અમદાવાદ : સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગુજરાતમાં નિર્માણ માટે ગુજરાતના નાગરિકોવતી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવી અભિનંદનપત્ર પાઠવ્યો હતો. વિશ્વભરમાં ગુજરાતનું નામ એકતા માટે પ્રસ્થાપિત કરવા બદલ વડાપ્રધાનનો આભાર માનતા તેઓએ કહયું કે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના નિર્માણને સફળ બનાવવા માટે આ સ્થળ એકતા નું પ્રેરણાતિર્થ બનશે. દેશના નાગરિકો આપના આ સપનાને પૂર્ણ કરશે એવો અમારો સંકલ્પ છે એમ તેમણે ઉમેર્યું હતું.
તેઓએ ઉમેર્યુ કે સરદાર સાહેબની આ ગગનચૂંબી પ્રતિમાના સાંનિધ્યમાં આ પત્ર ગુજરાતના નાગરિકો તરફથી દેશના એક બીજા સપૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આર્શીવાદરૂપે લખવામાં આવી રહ્યો છે. નરેન્દ્ર મોદીનો સરદાર વલ્લભભાઈ પટેલની જેટલી મોટી પ્રતિભા એટલી જ ઉંચી પ્રતિમાનો સંકલ્પ હતો એ આજે ૩૧ ઓક્ટોબર ૨૦૧૮ ના રોજ સાકાર થયો છે. લોખંડી પુરુષ સરદાર સાહેબના અદમ્ય સાહસ અને ભગીરથ પ્રયાસોના કારણે જ ભારત આજે એક બન્યો છે જેના માટે તમામ ભારતીયો ગર્વથી કહી શકે છે કે વિવિધતામાં એકતા એ ભારતની વિશેષતા છે.
દેશમાં એકતા માટે નાગરિકો જાગૃત રહે તે માટે નરેન્દ્ર મોદીએ કહયું હતું કે સરદાર સાહેબના સમયમાં દેશની એકતા માટે જેટલી જાગૃતતા, સકારાત્મકતા અને સક્રિયતાની આવશ્યકતા હતી એના કરતાં પણ વધુ સક્રિયતા આજે દેશના નાગરિકોમાં જોવા મળી રહી છે. મુખ્યમંત્રીએ કહયું હતું કે જે ઇતિહાસમાંથી પ્રેરણા મેળવે છે તે જ સફળ બને છે. સરદાર સાહેબનંં જીવન, એમની રાષ્ટ્રભક્તિ અને ફૌલાદી સંકલ્પ આવનારી પેઢીઓને દેશને શ્રેષ્ઠ અને એક બનાવવા માટે હંમેશા પ્રેરિત કરશે.