અમદાવાદ : ગત ઓક્ટોબર મહિનાના છેલ્લા અઠવાડિયાથી ગત તા.ર નવેમ્બર, ર૦૧૮ સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરભરમાં બાકી પ્રોપર્ટી ટેકસ વસૂલાત ઝુંબેશ હેઠળ સીલિંગ ઝુંબેશ હાથ ધરાઇ હતી. જે અંતર્ગત ૭૩૬ કોમર્શિયલ મિલકતોને સીલ કરાઇ હતી, જેમાં ઉત્તર-પશ્ચિમ ઝોનની ર૩૦ મિલકતનો પણ સમાવેશ થાય છે, જોકે તંત્રની ઝુંબેશ દરમિયાન લાખો-કરોડો રૂપિયાના ડિફોલ્ટર્સની મિલકતને તાળાં મરાયાં ન હતાં એટલે અન્ય ઝોનની જેમ નવા રચાયેલા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં પણ સરકારી સહિત ખાનગી મિલકતોનો કરોડો રૂપિયાનો પ્રોપર્ટી ટેકસ તંત્રના ચોપડે આજે પણ ઉધાર બોલે છે. જા કે, હવે રકમનો આંક વધુ ઉંચો જતાં અમ્યુકો સત્તાવાળાઓએ પણ આવા ટોપ ડિફોલ્ટર્સ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવાના સ્પષ્ટ સંકેતો આપ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં અગાઉના નવા પશ્ચિમ ઝોનના બોડકદેવ, થલતેજ, ગોતા, ચાંદલોડિયા અને ઘાટલોડિયા એમ પાંચ વોર્ડનો સમાવેશ કરાયો છે. તંત્રની બાકી ટેકસ વસૂલાત ઝુંબેશ હેઠળ આ ઝોનની કોમર્શિયલ મિલકતોને પણ સીલિંગ હેઠળ આવરી લેવાઇ હતી, જોકે તંત્ર દ્વારા મોટા ડિફોલ્ટર્સ સામે આકરાં પગલાં લેવાયાં ન હતાં, પરંતુ મ્યુનિસિપલ ટેકસ વિભાગના ચોપડે રૂ.રપ,૦૦૦થી રૂ.એક લાખ સુધીનો પ્રોપર્ટી ટેકસ બાકી બોલતો હોય તેવા નાના ડિફોલ્ટર્સની વિરુદ્ધ સીલિંગ ઝુંબેશ કરાતાં તંત્રની તિજોરીને પણ ખાસ આવક મળવા પામી ન હતી.
બીજી તરફ ઉત્તર ઝોનના સોલા સિવિલ હોસ્પિટલ જેવી સરકારી મિલકતનો રૂ.૬ર.૧૧ લાખનો પ્રોપર્ટી ટેકસ બાકી બોલે છે તો એક્ઝિબિશન વગેરે માટે જાણીતા મેમનગર હેલ્મેટ સર્કલ પાસેના ગાંધી કોર્પોરેશનનો રૂ.૯.ર૩ કરોડ જેટલો અધધ ગણાય તેટલો પ્રોપર્ટી ટેકસ હજુ સુધી ભરાયો નથી. ગાંધી કોર્પોરેશન આ ઝોનના ડિફોલ્ટર્સમાં ટોપ મોસ્ટ ડિફોલ્ટર્સ હોવા છતાં સત્તાવાળાઓએ આ મામલે કોર્ટ કેસ ચાલતો હોવાનું કારણ આગળ ધર્યું છે. થલતેજના ઔડા ગાર્ડન પાસે આવેલી હોટલ કેમ્બે રૂ.૪૯૩ કરોડના બાકી ટેક્સ સાથે બીજા ક્રમાંકે છે, પરંતુ હોટલ કેમ્બેના સંચાલકોએ નાદારી નોંધાવી હોવાનું તંત્ર જણાવીને બીજા અર્થમાં સત્તાવાળાઓ વર્ષો સુધી ટેકસને બાકી રાખીને ઊંઘતા ઝડપાયા હોવાનો નિખાલસ એકરાર પણ કરી રહ્યા છે. ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડમાં એસજી હાઇવે પરની રંગોલી રેસ્ટોરાં ટોપ ડિફોલ્ટર્સના લિસ્ટમાં ત્રીજા ક્રમાંકે છે. રંગોલી રેસ્ટોરાંના સંચાલકો પાસેથી ટેકસ વિભાગે રૂ.૧.ર૪ કરોડનો ટેકસ વસૂલવાનો છે.
જેમાં રૂ.ર.પપ લાખનો બાકી ટેકસ તો જૂની ફોર્મ્યુલાનો ભરાયો નથી. જ્યારે ગત તા.૧ એપ્રિલ, ર૦૦૧થી અમલમાં આવેલી નવી ફોર્મ્યુલાનો રૂ.૧.૧૬ કરોડનો ટેકસ અને ચાલુ નાણાકીય વર્ષનો રૂ.૬.૩૮ લાખનો ટેકસ બાકી બોલે છે. આ અંગે ઉત્તર-પશ્ચિમ ઝોનના ટેકસ વિભાગના વડા વિપુલ પટેલે જણાવ્યું કે, આ ઝોનના કેટલાક અન્ય ટોપ ડિફોલ્ટર્સ પૈકી એકલવ્ય સ્પોટ્ર્સ એકેડેમી મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની મિલકત હોઇ તેનાં નાણાં તંત્રના એક વિભાગમાંથી બીજા વિભાગમાં જવાના હોઇ મોટો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી તો ક્યાંક પટેલ હરિભાઇ જેવી મિલકતમાં જમીનનો વિવાદ ચાલી રહ્યો છે, જોકે ટોપ મોસ્ટ ડિફોલ્ટર્સ સામે ચોક્કસ આકરાં પગલાં ટૂંક સમયમાં લેવાશે.