેટ ફાળવવામાં આવતું હોવાથી મહિલા-બાળ વિકાસના અનેક આયામો ચાલી રહ્યા છે. વિભાગની ઉત્તમ કામગીરીને ધ્યાને લઇને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને અનેક એવોર્ડ પણ આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારે સીડીપીઓની ૮૦ ટકા જગ્યાઓ ભરી દીધી છે અને બાકી જગ્યાઓ બનતી ત્વરાએ ભરવામાં આવશે. આ વર્ષમાં ૧૦૦૦ નવી આંગણવાડીઓ બનાવવાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. ૨૬ કરોડના ખર્ચે આંગણવાડી કાર્યકર બહેનો માટે અંદાજે ૫ લાખથી વધુ સાડીઓ આપીને નવી ઓળખ અપાશે. બાળકો માટે ખાસ પ્રકારના ડ્રેસ ડિઝાઇન કરવામાં આવ્યા છે.