અમદાવાદ : આજે કાળી ચૌદશને લઇ રાજયભરના હનુમાનજી મંદિરોમાં મહાઆરતી, યજ્ઞ-હવન સહિતના ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તો મહુડી સ્થિત ઘંટાકર્ણ મહાવીરના મંદિર ખાતે પણ વિશેષ હોમ-હવનનું આયોજન કરાયું છે. ગાંધીનગર જિલ્લાના ડભોડા ખાતેના સુપ્રસિધ્ધ અને એક હજાર વર્ષ કરતાં પણ વધુ પ્રાચીન સ્વયંભુ ડભોડિયા હનુમાનજી મંદિર ખાતે કાળી ચૌદશની વિશેષ અને તેલથી દાદાના મહાઅભિષેકને લઇ તડામાર તૈયારીઓ હાથ ધરાઇ હતી. આજે રાત્રે ૧૨.૦૦ વાગ્યાથી કાળીચૌદશની શરૂઆત થઇ એટલે, તરત જ ધનતેરસની રાત્રે જ ૧૨.૦૦ વાગ્યે દાદાની ૧૦૮ દિવાની ભવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી.
કાળીચૌદશની દાદાની આરતીનું અનન્ય મહાત્મ્ય અને ચમત્કાર હોઇ લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુ ભકતો ડભોડિયા હનુમાનજી ખાતે ઉમટયા હતા. દર વર્ષની જેમ આ વખતે પણ ચમત્કારિક ડભોડિયા હનુમાનજી દાદાને કાળીચૌદશે લગભગ એક હજાર જેટલા તેલના ડબાથી શ્રધ્ધાળુ ભકતો દ્વારા અભિષેક કરવાનું આયોજન હાથ ધરાયું છે. તો બીજીબાજુ, કાળીચૌદશને લઇ સાળંગપુર ખાતેના કષ્ટભંજન દેવ મંદિર ખાતે પણ કાળીચૌદશ નિમિતે સમૂહયજ્ઞ પૂજન, મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કષ્ટભંજન દેવની પ્રસાદીની લાકડીનો ભવ્ય અભિષેક કરવામાં આવશે કે જેનું ખૂબ મહાત્મ્ય છે.
ગાંધીનગર જિલ્લાના સુપ્રસિધ્ધ ચમત્કારિક અને એક હજાર વર્ષથી પણ વધુ પૌરાણિક એવા ડભોડિયા હનુમાનજી મંદિર ખાતે ધનતેરસના પવિત્ર દિવસથી મેળાની શરૂઆત થઇ ગઇ હતી, જે આવતીકાલે કાળીચૌદશની રાત્રે ૧૨ વાગ્યે પૂર્ણ થશે. આ મેળામાં લાખો શ્રધ્ધાળુઓ ભાગ લે છે. આ અંગે ડભોડિયા હનુમાનજી મંદિરના ટ્રસ્ટી રાજુભાઇ ગજ્જર, બળદેવજી પરમાર, હીરાભાઇ પટેલ અને મંદિરના પૂજારી રાજુભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, ધનતેરસની આજની રાત્રે ૧૨.૦૦ વાગ્યાથી કાળીચૌદશની શરૂઆત થઇ જશે એટલે, ધનતેરસની રાત્રે જ ૧૨.૦૦ વાગ્યે કાળીચૌદશના પ્રારંભ સાથે દાદાની ૧૦૮ દિવાની ભવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી. ધનતેરસની રાત્રે થતી કાળીચૌદશની દાદાની થતી આ મહાઆરતીનું અનેરૂ મહાત્મ્ય હોઇ તેમાં લાખો શ્રધ્ધાળુ ભકતો ઉમટયા હતા. તો, કાળી ચૌદશના દિવસે શ્રધ્ધાળુ ભકતો દ્વારા ડભોડિયા દાદાન એક હજાર કિલો તેલ ડબાથી ભવ્ય અભિષેક કરાશે. ધનતેરસની રાત્રિના ૧૨ વાગ્યાથી કાળીચૌદશના રાતના બાર વાગ્યા સુધી ડભોડિયા દાદાનું મંદિર સતત મંદિર ખુલ્લુ રખાશે કે જેથી ગુજરાત સહિત દેશ-વિદેશમાંથી આવતા શ્રધ્ધાળુ ભકતો દાદાના દર્શનનો લાભ લઇ શકે. આ જ પ્રકારે સુપ્રસિધ્ધ સાળંગપુર કષ્ટભંજન દેવ ખાતે પણ કાળીચૌદશ નિમિતે વહેલી સવારે પાંચ વાગ્યે દાદાની ભવ્ય આરતી, સવારે ૭-૦૦ વાગ્યે સમૂહ યજ્ઞ પૂજન, ૯-૦૦ વાગ્યે દાદાની પ્રસાદીની લાકડીનો ભવ્ય અભિષેક અને ૧૧-૩૦ વાગ્યે દાદાનો ભવ્ય અન્નકુટ યોજાશે. તો શહેરના શાહીબાગ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલા સુપ્રસિધ્ધ કેમ્પ હનુમાનજી મંદિર ખાતે આવતીકાલે કાળીચૌદશ નિમિતે દાદાની ત્રણ આરતીઓ ઉતારવામાં આવશે., જેમાં સવારે ૬-૩૦ વાગ્યે દાદાની ભવ્ય આરતી, સવારે ૭-૩૦ વાગ્યે બીજી આરતી અને રાત્રે ૧૨-૦૦ વાગ્યે દાદાની મહાઆરતી ઉતારવામાં આવશે.
જયારે સવારે ૮થી ૧૦ દરમ્યાન સામૂહિક હનુમાનચાલીસા અને સુંદરકાંડના પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય દિવાળી અને બેસતાવર્ષના તહેવારને લઇને હનુમાનજી દાદાના ઉપરોકત મંદિરો અને શહેર સહિત રાજયના અન્ય હનુમાનજી મંદિરોમાં દાદાનો ભવ્યાતિભવ્ય સાજ-શણગાર કરવામાં આવશે. તો, શ્રદ્ધાળુ ભકતો માટે પ્રસાદ સુવિધાની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે…