જસદણની પેટાચૂંટણીને લઇ કોંગ્રેસના પાંચ નામો ચર્ચામાં

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ :  જસદણ વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણીને લઇ ભાજપ અને કોંગ્રેસમાં પ્રતિષ્ઠાનો જંગ જીતવા સમાન બાજી દાવ પર લાગી છે. કારણ કે, જસદણ વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી અન્ય કોઇ નહી પરંતુ કોંગ્રેસમાંથી જ ભાજપમાં જાડાનાર અને સીધુ કેબીનેટ મંત્રીનું પદ હાંસલ કરનાર કુંવરજી બાવળિયા મેદાને છે, જેથી કોંગ્રેસ માટે તેમને હરાવવા એ પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે અને તેને લઇને જ હવે કોંગ્રેસે આ માટે ખાસ વ્યૂહરચના ઘડી કાઢી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જનાર કુંવરજીભાઇ બાવળિયા સામે કોંગ્રેસમાંથી કયા દિગ્ગજ ઉમેદવારને ઉભો રાખવો કે જે બાવળિયાને જારદાર મ્હાત આપી શકે તે માટે કોંગ્રેસ પક્ષે મહત્વની કવાયત હાથ ધરી છે, જેના અંતે હાલ તો, ધીરૂભાઇ શિંગાળા, વિનુભાઇ ધડુક, ભોળાભાઇ ગોહેલ, ભીખાભાઇ બાંભણીયા અને અવસરભાઇ નાકીયા એ પાંચ નામો ચર્ચાઇ રહ્યા છે. જેમાંથી કોઇ એક બાવળિયા સામે ચૂંટણી લડશે. જા કે, આ પાંચેય વ્યક્તિઓના પ્રભાવ અને પરિણામને લઇ કોંગ્રેસ સેન્સ લેશે.

હાલ કોંગ્રેસમાં આ પાંચ નામોની ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસ દ્વારા સેન્સ-લોકમત જાણવાની પ્રક્રિયા બાદ નામ જાહેર કરવામાં આવશે. ભાજપમાંથી કુંવરજીભાઈ બાવાળીયા સામે આ પાંચમાંથી કોઇ પણ એક વ્યક્તિ થઈ શકે છે ઉમેદવાર. કોંગ્રેસ તરફથી જે પાંચ ઉમેદવારોના નામો સામે આવી રહ્યા છે તેમનું બેકગ્રાઉન્ડ જાઇએ તો, ધીરુભાઈ શીંગાળા એ લેઉવા પાટીદાર ઉમેદવાર, ઉદ્યોગપતી અને લેઉવા પટેલ સમાજમાં સારી નામના ધરાવે છે. આ જ પ્રકારે  વિનુભાઈ ધડુક એ જિલ્લા પંચાયત સદસ્ય અને લેઉવા પાટીદાર સમાજમાં અગ્રણી હોઇ સારો પ્રભાવ પાડી શકે છે.

ભોળાભાઈ ગોહેલ પૂર્વ ધારાસભ્ય જસદણ કોંગ્રેસ, કોળી સમાજના અગ્રણી, અગાઉ  રાજ્યસભા વખતે ભાજપને મત આપ્યો હતો, બાદમાં કુંવરજીભાઈ ભાજપમાં જોડાતા તેઓ કોંગ્રેસના ફરી સક્રિય થયા તે છે, જેઓ પીઢ રાજકારણી તરીકે વર્ચસ્વ ધરાવે છે. ભીખાભાઇ બાંભણીયા પૂર્વ ધારાસભ્ય જસદણ, પૂર્વ ચેરમેન રાજકોટ ડેરી, લેઉવા પાટીદાર અગ્રણીનું નામ પણ આ ચર્ચામાં છે તો, અવસરભાઈ નાકીયા પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, કોળી સમાજના અગ્રણી, ચાલુ જિલ્લા પંચાયતના સદસ્યને પણ તક મળવાની સંભાવના વર્તાઇ રહી છે. પુખ્ત વિચારણા અને તમામ પાસા ધ્યાનમાં લીધા બાદ કોંગ્રેસ આખરી નામ ફાઇનલ કરશે.

 

Share This Article