અમદાવાદ : સુરતમાં ગોપીપુરા જૈન ઉપાશ્રયમાં સાધ્વી સાથે રાત્રિના સમયે થયેલી છેડતીની ઘટનાથી જૈન સમાજમાં ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠયો છે. ઉપાશ્રયમાં રાત્રિના સમયે મહિલા સાધ્વીઓ સૂતા હતા તે દરમિયાન થયેલી છેડતીથી પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતાં જૈન સમુદાયના અગ્રણીઓ દ્વારા હવે સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવશે. ગોપીપુરા જૈન ઉપાશ્રયમાં મહિલા સાધ્વીઓ એકલા હોવાથી રાત્રિના સમયે તાળાં મારી દેવામાં આવ્યાં હતાં ત્યારે જૈન ઉપાશ્રયમાં ઉપરથી કુદીને આવેલા ઈસમે મહિલા સાધ્વીની છેડતી કરી નાસી છૂટ્યો હતો. આ અંગે જૈન સમુદાયના લોકોએ અઠવા પોલીસમાં નોંધ કરાવી હતી.
કોઈ ચોર ઈસમ ચોરીના ઈરાદે આવીને મહિલા સાધ્વી સાથે અભદ્ર વર્તન કરી ગયો હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે એક જૈન અગ્રણીએ જણાવ્યું હતું કે, ચોક્કસ પ્રકારના લોકો આ પ્રકારના કૃત્યો કરે છે. પ્રાપ્ત માહિતી મુજબ, ગોપીપુરા જૈન ઉપાશ્રય ખાતે સાધ્વી ઊંઘી રહ્યા હતા ત્યારે કોઈ અજાણી વ્યક્તિએ તેમની છેડતી કરી હતી. ઉપાશ્રાય ખાતે બીજા માળે સાધ્વીઓ રહે છે. કોઈ અજાણ્યા શખ્સે રાત્રે સાધ્વીના કપડાં ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. તેમની સાથે શારીરિક છેડછાડનો પણ પ્રયાસ કરાયો હતો. જૈન સાધ્વીએ બૂમાબૂમ કરી મૂકતા અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતો. જૈન અગ્રણીઓએ જણાવ્યું હતું કે, બે મહિનામાં આ ત્રીજી ઘટના સામે આવી છે. આ જ વિસ્તારના અમુક ચોક્કસ લોકો મહિલા સાધ્વીઓને હેરાન કરવા માટે અભદ્ર વર્તન કરતાં હોવાનું સામે આવ્યું છે. અગાઉ એક મહિલા સાધ્વીના કપડા ખેંચી લેવાની પણ ઘટના બની હતી. જો કે,તે સમયે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી નહોતી જેથી આ લોકોની હિમત વધી ગઈ હોય તેમ લાગી રહ્યું છે.
જા કે, સાધ્વીની છેડતીથી અકળાયેલા જૈન સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, તેઓ શ્રી સંઘના નેજા હેઠળ સુરત પોલીસ કમિશનરને મળીને રજૂઆત કરશે. આ પ્રકારની ગંભીર ઘટનાઓ ન બને તે માટે પોલીસનું પેટ્રોલિંગ વધારવા સહિતની સુરક્ષાની માંગણી કરવામાં આવશે. અમે ઉપાશ્રય બહાર સિક્યુરીટી ગાર્ડ રાખ્યા છે. જો કે, હાલ દિવાળીની રજામાં તેઓ બહાર ગયા છે. બીજું કે મહિલા સાધ્વીઓ લાઈટનો ઉપયોગ કરતી નથી. તેથી હોલમાં જ્યારે તેઓ સૂતા હતાં ત્યારે કોઈ ચોક્કસ લોકો જ આવ્યા હતાં ઉપરથી કુદીને આવીને છડતી કરી હોવાથી તેઓ કોઈ જાણભેદુ હોય તેવું લાગી રહ્યું છે. આ ઘટનાને લઇ સમગ્ર જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા.