દોસ્તો, અનેક ટાપુઓ વાળાદેશની વાતો પણ થોડી લાંબી થશે. આજે આપણે વાત કરવાની છે ઈન્ડોનેશિયાની રાજધાની ના ટાપુ “જાવા”ની. જાકાર્તા નું નામ તો તમે સાંભળ્યું હશે. હા તો એ જાકાર્તા જ ઈન્ડોનેશિયાની રાજધાની છે. તે જાવા ટાપુ ઉપર આવેલી છે. અને તે સૌથી વધુ વસ્તી ધરાવે છે. બાલી ને તેની આગવી વિશેષતા છે, તો જાકાર્તા પણ પોતાનું સ્વતંત્ર મહત્વ ધરાવે છે. અહી આવેલું નેશનલ મોન્યુમેન્ટ એક મહત્વ નું બાંધકામ છે. આ ટાવર તે ઈન્ડોનેશિયાની સ્વતંત્રતા માટે બલિદાન આપનારાઓ ના માનમાં બંધાયેલું છે. તે ટાવર ઉપર ચડી તેની ઓબ્ઝરવેટરીમાંથી શહેરનો સુંદર નજારો જોઈ શકાય છે.
સ્થાપત્ય અને વ્યુ જોઇને થાક્યા હો તો ચાલો ANCOL DREAMLAND આ એક મજાનો થીમપાર્ક છે. જોતમે નાના બાળકો સાથે પ્રવાસ કરતાં હો કે પછી તમેપોતેજ બાળક બની ને મજા કરવા માંગતા હો તો આ થીમ પાર્કની જરૂર મુલાકાત લેજો. અહી ગોલ્ફનું મેદાન,બોલિંગ,વોટર પાર્ક,ફેન્ટસી વર્ડ અને ઓશન ડ્રીમ સમુદ્ર, બીચ બધુ જ આવેલું છે.
ઇસ્લામિક દેશમાં વિશાળ મસ્જીદ ના હોય તેવું તો બનેજ નહિ. દક્ષિણ પૂર્વીય દેશોની સૌથી મોટી મસ્જીદ અહી આવેલી છે. લગભગ બે લાખ લોકો એકસાથે નમાજ પઢી શકે છે. તે એક સુંદર ઈમારત છે. તો અહી આવેલું જકાર્તાનું ચર્ચ પણ એવીજ એક સુંદર અને મહત્વની ઈમારત છે. પાટનગરમાં નેશનાલ મ્યુઝીયમ હોવું અતિ સ્વાભાવિક છે. ઈન્ડોનેશિયાની લડત, સંસ્કૃતિક વરસો વગેરે ને કાળજી પૂર્વક સંભાળવામાં આવ્યા છે. હા આજે ભલે તેઓએ મુસ્લિમ ધર્મ અપનાવ્યો છે, પણ તેમને પોતાના પૂર્વજો હિંદુ કે બૌધ હતા તેનુગૌરવ છે. અને તે સહજ સ્વીકાર્ય પણ છે. આ મ્યુઝીયમમાં હિંદુ – બુદ્ધ સમયની મૂર્તિ વગેરે જોવા મળે છે. ઇન્ડોનેશિયાના ભૂતકાળમાં ડોકિયું કરવાનું ઉત્તમ સ્થળ કહી શકાય. નેશનલ મ્યુઝીયમ જેવુજ એક બીજું અગત્યનું સ્થાન છે ત્યાની નેશનલ ગેલેરી. આ ગેલેરીનો હેતુ અહીના લોકોની અદ્ભુત કળા-કારીગીરીને પ્રદર્શિત કરવાનો છે. 1700 જેટલા વિવિધ ઇન્ડોનેશિયન કલાકારોના સર્જનનો અહી સંગ્રહ કરવામાં આવ્યો છે. અલબત વિદેશી કલાકારોની પણ કેટલીક કૃતિઓ રાખવામાં આવેલી છે. પેઇન્ટિંગના શોખીનો માટે આ નેશનલ આર્ટ ગેલેરીની મુલાકાત આગવી બની રહેશે.
ઇન્ડોનેશિયાની સંસ્કૃતિ અને જીવન શૈલી સમજવા માટે TAMAN MINI PARK ખુબ મહત્વની જગ્યા છે. 250 એકરમાં ફેલાયેલો આ પાર્ક વિવિધ બાહુલ્ય સાથે તમને અહીની સંસ્કૃતિની સમજ આપે છે. તમાં IMAX સિનેમા તો છેજ પણ અહી પારમ્પરિક નાટ્ય મંચન પણ થતું રહે છે. મને લાગે છે કે ઇન્ડોનેશિયામાં જઈએ ત્યારે અનેક પ્રવાસીઓથી ઉભરાતો અને અનેક માહિતી સાથે મનોરંજન પૂરું પડતો પાર્ક ભૂલ્યા વગર જોવા જેવો છે.
તો ફરીથી જરા કુદરતને ખોળે આંટો મારી આવીએ. જગ્યાનું નામ છે થાઉઝંડ આયલેંડ. જકાર્તાના ઉત્તરી છોર ઉપર આ ટાપુઓની હારમાળા આવેલીછે. અને તેની પર સુંદર અદ્યતન રિસોર્ટ પણ આવેલા છે. આધુનિક રેસ્ટોરન્ટ અને અવિસ્મરણીય સુંદર સાગર તટ, સફેદ રેતી અને ભૂરા પાણીનો સંગાથ . આ ટાપુઓ સૂર્યસ્નાન અને સાગર સ્નાન નો અદ્ભુત સમન્વય ધરાવે છે.
અંતે જાકાર્તા છોડતા પહેલા એક ડોકિયું GOLDOK માં કરવા જેવું છે. અરે એટલે આપણી પરિચિત ભાષામાં ચાઈનાટાઉન. બસ એજ ચીરપરિચિત વાતાવરણ અને કેટલીક સુંદર પારમ્પરિક ઈમારતો. ખાણીપીણી ના સ્ટોલ, માર્કેટ અને રંગીન મંદિરો આ બધી જગ્યાઓને મન ભરીને માણો અને અનેક યાદગીરીને તમારા જીવનભરનું ભાથું બનાવો. વધુ વાતો કરવા મળીશું આવતા અંકમાં.