અમદાવાદ : ભરૂચ-વડોદરા નેશનલ હાઈવે ઉપર આવેલા કરજણ ટોલનાકા પાસેથી વડોદરા અને સુરતના ડીઆરઆઇ અધિકારીઓએ ૧૬૦૦ ગ્રામ સોનાનાં બિસ્કીટ ઝડપી પાડ્યા છે. જેની કિંમત અંદાજે રૂપિયા ૫૨.૪૮ લાખની થવા જાય છે. બીજીબાજુ, પોલીસે સોના સાથે ઝડપી પાડેલા ઈસમોને ધરપકડ બાદ જામીન પર છોડી મુકવામાં આવ્યા હતાં. આ બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચ વડોદરા નેશનલ હાઈવે પરથી સફેદ કલરની ડીએલબી-સીએસ-૯૬૬૨ કાર પસાર થઈ રહી હતી. અમદાવાદ ડીઆરઆઇના અધિકારીઓને બાતમી મળી હતી કે આ સફેદ કલરની કારમાં સોનું છે.
જે બાતમીના આધારે કરજણ ટોલનાકા પાસે જઈ સુરત-વડોદરાનાં ડીઆરઆઇના અધિકારીઓએ સફેદ કલરની ગાડી નંબર ડીએલબી-સીએસ- ૯૬૬૨ને ઉભી રાખી હતી. તેની જડતી લેતા તેમાંથી ૧૦૦ ગ્રામના ૧૬ સોનાના બિસ્કીટ મળી આવ્યા હતાં. એક સોનાના બીસ્કીટનું વજન ૧૦૦ ગ્રામ મળી કુલે ૧૬૦૦ ગ્રામ સોનું ડીઆરઆઇએ ઝડપી પાડયું હતું. માર્કેટ કિંમત પ્રમાણે પોલીસે તેની કિંમત ૫૨.૪૮ લાખ હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા કાર પણ કબ્જે લેવામાં આવી હતી. પોલીસે કરજણ ટોલકાના પાસેથી ૧૬૦૦ ગ્રામ સોનું તેમજ કારમાં સવાર શખ્સોની અટકાયત કરી હતી. પોલીસે કસ્ટમ એકટ ૧૯૬૨ મુજબ ગુનો નોંધી કારમાં સવાર શખ્સોની ધરપકડ કરી હતી. જા કે, બાદમાં પોલીસ દ્વારા સોનાના બીસ્કીટ સાથે ઝડપી પાડેલા શખ્સોનો જામીન પર છોડી મુકવામાં આવ્યા હતાં. જેને લઇ અનેક સવાલો ઉઠી રહ્યા છે.